‘અમારે ત્યાં સમાજના કોઈપણ જરૂરીયાતમંદને, પછી એ કોરોના પેશન્ટ હોય કે એના પરિવારજન, વિના મૂલ્યે ટીફીન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે...’ ‘અમારી સોસાયટીના યુવાનો કોરોના પેશન્ટ હોય એ ઘરોની તમામ કાળજી લઈએ છીએ.’
આવા આવા વાક્યો આજકાલ આપણને વાંચવા કે સાંભળવા મળે છે. કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને સવા વરસથી અજગરની જેમ ભરડો લીધો છે. માનવમાત્ર પોતપોતાની રીતે એની સામે ટકી રહેવા મથી રહ્યો છે. આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ થઈ ગઈ છે. કોઈએ કલ્પના પણ કરી ન હતી એવી સ્થિતિ આવી છે. પૈસા અને ઓળખાણ પણ કામ નથી આવતા એવા સંજોગોમાં પણ માણસમાં રહેલી માણસાઈ ઉજાગર થઈ રહી છે.
હા, એ વાત પણ સાચી છે કે ક્યાંક તોછડાઈ, ધૃણાસ્પદ વ્યવહારો, કાળાબજાર, પરિસ્થિતિનો લાભ લેવાની મનોવૃત્તિ, આવું બધું પણ દેખાઈ રહ્યું છે... પરંતુ આવા સમયે આપણે એમને રોકી શકીએ એમ નથી. નિર્ણયો સાચા કે ખોટા? એની ચર્ચા કરવાથી નિર્ણયો બદલાવાના નથી એવા સમયે એક જ ઉપાય છે આપણે વ્યક્તિગત રૂપે આપણામાં રહેલી માણસાઈને પ્રગટાવીએ.
પહેલી વાર એવું બન્યું છે કે એક જ પરિવારનો સભ્ય એના જ પરિવારના બીજા સભ્ય જે કોરોનાથી પિડીત હોય એના રૂમમાં જઈ શકતો નથી, એના માથે હાથ ફેરવી શકતો નથી. એવા સંજોગોમાં સોશ્યલ ડિસ્ટન્સ રાખીને, માસ્ક પહેરીને, હાથ વારંવાર ધોઈને પણ લોકો જે સેવાના કાર્યો કરી રહ્યા છે એને સલામ છે.
મહાનગરો હોય કે ગામડાં, જ્યાં જ્યાં શક્ય બન્યું ત્યાં ત્યાં લોકો પોતપોતાની રીતે થઈ શકે એટલી મદદ કરી રહ્યા છે. અમદાવાદના એક યુવાનને રૂ. પાંચ લાખની જરૂર પડી. એ કોરોનાગ્રસ્ત અને અકસ્માતગ્રસ્ત બંને હતો. બે-ત્રણ દિવસમાં એમના જ્ઞાતિજનોએ પૈસા ભેગા કરી આપ્યા. મુંબઈના એક યુવાને પોતાની એસયુવી કાર વેચી દીધી અને જરૂરીયાતમંદોને ઓક્સિજન સહિતની મદદ પૂરી પાડી રહ્યો છે. રાજકોટ નજીકના જેતપુર ગામમાં રહેતા ખેડૂત જેઠસુરભાઈ પોતાનું ત્રણ માળનું મકાન કોરોનાના દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આપી ચૂક્યા છે. અહીં ઘરમાં જ તેઓએ ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ ઓક્સિજન સાથેની સારવાર શરૂ કરી છે. અત્યાર સુધીમાં ૬૫ દર્દીઓની સારવાર કરીને કહે છે. માણસ છીએ તો માણસાઈનો દીપ પ્રગટાવીએ.
ઓક્સિજન સપ્લાય હોય કે સીલીન્ડર, દવા હોય કે ભોજન, હોસ્પિટલની તમામ જરૂરીયાતો હોય કે હોમ-આઈસોલેશનની જરૂરીયાતો લોકો ટોળે વળ્યા વિના, ગાઈડલાઈન્સના પાલન સાથે અનેક વિસ્તારોમાં - ગામોમાં - શહેરોમાં ને મહાનગરોમાં સેવા કરી રહ્યા છે. મંદિરો - સંસ્થાઓ – શાળાઓને - કોલેજો - ટ્રસ્ટો વગેરે સરકારના કાર્યમાં સામાજિક સપોર્ટ કરી રહ્યા છે.
લડાઈ બહુ અઘરી થઈ ગઈ છે પણ માણસ અને માણસાઈ હારી નથી. જ્યાં જ્યારે આવા દૃશ્યો - વાતો - જોવા મળે, સાંભળવા મળે ત્યારે આટલી મહામારીમાં પણ માણસાઈના દીવડા પ્રજવળે છે એના કારણે હાશ થાય છે. અંધારી રાતમાં પણ કાલ સવારે ઉગશે સૂરજ એવી આશા બંધાય છે ને મનમાં અજવાળા રેલાય છે.