મા સરસ્વતી એટલે આપણી બુદ્ધિ - પ્રજ્ઞા અને મનોવૃત્તિઓનું રક્ષણ કરતી પરમ ચેતના

તુષાર જોષી Monday 15th February 2021 09:18 EST
 

‘તમારી પાસે, તમારી પૂજામાં હોય એ સરસ્વતી માતાની તસવીરની એક કોપી મને આપી જજો...’ આવું મને લેન્ડલાઈન ફોન પર કહેવાયું.

વાત ૧૯૯૪-૯૫ના વર્ષોની છે, ભાવનગરના એક કાષ્ટકલાના કારીગર, સુંદર કામ કરે, એમનો પરિચય થયો. એમને ખ્યાલ આવ્યો કે મા સરસ્વતીનો આરાધક છું એટલે તેઓએ આ વાક્ય મને કહ્યું હતું. થોડોક સમય વીત્યા બાદ ફરી ફોન આવ્યો. એમની ફેક્ટરી પર મને સજોડે બોલાવ્યો. મા સરસ્વતીની ઘર મંદિરમાં મુકીને પૂજા થાય એવી અપ્રતિમ કાષ્ટમૂર્તિ બતાવી, ભાવપૂર્વક અમારી પાસે પૂજા કરાવી અને પછી ભેટમાં આપીને કહ્યું, ‘દર વર્ષે વસંત પંચમીએ આની પૂજા કરજોને મને યાદ કરજો...’
વસંત પંચમી આવે એટલે સહજભાવે એમનું સ્મરણ કરું, વંદન કરું અને એ મૂર્તિની પૂજા પણ કરું. એમના કોઈ એક કાર્યમાં જોડાવાનું મને નિમિત્ત મળ્યું એના આનંદની અભિવ્યક્તિઓએ જે ભેટ આપીને કરી એ અણમોલ ભેટ બની રહી. અઢી દાયકાથી પૂજાની એ પરંપરા નિભાવીને હું પણ સાધનાથી સંવર્ધિત થતો રહ્યો.
મા સરસ્વતીનું એ ચિત્ર મને ભેટમાં મળ્યું હતું તીથલના દરિયાકિનારે રહીને અધ્યાત્મ સાધના કરતા બંધુત્રિપુટી પૈકીના પૂજ્યશ્રી જિનચંદ્ર વિજયજી મહારાજ સાહેબ પાસેથી. એમણે અમને કરાવેલી મંત્ર સાધના, સરસ્વતી સ્વરૂપના ભિન્ન ભિન્ન અર્થ, એની પૂજાનું મહત્વ, મંત્ર જાપનો મહિમા, આસો નવરાત્રિના દિવસોમાં થતી સરસ્વતી આરાદના અને પ્રાર્થનામાં ગવાતી એક પંક્તિએ જીવનમાં શબ્દના-વાણીના અજવાળા પાથર્યા છે.
દેજે દેજે અબુધ શિશુને, તું જ સદબુદ્ધિ દેજે,
રહેજે રહેજે અમ પર સદા, તું પ્રસન્ન જ રહેજે.
મા સરસ્વતીના ચરણોમાં આ ભાવ વંદના પ્રતિપળ અનુભવાતી રહી છે. મા સરસ્વતીની કૃપાનો અનુભવ સતત થયો રહ્યો છે.
સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મા સરસ્વતીની વંદનામાં શ્લોક-ભજન અને ફિલ્મ ગીતો ગવાય ત્યારે સૂત્રધારરૂપે એ રચનાઓના અર્થ અને અર્ક, સત્વ અને તત્વ મારા હૃદયમાં વધુ ને વધુ ખુલતા જાય. ઓડીયો-વીડિયો માધ્યમો દ્વારા એ જ ભાવ પ્રસ્તુત થતો ગયો ને શ્રદ્ધા-વિશ્વાસથી સભર થતો ગયો. લોકથી શ્લોક, એ પછી આજના આધુનિક સમયના તમામ ભાષાના કવિઓએ- સર્જકોએ-કલાકારોએ મા સરસ્વતીની વંદના - એનું મહિમાગાન પોતાના શબ્દોમાં કર્યું છે.
ઉપનિષદમાં, પુરાણોમાં અને ધર્મગ્રંથોમાં મા સરસ્વતીના પ્રાગટ્યની અને વસંત પંચમીની કથાઓ વાંચવા મળે છે. ઋગ્વેદમાં મા ભગવતી સરસ્વતીનું વર્ણન કરતા લખાયેલા શ્લોકનો અર્થ છે કે સરસ્વતીએ પરમ ચેતના છે, તે આપણી બુદ્ધિ-પ્રજ્ઞા અને મનોવૃત્તિઓનું રક્ષણ કરે છે.
બુદ્ધિ એટલે સમજ, અક્કલ, અંતઃકરણની વૃત્તિ, માનસિક શક્તિ. કહેવાય છે કે, ‘બુદ્ધિર્યસ્ય બલંતસ્ય’ એટલે કે જેનામાં બુદ્ધિ છે તે બળવાન છે. હવે આ બુદ્ધિ અવળા માર્ગે જાય તો આપણને કેટલું નુકસાન થાય એનો અનુભવ દરેકને હોય જ છે, એથી જ મા સરસ્વતી જ્યારે બુદ્ધિનું રક્ષણ કરે છે ત્યારે વિચાર અને આચારથી ખોટા કામ થતા નથી. વાણીના દેવી છે સરસ્વતી, એટલે એના આરાધક વિવેક સાથે બોલે છે અને શબ્દનો સમજીને ઉપયોગ કરે છે. વ્યવહારિક જગતમાં ક્યાંક એવું સાંભળ્યું છે કે આપણે એવું બોલવું જે લખીને આપણે એના પર સહી કરી શકીએ... આ વિવેક આપે છે મા સરસ્વતી.
મા સરસ્વતીનો જન્મદિવસ છે વસંત પંચમી. શિક્ષણ સાથે, વિદ્યા સાથે, કલાના વિવિધ સ્વરૂપો સાથે જોડાયેલા લોકો આ દિવસે સરસ્વતી આરાધના કરે છે. વસંત પંચમી એટલે શુભ કાર્યોના, કોઈ નૂતન સર્જન કે સંકલ્પના આરંભનો દિવસ. વસંત પંચમી એટલે લગ્ન તથા અન્ય શુભકાર્યો માટે વણજોયું મુહુર્ત વસંત પંચમી એટલે કલમથી કશુંક લખવાનો, ગાવાનો, નૃત્યનો દિવસ. પ્રેમ-પ્રાર્થના અને પ્રસન્નતાનો દિવસ.
પ્રાથમિક શાળામાં આપણે રોજીંદી પ્રાર્થના ગાઈએ ત્યારથી આદ્યાશક્તિના આ સ્વરૂપ સાથેની આપણી લાગણી-શ્રદ્ધા-ભક્તિ જોડાય છે. એ પછી સાંભળેલા કેટકેટલા શ્લોક અને ભજનોના શબ્દો સ્મૃતિપટ પર પડઘાય છે.
વસંતનું સ્વાગત કરીએ, વસંતના વધામણા કરીએ અને વસંત પંચમીએ મા સરસ્વતીની આરાધના કરીએ ત્યારે સૂર-શબ્દના અજવાળા રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter