માણસ તરીકે આપણે આપણા જીવનમાં શું પામ્યા? શું મેળવ્યું?

અજવાળું અજવાળું

- તુષાર જોષી Tuesday 21st November 2023 08:45 EST
 

વિક્રમ સંવતના નવા વર્ષે શું સંકલ્પ કરશો? એવો પ્રશ્ન મેં જ મારી જાતને કર્યો અને ઘણા બધા ઉત્તરો મળ્યા.

એક ઉત્તર મારા હૃદયનો સૂઝ્યો તે અહીં મૂકી રહ્યો છું. શુભકામનાઓ – આશીર્વાદ – પ્રાર્થનાના વહેતા પ્રવાહમાં માણસ તરીકે મને જે જે કાંઈ અમૂલ્ય પ્રાપ્ત થયું છે એ માટે પરમ તત્વનો આભાર માનીશ. બહુ બધું એવું છે જે મળ્યું હોય એની નોંધ ક્યારેય લીધી ના હોય, પરમ તત્વની અનહદ કૃપાનો અનુભવ પૂર્ણ જાગૃતતા સાથે કરવો છે. જે મળ્યું છે એને જાણવું છે, માણવું છે. જીત્યાનો ભરપૂર આનંદ જીવવો છે.

માણસ તરીકે આપણે આપણા જીવનમાં શું પામ્યા? શું મેળવ્યું? એનું કોઈ એક ચોક્કસ ગણિત નથી એટલે આવા કોઈ ગણિત આધારિત જીવન જીવી ના શકાય, પરંતુ એક માણસ તરીકે આપણે જે ક્યારેય માપી ના શકાય, જેનું મૂલ્ય આંકી ના શકાય એવું એટલું બધું મેળવ્યું છે કે એ આપણે ગણતા જ નથી. આ નવા વર્ષે આપણે એવા સુખની નોંધ લઈએ જે આપણને સહજપણે મળ્યા છે પણ આપણે ગણનામાં ક્યારેય લેતા નથી. આપણે શ્વાસ લઈએ તો જ જીવી શકીએ પરંતુ એ શ્વાસ આપણને દેખાતા નથી. એવું જ આપણને મળેલા અગણિત સુખોનું છે, જે આપણને સીધા નજર સામે દેખાતા નથી, પણ એની અનુભૂતિ, એના થકી મળતા સુખ–સગવડ–આનંદને તો આપણે મેળવીએ જ છીએ.
આપણે ક્યારેય આપણને મળેલા સ્વસ્થ શરીરનું મૂલ્ય ગણીએ છીએ ખરા? શારીરિક રીતે કાયમી કે થોડા સમય માટે અસ્વસ્થ રહેતા માણસની મુશ્કેલીઓ અને સંપૂર્ણ સ્વસ્થ એવા આપણને પ્રાપ્ત શરીર સ્વાસ્થ્યની તુલના ક્યારેય કરી છે ખરી? આપણને મળેલા પદ–પૈસા-સુવિધા-સુખ–સગવડ–સંબંધો સામે અન્ય લોકોને મળતા ઓછા સુખ–સગવડની કલ્પના કે તુલના ક્યારેય કરીએ છીએ ખરા? એક હિન્દી સિનેમાનું જાણીતું ગીત છે...
દુનિયામાં કિતના ગમ હૈ,
મેરા ગમ કિતના કમ હૈ,
લોગોં કા ગમ દેખા તો
મેં અપના ગમ ભૂલ ગયા...
પૈસા જરૂરી છે છે ને છે જ, પરંતુ એ પૈસાથી કેટલા અને કયા કયા સુખ ખરીદી શકાય?
માનવીય મૂલ્યો, માનવીય સંબંધો, પ્રેમ–હૂંફ–પ્રસન્નતાની પણ કોઈ વેલ્યુ છે, અને એ પૈસાથી કેવી રીતે ખરીદી શકાય? ઓશો કહે છે કે કેલન્ડર કહી શકે કે આજે ઊત્સવ છે, પણ એ ઉત્સવની અનુભૂતિ તો આપણી અંદરથી જ પ્રગટાવવી પડશે. માત્ર સુવિધાઓથી જીવન નથી બનતું એ સુવિધા તમે જેની સાથે ભોગવી શકો એવો પરિવાર અને પ્રિયજનો પણ સાથે હોવા જોઈએ અને જે એ આપણને મળ્યા હોય તો આપણે એનું મૂલ્ય કેવી રીતે આંકીશું? ઘણી વાર આપણને જ્યારે જરૂર હોય ત્યારે કોઈ અજાણ્યો માણસ આવીને આપણને મદદ કરી જાય છે, મદદ કરીને જતો પણ રહે છે, ત્યારે આપણે એ માટે પરમાત્માનો આભાર માનીએ છીએ ખરા?

સામાન્ય રીતે બીજા લોકો માટે સેવા પૂરી પાડીને સ્વરોજગાર મેળવતા કૌશલ્ય કર્મીઓ જેમ કે, ડ્રાઈવર – રસોઈયા - સિક્યુરિટી - ઘરકામ કરનારા વગેરે વગેરે પોતાના ઘરમાં આવીને કોઈ સુવિધા ભોગવી શકે છે ખરા? મોટાભાગે આનો જવાબ ‘ના’ હોય છે. આપણે જોબમાં રજા માંગીએ, પણ આપણે આવા લોકોને રજા આપવા રાજી છીએ ખરા?
જીવનમાં સ્પર્ધા હોવી જ જોઈએ, જીવનમાં પુરુષાર્થ કરીને પૈસા કમાવા જ જોઈએ. જીવનમાં આંજી નાંખે એવા અજવાળાને ઝીલવા મનોરથ કરવા જ જોઈએ, પણ આ બધું કરવા સમયે એનાથી સ્વ માટે અને બીજા માટે કરવાના ઉપકારી કર્મો પણ કરતા રહેવા જોઈએ. ઊંઘ ગાદલામાં નહીં, પુરુષાર્થ અને કર્મથી પ્રાપ્ત થતા સંતોષથી આપે છે એ વાત નવા વર્ષમાં થોડી વધુ નિકટતા સાથે, થોડી વધુ સ્પષ્ટતા સાથે સમજીએ તો આપણને જે નથી મળ્યું એનું દુઃખ ઓછું હશે અને જે મળ્યું છે એના અજવાળાં વધુ ફેલાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter