સમગ્ર વિશ્વમાં જેની અનુભૂતિ એકસરખી સંવેદનાથી થાય એવો આ એકાક્ષરી મંત્ર છે. મા, માતા, મમ્મી કે મોમ, સંબોધન જે પણ કરાય, સામેની વ્યક્તિના હૃદયમાં માતૃત્વનો જે સાગર છલકાય એની ભીનાશ એના સંતાનોને સતત ભીંજવતી જ રહે.
માતાના અને માતૃત્વના ગુણગાન તો દેવતાઓ પણ કદાચ ના કરી શકે. મા બાળકોને માત્ર જન્મ જ નથી આપતી દીકરી કે દીકરાને સંસ્કારો પણ આપે છે. વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં જઈને જે જ્ઞાન, કોઠાસુઝ પ્રાપ્ત ન થઈ શકે તે માના ખોળામાં અને માના માથે ફરતા હાથમાં મળે છે.
દિવ્યાને બાળકો સાથે બહુ રહેવાનું થયું ન હતું, પણ જ્યારે એને દીકરો આવ્યો ત્યારે એની અંદર માતૃત્વ પ્રગટ્યું. પળ પળ એનું ચિત્ત એમાં રહેવા લાગ્યું અને બાળકની થોડીક પણ અસ્વસ્થતા એને રડાવી દેતી. ‘એ કેમ આમ કરે છે, ને આમ કેમ નથી કરતું.’ જેવા પ્રશ્નોમાં એનું માતૃત્વ ધબકતું હતું. બાળક જે - જે વર્તન પહેલીવાર કરે ત્યારે માને માટે ઉત્સવ થઈ જાય.
બાળકો મોટું થતું જાય, એમ એના પર મા વધુ ધ્યાન આપે, એમ કહો કે આપવું પડે. એના દૈનિક કાર્યો - બાલમંદિર - અભ્યાસ - ભોજન - ઊંઘ બધાની કાળજી માતા લેતી જાય અને ઘરના કે નોકરીના કામ પણ કરતી જાય. બાળકો કિશોરાવસ્થામાં આવે ત્યારે એમનામાં સારી આદતો પાડવી, વાણી - વર્તન - વ્યવહારમાં વિવેક અને સભ્યતા શીખવવા, બીજાને યોગ્ય સન્માન આપવુંને સ્વયં પુરુષાર્થથી સન્માન મેળવવું. આ બધું જ માતા શીખવે બાળકોને.
મારા મમ્મીના એક મામી હતા, અને એમના ઘરે બાળપણમાં ગયા હોઈએ ત્યારે તેઓ કહેતા કે ‘દીકરીઓ કામ કરે તો વ્હાલી લાગે. ઘરમાં કે બહાર જ્યાં પણ હોઈએ ત્યાં થોડું વધુ કામ કરવાથી લોકોનો પ્રેમ અને આદર પ્રાપ્ત થાય છે.’ આ શબ્દો આજે પણ એટલા જ સાચા છે એવું નથી લાગતું?
એક મા એના સંતાનોને આ કરાય ને આ ન કરાય, આમ ખવાય ને આમ ના ખવાય, આપણા ઘરે મહેમાનનું સ્વાગત કેમ થાય અને કોઈના ઘરે મહેમાન થઈએ તો કેમ રહેવાય, બહારગામ જવા કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો, સમય, પૈસા, વસ્તુની કેમ બચત કરવી જેવા જીવન સાફલ્યના પાઠ હંમેશા શીખવે છે. અને તે મોટા થયા પછી બહુ ઉપયોગી થતા હોવાનો બહુમતી વર્ગનો અનુભવ છે.
બાળકો યુવાન થાય ત્યારે માની ચિંતા થોડી વધે છે. ખોટા મિત્રોની સોબતથી બચે, સમયસર ઘરે આવે, ભણવામાં અને કારકિર્દી ઘડતરમાં ધ્યાન આપે. ચેતનાનો દીકરો અત્યારે બેંગ્લોર નોકરી કરે છે ને દીકરી ભાવનગરમાં ભણે છે પણ એ બંનેને માતા તરફી એવી તાલીમ આપી છે કે ક્યાંય પણ બહાર જાય તો મા તરીકે એને ચિંતા ના થાય.
એક આદર્શ માતા દીકરીને ઉત્તમ રીતે રસોડાનું ને ટાઈમનું મેનેજમેન્ટ શીખવે છે એ યાદ કરતા મીના કહે છે. ‘રસોડામાં અનાજ કે મસાલા તો ઠીક પાણીનો બગાડ ન થાય, વાસી ખોરાક ખાવો ના પડે, ખાંડ અને તેલ ઓછા વપરાય, રસોડાની સ્વસ્છતા જળવાય, સમયસર ભોજન બને અને યોગ્ય રીતે પીરસાય. આ અને આવી તો કેટલીયે નાની - નાની વાતો હું મમ્મી પાસેથી શીખી જે મને લાઈફટાઈમ કામ આવી છે.’
સંતાનો બહારગામ રહીને ભણતા કે નોકરી કરતા હોય ત્યારે તેમની સાથે સતત સંપર્કમાં રહેવું અને તે મિનિ વેકશનમાં ઘરે આવે ત્યારે એમને ભાવતી વાનગી બનાવવી એ પ્રત્યેક માનો આનંદ હોય છે. આશાનો દીકરો હૈદરાબાદની બીટ્સ પિલાની યુનિવર્સિટીમાં ભણે છે. ત્યાં રહેવા-જમવાની બધી સુવિધા છે પણ છતાંયે એ હૈદરાબાદ જાય ત્યારે ફ્લાઈટમાં વજન વધવાની ચિંતા કર્યા વિના એ જાત-જાતની વસ્તુ બનાવીને મોકલે જ.
દીકરો પરણી જાય એ પછી પણ મા હંમેશા એના સ્વાસ્થ્યની, એના ભોજનની, એના કપડાની ચિંતા કરે છે. દીકરાને ઓઢેલી રજાઈ કાઢી નાખવાની આદત બાળપણથી છે એ વાત જાણતી માતા વહુને પાંચ વાર કહેશે કે ‘બેટા જરા જોજે, શિયાળો છે એ બરાબર ઓઢે તો છે ને!!’
આયોજનબદ્ધ રીતે કામ કરવાથી છેલ્લી મિનિટે દોડાદોડી ન થાય એવું મારા મમ્મી કાયમ કહે. મારે વિદેશ જવાનું નિયમિત થયું તો જવાના એક અઠવાડિયા પહેલા એક શાલમાં કે રામનામીમાં જે વસ્તુ યાદ આવે તે મૂકવાની આદત પાડી. એક વાર અચાનક વહેલા જવાનું થયું તો મોટા ભાગે બધી વસ્તુઓ તૈયાર જ હતી. બેગ ભરીને પહોંચ્યો એરપોર્ટ. આમ એક સારી આદતે ફ્લાઈટ ચૂકવાના ને કાંઈ ભૂલવાના કિસ્સામાંથી મને ઉગાર્યો.
દીકરા કે દીકરીના ઘરે ભલે સંતાનો થાય, પણ મા માટે પ્રતિ ક્ષણ એના હૈયામાં માની મમતાનું ઝરણું અસ્ખલિત વહેતું જ રહે છે. પોતાનો પરિવાર સુખી થાય, સમજણ સાથે ગૌરવથી જીવે અને સમૃદ્ધિ તથા સંસ્કારો પામે એ માટે જ એ સતત વિચાર્યા કરે છે. મારી દીકરી મેનેજમેન્ટની પરીક્ષા આપવા જાય ત્યારે અચૂક બા ને કહે ‘બા, બે માળા મારા પેપર્સ સારા જાય એ માટે વધારે કરજો...’ ને બા સ્તુતિ કોલેજથી આવે એટલે પૂછે પણ ખરા, ‘બેટા, પેપર કેવું ગયું?’ દીકરી કહે ‘ફર્સ્ટ ક્લાસ...’ ને બાને ભેટી પડે.
જીવનભર બાળકોના બાળકોનો પણ બોજ ઉઠાવનાર માતા બને ત્યાં સુધી બાળકો પર બોજારૂપ ના બને ને સ્વયં પોતાના કામ કરે એની ચોકસાઈ રાખે છે.
જીવાતા જીવનની રોજિંદી ઘટનાઓમાં આપણને એવા અનેક પ્રસંગો મળશે જ્યાં એક માતા ઉંમરના કોઈ પણ તબક્કે એના સંતાનો માટે સમર્પિત પ્રેમ એના વર્તન થકી અભિવ્યક્ત કરતી રહે છે. બદલામાં એ ક્યારેય કશું ઈચ્છતી નથી, સન્માન મળે તો રાજી, ન મળે તો પણ રાજી જ રહે છે. મા જ્યાં સુધી સંતાનોની સાથે હોય ત્યાં સુધી એનો જીવ ક્યારેય ના દુભાય અને એના નાના-નાના મનોરથ પૂર્ણ થાય એની કાળજી સંતાનો લે ત્યારે માના કોઠે હાશ અનુભવાય છે. ભગવાનનું જ સ્વરૂપ અને તીર્થરૂપી માતાના સાંનિધ્યે રહેનાર સંતાનો બડભાગી છે. જીવનમાં આવતી મુશ્કેલીઓના અંધકારને દુર કરે છે માના આશીર્વાદના અજવાળા.