‘મમ્મી, મારે સ્કુલના કાર્યક્રમમાં આદિશક્તિના સ્વરૂપો વિશે વાત કરવી છે, તું કહેતી હતી કે તું પણ કોલેજમાં ને ટીવીમાં નવરાત્રીના કાર્યક્રમોમાં એન્કરિંગ કરતી હતી, તો મને થોડી વાત સમજાવને...’ દીકરાએ મમ્મી તોરલને કહ્યું. મુંબઈમાં રહીને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી તોરલે હસતાં હસતાં કહ્યું કે, ‘ચલ, તને આદિશક્તિના એક સ્વરૂપ મહાલક્ષ્મીની અને એમના પણ આઠ સ્વરૂપની વાત કરું.’
નવરાત્રીનો આરંભ થઈ ચૂક્યો હતો અને બોરીવલીની બજારમાં એ સંદર્ભે થોડી ખરીદી કરવા બંને ગયા હતા. પાછાં ફરતાં રીક્ષામાં બેસીને તોરલે ભારતીય શાસ્ત્રોમાં લક્ષ્મીજીના જે આઠ સ્વરૂપો છે તેની વાત દીકરાને કહી.
ભારતીય સંસ્કૃતિક અને ધર્મગ્રંથોમાં વર્ણન છે તે અનુસાર માતા લક્ષ્મીના આઠ સ્વરૂપો છે. મા લક્ષ્મીને ધન, વૈભવ, સંપત્તિ, યશ અને રિદ્ધિ-સિદ્ધિના દાતા માનવામાં આવે છે. લક્ષ્મીજીની કૃપા વિના સફળતા મળવી મુશ્કેલ છે. લક્ષ્મીજીની કૃપાથી ભક્તોનો મનોરથો પૂર્ણ થાય છે.
‘મમ્મી, લક્ષ્મીના આટલા સ્વરૂપો હોય તો એમાં પહેલું સ્વરૂપ કયું છે?’ દીકરાએ પૂછ્યું અને તોરલે એની જિજ્ઞાસાને સંતોષતા કહ્યું કે, ‘અરે, બેટા તમામ સ્વરૂપોની વાત કરું છું, લક્ષ્મી પ્રાપ્તિમાં અને લક્ષ્મી સાધનામાં ક્યારેય ઉતાવળ ના કરવી.’
લક્ષ્મી માતાનું સ્વરૂપ, પ્રથમ સ્વરૂપ તે આદિ લક્ષ્મી સ્વરૂપ છે. એ મૂળ લક્ષ્મી કે મહાલક્ષ્મીના નામે પણ ઓળખાય છે. આદિલક્ષ્મી માતા જ સૃષ્ટિની ઉત્પતિ કરનાર છે અને ભગવાન વિષ્ણુ સાથે જગતનું સંચાલન કરે છે. આદિ લક્ષ્મીની સાધનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
અષ્ટલક્ષ્મીનું બીજું સ્વરૂપ તે ધનલક્ષ્મી છે. આ સ્વરૂપના એક હાથમાં ધનથી ભરેલો કળશ અને બીજા હાથમાં કમળ છે. આ સ્વરૂપની કૃપા થાય તો દેવું ઉતરે, આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.
આ વાત સાંભળીને તુરંત ચતુર દીકરાએ કહ્યું કે ‘તો તો ધનલક્ષ્મી માતાની સાધના આજથી જ શરૂ કરી દઉં...’
એટલે એનો કાન પકડીને તોરલે કીધું કે, ‘બેટા, માત્ર ધનથી જ નથી જીવાતું... ત્રીજી લક્ષ્મી તે ધાન્ય છે. એટલે કે અનાજ, અન્ન... એ માટે જ અન્નપૂર્ણા દેવીનું આપણે પૂજન કરીએ છીએ. અન્ન લક્ષ્મી છે એનો ક્યારેય અનાદર ન કરતો.’
ચોથી લક્ષ્મી તે ગજ લક્ષ્મી. ગજ લક્ષ્મી કૃષિ અને ઉર્વરતાની દેવીના રૂપમાં પૂજાય છે. રાજાને સમૃદ્ધિ આપે છે એટલે રાજલક્ષ્મી રૂપે પણ ઓળખાય છે અને પછી હસતાં હસતાં તોરલે કહ્યું કે ‘જો તું પણ એક લક્ષ્મી સ્વરૂપ જ છો.’ પાંચમી લક્ષ્મી એટલે સંતાન લક્ષ્મી. સંતાન લક્ષ્મી પોતાની ગોદમાં કુમાર સ્કંદને બાળકના રૂપમાં લઈને બેઠાં છે. ઘરમાં સંસ્કારી-ડાહ્યા-વિવેકી-શિક્ષિત સંતાનો હોય એ પણ એક પ્રકારે લક્ષ્મી કૃપા જ છે.
છઠ્ઠી લક્ષ્મી તે વીર લક્ષ્મી, વીરતા, સાહસ, લડાયક મિજાજ આપે છે મા વીર લક્ષ્મી.
સાતમી લક્ષ્મી તે જય લક્ષ્મી. આ સ્વરૂપની સાધનાથી જીવન સંઘર્ષમાં વિજયની પ્રાપ્તિ થાય છે.
આઠમી લક્ષ્મી તે વિદ્યા લક્ષ્મી છે. તે જ્ઞાન-કલા-કૌશલ્ય આપે છે.
‘મમ્મી તો તો હું સૌથી પહેલાં વિદ્યા લક્ષ્મીની જ પૂજા કરીશ.’ કહ્યાગરા દીકરાની જેમ દીકરાએ તોરલને કહ્યું ને હસતો હસતો જતો રહ્યો.
આપણા જીવનમાં લક્ષ્મી જરૂરી છે જ પરંતુ માત્ર આર્થિક-ભૌતિક-સ્થાવર-જંગમ મિલ્કતરૂપે જ લક્ષ્મીજી નથી ફળતા. અન્ય રૂપે પણ ફળે છે એ વાત સમજાય છે ત્યારે અષ્ટલક્ષ્મીના અજવાળાં રેલાય છે.