‘શ્રીકૃષ્ણ કી દ્વારિકા આને કા નિર્ણય જબ લીયા થા, તભી સે યે ભી તય થા કી મહાત્મા ગાંધી કી જનમભૂમિ પોરબંદર ભી જરૂર જાયેંગે’ મધ્ય પ્રદેશથી આવેલા પ્રવાસીએ કહ્યું.
‘આ મહામાનવે દુનિયાને અદભૂત પ્રેરણાત્મક સંદેશ એમના સમગ્ર જીવનથી આપ્યો છે.’ મહેસાણાના કલાકાર અજય બારોટે કહ્યું.
પોરબંદરના કીર્તિમંદિરમાં મુલાકાતીઓ મહાત્મા ગાંધી અને કસ્તુરબાના તૈલચિત્રોને વંદન કરી રહ્યા હતા અને પરિસરની મુલાકાત દરમિયાન સાહજિક સંવાદ કરી રહ્યા હતા.
સર્વધર્મ સમભાવ, સત્ય, અહિંસા, સત્યાગ્રહ, આશ્રમજીવન, આઝાદી માટેની લડત જેવા અનેક પ્રકરણોના મનન-ચિંતન થકી સહુના મનમાં મહાત્મા ગાંધીજીનું મહામાનવ સ્વરૂપ ઝલકી રહ્યું હતું.
મહાત્મા ગાંધીએ પોતાના જીવનમાં સર્વધર્મ સમભાવને આચરણમાં મૂક્યો હતો. આત્મકથામાં એમણે લખ્યું છે, ‘રાજકોટમાં મને અનાયાસે સર્વ સંપ્રદાયો વિશે સમાનભાવ રાખવાની તાલીમ મળી. માતા-પિતા હવેલીએ જાય, શિવાલયમાં જાય અને રામમંદિરે જાય અને અમને ભાઈઓને પણ લઈ જાય.’
એમના પિતાજી પાસે જૈન ધર્માચાર્યો આવતા. મુસ્લિમ અને પારસી મિત્રો પણ આવીને ધર્મની વાતો કરતા. બાળવયે આના સાક્ષી બનેલા ગાંધીજીને આગળ જતા શ્રીમદ્ ભગવદ્ગીતા, બુદ્ધચરિત્ર, બાઈબલ, ઈશુના ગિરી પ્રવચનો, પયગમ્બરની મહત્તા અને જરથુસ્તના વચનો વિશે વાંચવા મળ્યું અને જુદા જુદા સંપ્રદાયો, ધર્મોનું ઓછું-વધતું જ્ઞાન પ્રાપ્ત થયું, આત્મ નિરીક્ષણ વધ્યું.
સર્વધર્મ સમભાવ જેટલું જ મહત્ત્વ ગાંધીજીના જીવનમાં સત્યનું પણ રહ્યું. આત્મકથામાં લખ્યા મુજબ ‘મારે મન સત્ય જ સર્વોપરી છે. આ સત્ય તે સ્થૂળ, વાચાનું સત્ય નહિ, આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું, સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય એટલે કે પરમેશ્વર.’ હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન ગાંધીજીએ હરિશ્ચંદ્રનું નાટક જોયું હતું. એમના મનમાં એ નાટક અનેક વાર ભજવાયું અને તેઓએ સત્યના માર્ગે ચાલવા નક્કી કર્યું ને આખુંયે જીવન સત્યને સમર્પિત રહ્યા.
ગાંધીજીએ મીઠું શા માટે છોડ્યું? પ્રશ્નના ઉત્તર આત્મકથાના પાનાંઓ પર મળે છે. તદનુસાર જેલનિવાસ દરમિયાન ગાંધીજીએ અનુભવ્યું કે એવા ઘણાયે નિયમો છે જે માણસે જેલબહારના સામાન્ય જીવનમાં પણ પાળવા જોઈએ. તેઓએ વાંચ્યું હતું કે મીઠું ખાવું જરૂરી નથી. થયું એવું કે કસ્તુરબાની બીમારીની સારવાર ચાલતી હતી. ગાંધીજીએ એમને કહ્યું કે તબિયતના હિત માટે કઠોળ અને મીઠું છોડો... તો જવાબ મળ્યો કે તમને કોઈ આ બંને છોડવાનું કહે તો તમે છોડો?
તુરંત ગાંધીજીએ જવાબ આપ્યો કે મને દરદ હોય અને વૈદ્ય કહે તો છોડું...’ એમણે કસ્તુરબાની વાત પર બંને છોડ્યા. કસ્તુરબાએ ના પાડી પણ આ તો ગાંધીજી, એમણે કહ્યું કે લેવાયેલી પ્રતિજ્ઞા મારાથી ફેરવાય નહિ, અને નિમિત્ત ભલે કોઈ પણ હોય માણસ સંયમ પાળે એમાં લાભ જ છે. આમ એમના રોજિંદા જીવનમાં પણ ત્યાગનો, સંયમી જીવનનો પ્રભાવ રહ્યો.
આશ્રમ ભજનાવલિના પદો વાંચીએ-સાંભળીએ-ગાઈએ ત્યારે ગાંધીજીનો આ ભજનો માટેનો સાહજિક પ્રેમ અનુભવાય છે. માત્ર ૧૩ વર્ષની ઉંમરે તેઓએ ગોસ્વામી તુલસીદાસજીની ચોપાઈઓ સાંભળી હતી.
ગાંધીજી દક્ષિણ આફ્રિકા હતા ત્યારે ત્યારે એમણે સામુદાયિક જીવનનો આરંભ કર્યો હતો અને સૌ સાથે મળીને સાયંકાલે પ્રાર્થના કરતા. ભારત આવ્યા બાદ કેટલાક લોકો શાંતિનિકેતનમાં રહ્યા ત્યારે ત્યાં અને પછી કોચરબ-અમદાવાદના ગાંધીઆશ્રમમાં પ્રાર્થના-શ્લોક-ભજનો ગવાતા એનું સંકલન કરીને આશ્રમ ભજનાવલિ તૈયાર થઈ છે જેમાં રાગ પ્રમાણે અનુક્રમણિકા છે અને આશ્રમ જીવનનું એમાં પ્રતિબિંબ પડે છે. નામ-રૂપની વિવિધતા એ ભજનોમાં છે અને એનાથી સરવાળે સર્વધર્મ સમભાવની ભાવના પ્રગટ થાય છે.
•••
ગાંધી જયંતિનું પર્વ નજીક છે ત્યારે સ્વાભાવિક રીતે મન-હૃદયમાં ગાંધી વિચાર - ગાંધી આચાર અને ગાંધીજીના વિરાટ વ્યક્તિત્વના અનેક ગુણોનું સ્મરણ થાય.
સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ મહાપુરુષો પણ જેમના વિચારોને સર્વકાલ માટે આચરણમાં મુકવા જેવા ગણે એવા મહામાનવ ગાંધીજી વિશે એમના વિચારો વિશે નવી પેઢી પણ રસ લે-વાંચે-સમજે ત્યારે ગાંધી દર્શનના અને ગાંધી વિચારના અજવાળાં રેલાય છે.