મને પ્રવાસી થવું ગમે છે...

અજવાળું અજવાળું

- તુષાર જોષી Wednesday 14th August 2024 06:09 EDT
 
 

યુકે, યુનાઈડેટ કિંગ્ડમ, અનેકવિધ વૈવિધ્યતાથી ભરપૂર દેશ, દાયકાઓની પોતાની સંસ્કૃતિથી સાચવીને બેઠેલો દેશ, રમતગમત અને સાહિત્યથી ધબકતો દેશ, ફૂટબોલ – રગ્બી - ક્રિકેટ – ગોલ્ફ જેવી રમતોનો આરંભ જ્યાં થયો એ દેશ.

કલા અને વિજ્ઞાનના ક્ષેત્રે સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપનાર દેશ, વિલિયમ શેક્સપિયર જેવા સાહિત્યકારોની ભૂમિ, લોર્ડ્ઝનું મેદાન હોય કે રોયલ આલ્બર્ટ હોલ હોય, અહીં આવતા વિશ્વભરના પ્રવાસીઓ માટે શિલ્પ – સ્થાપત્ય, ઈતિહાસ, મહેલો, મેદાનો, પ્રાકૃતિક અને રમણીય સ્થાનોનું હંમેશા આકર્ષણ રહ્યું છે.
સદભાગ્યે મારે પણ 2003ના વર્ષથી અહીં પ્રવાસી તરીકે, કલાકાર તરીકે નિયમિતરૂપે આવવાનું થાય એટલે મીડિયાકર્મી - પરફોર્મર હોવાના કારણે અનેક સ્થળોએ જવાનું બને, એ સ્થળો વિશે જાણકારી મેળવવી ગમે અને અવનવી કેટલીક વાતો મનમાં અંકાય.
અહીં પહેલીવાર આવનારને માટે સૌથી સુલભ જે છે તેમાં લોકલ ટ્રાન્સપોર્ટ છે, ઓઇસ્ટર કાર્ડ ખરીદો એટલે એ કાર્ડ બસ અને ટ્રેન બંનેમાં ચાલે. જરૂર પડે ટોપ અપ કરાવ્યા કરો. બસમાં મુસાફરી કરતાં હમણાં જ હું ડ્રાઈવરને મારા ગંતવ્ય સ્થાન સુધી જવા માટે પુછતો હતો, તે જોઈને બસના પ્રવાસી એક સ્થાનિક બહેને પણ મને સામેથી બધું સમજાવ્યું અને બસ એક સ્ટોપ વહેલા કોઈ કારણસર અટકી તો વળી એક મહિલા અમાદી મદદે આવી. શરૂઆતમાં રોડ-મેપ અને ટ્રેન-બસના રૂટ સમજવામાં વાર લાગે પણ એક વાર સમજાય પછી સાવ સરળતાથી હરીફરી શકો.
સેન્ટ્રલ લંડન પ્રવાસીઓ માટે ફરવાનું મુખ્ય આકર્ષણ છે. અહીં દર વર્ષે 15 મિલિયનથી વધુ પ્રવાસીઓ આવે છે. અહીં એક મ્યુઝિયમ છે, જેમાંનું એક બ્રિટિશ મ્યુઝિયમ છે. એ ઉપરાંત બ્રિટિશ લાઈબ્રેરી છે. ટ્રફાલ્ગર સ્કેવર, કોન્વેન્ટ ગાર્ડન, લંડન આઈ, નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, ધ ગ્લોબ થિયેટર, માદામ તુસાદ મ્યુઝિયમ, વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ, બકિંગહામ પેલેસ, લંડન બ્રીજ, ટાવર ઓફ લંડન, સેન્ટ પોલ કેથેડ્રલ, એક્વેરિયમ, થેમ્સ નદી પર દર્શનીય સ્થળોની યાત્રા, હાઈડ પાર્ક, કેસિંગ્ટન ગાર્ડન, હાઉસ ઓફ કોમન્સ, ઓક્સફર્ડ સ્ટ્રીટ... આહાહા કેટકેટલા અદભૂત આકર્ષણો... અહીં એક વાત ખાસ નોંધી કે પ્રવાસીએ સતત ચાલવું પડે. રોજના પંદર વીસ હજાર ડગલાં ચાલી નાંખો ને તમને ખબર પણ ના પડે! પણ એ પ્રવાસ પ્રસન્નતા પ્રેરક હોય. રસ્તામાં સાંસ્કૃતિક, ઐતિહાસિક સમાવેશ અને ભવ્ય ઈમારતોને જોતા જવાનું, આપણા મોબાઈલમાં એ સ્થળોની તસવીરો લેતાં જવાનું.
બ્રિટનના અન્ય પ્રવાસન સ્થળોમાં આ વખતે જ્યાં જ્યાં જવાનું થયું એમાં અમારા મોટાભાઈ અને ભાભી સમાન દોસ્ત કેલુભાઈ તથા રતનભાભી અને મારા કઝિન તેજસ તથા એની પત્ની સ્નેહલ સાથે ખૂબ ફર્યાં. એક સ્થળે પહેલીવાર ગયો - ગ્રીનવીચ. અહીં ગ્રીનવીચ નામના સ્થળે પસાર થતી કાલ્પનિક રેખા છે જેને પ્રાઈમ મેરેડિયન અર્થાત્ શુન્ય સમય કહે છે. આ રેખાના સમયને જ બધા દેશો માટે માનક, પ્રમાણિત સમય મનાય છે. અહીં સુંદર મ્યુઝિયમ, ચારેતરફ હરિયાળી, ગ્રીનવીચ યુનિવર્સિટી, ગ્રીનવીચ માર્કેટ જે ઈ.સ. 1787થી કાર્યરત છે. કટીસાર્ક નામનું શીપ, થેમ્સ નદીના બે કિનારાને જોડતી ટનલ જેમાં સાઈકલ પ્રવાસીઓ પણ હોય, આ બધું જ જોવામાં સમય ક્યાં પસાર થઈ જાય ખબર ના પડે.
જ્યાં પણ જઈએ નાનો કે મોટો પાર્ક તો હોય જ. લેસ્ટરના એબીપાર્કમાં ફર્યા કરો તો કદાચ અડધો દિવસ મસ્ત તડકાને ઝીલવામાં પસાર થઈ જાય. સતત ચાલવાથી સ્ફૂર્તિ રહે... પ્રવાસી તરીકે આવ્યા હોઈએ એટલે આપણું ગુજરાતી અને બ્રિટનનું ઈંગ્લિશ એવું વેજિટેરિયન ફૂડ ખાવાની મજા પણ કંઈ ઓર છે. કેટકેટલી વેરાઈટીઝ વેજિટેરિયનમાં પણ મળે છે.
પ્રવાસીનો અર્થ છે પોતાનું ઘર કે દેશ છોડીને બીજા વિસ્તારમાં - દેશમાં રહેનાર માણસ. મને પ્રવાસી થવું ગમે છે. સતત નવા સ્થાનો જોવા, સતત નવા માણસોને મળવું, નવું જાણવું - શીખવું - ભૂલ કરવીને સુધારવી, પુરુષાર્થ થકી પ્રસન્નતા મેળવવી ગમે છે. પ્રવાસો તો ખૂબ કર્યા - ખૂબ કરવાના છે અને એના થકી સભર થવું છે. જ્ઞાન–વિજ્ઞાનના, માહિતીના માણસની અંદર રહેલા માણસાઈના અજવાળાંને ઝીલવા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter