‘અમે તો અમારે ત્યાં માણસ પગ મુકે ત્યાં ઓળખી જઈએ...’ આ વાક્ય ફોન પર આમ જુઓ તો એક સાવ અજાણ્યો માણસ દીપેશને કહી રહ્યો હતો. એટલું જ નહીં, એ માણસ દીપેશના ભરોસે તેના કર્મચારીને રૂપિયા પાંચ હજાર જેવી રકમ તત્કાલ ઉછીની આપી રહ્યો હતો.
દીપેશને નવાઈ લાગી. આ જમાનામાં પણ આવા પરગજુ માણસો હોય શકે? વાસ્તવમાં એને આનંદ થયો કે હજુ માણસાઈથી ભર્યા ભર્યા માણસો દુનિયામાં ને પોતાની આસપાસ શ્વસે છે. પોતાના પર મુકેલા ભરોસા બાદ એ વિશ્વાસને સાચો પાડવા કહ્યા મુજબના સમય કરતાં એક દિવસ બહારગામથી વહેલા આવીને એ માણસને પાંચ હજાર રૂપિયા આપી દીધા, મીઠાઈનું પેકેટ પણ આપ્યું તો કોઈ ઉપકારની ભાવના સાથે સાહજિકપણે કહે... હું તમને નહીં, તમારી અંદર રહેલા માણસ ઉપર ભરોસો રાખું છું.
ઔદ્યોગિક રીતે સતત વિકસતા જતા અમદાવાદને અડીને આવેલો એક વિસ્તાર એટલે ચાંગોદર. અહીં અનેક ફેક્ટરીઓ આવેલી છે, જેમાં જુદા જુદા ઉદ્યોગો સાથે જોડાયેલા ઉત્પાદન એકમો કાર્યરત છે. આ મહાકાય ફેક્ટરીઓ અહીં બનતી હોય ત્યારે એમાં અને પછી એ કામ કરતી થાય ત્યારે એમાં મોટી સંખ્યાના લોકોને રોજગારી મળે છે. આવી જ એક ફેક્ટરીનું નિર્માણ કાર્ય શરૂ થયું, એટલે કે ભૂમિપૂજન થયું ત્યારથી દીપેશને આર્કિટેક્ટ તરીકે એ સ્થળે જવાનું થતું હતું. અમદાવાદથી જ્યારે જ્યારે જવાનું થાય ત્યારે એ પોતાની કાર લઈને જાય, ક્યારેક આસિસ્ટન્ટ સાથે હોય, ક્યારેક એકલો હોય, સવારે ઘરે બ્રેકફાસ્ટ લઈને જાય અને બપોરનું ભોજન સાથે લેતો જાય. સાંજે પરત ફરે.
હવે થાય એવું કે ફેક્ટરીમાં હજુ કાચી-પાકી ઝૂંપડી કે ઓરડી પણ માંડ બની હતી. ચોકીદાર એમાં રહેતો હતો. એકાદ મહિનો તો ગાડીમાં કે ક્યારેક ઓરડીમાં ને ક્યારેક ઝાડ નીચે ભોજન કરી લેતો એ બપોરનું. એક દિવસ એને થયું કે કામ તો ચાલશે... શું કરવું?
દીપેશે જોયું કે ફેક્ટરીના ગેટમાંથી બહાર આવતાં ડાબી બાજુએ એક દેશી ઢાબું આવેલું છે. ત્યાં ગયો, ‘આવો આવો સાહેબ...’ આવકાર મળ્યો. દીપેશે માત્ર છાશ - બે જણાની - મંગાવી. પૂછ્યું કે ‘અહીં અમે તમારે ત્યાંથી કાંઈ ભોજન ન ખરીદીએ પણ તમારી જગ્યાનો ઉપયોગ કરીએ, અમારું ભોજન કરીએ તો તમે હા પાડો?’ પેલો માલિક કહે, ‘છાશ પણ ના લો તોયે ચાલે.’ આવું એકાદ મહિનો ચાલ્યું.
એક દિવસ ફેક્ટરીના પગીને અચાનક પોતાને ગામે જવાનું થયું. કોઈની બીમારી આવી હતી, પાંચ હજાર રૂપિયાની જરૂર હતી. પગીએ પેલી હોટેલમાંથી ચા પીતા પીતા દીપેશને ફોન કર્યો. કહ્યું કે કાલે આવો ત્યારે પૈસા લેતા આવો તો આભાર માનીશ. હવે દીપેશ ત્રણ દિવસ બહારગામ હતો. લાંબી વાત ચાલી, હોટેલના માલિકે સાંભળી. ફોન તેણે માંગ્યો. પગીના ફોનમાંથી દીપેશને કહે કે ‘તમે અઠવાડિયામાં બે-ત્રણ વાર મારે ત્યાં તમારું ટિફીન લઈને જમવા આવો છો એ જ દીપેશભાઈ?’ જવાબ મળ્યો ‘હા...’ તો કહે ‘હું તમને ને આ પગીને, બંનેને ઓળખું છું. ચિંતા ન કરો, આ પગીને અત્યારે હું પાંચ હજાર આપું છું. તમે મને જ્યારે પણ અહીં આવો ત્યારે આપજો.’ દીપેશે કહ્યું કે ‘તમારી પાસે મારી કોઈ ઓળખ નથી તોયે?’ તો કહે, ‘અમે તો અમારે ત્યાં પગ મુકે ત્યાં માણસને ઓળખી જઈએ.’઼
•••
આજકાલ મોટા ભાગે કોઈ અજાણ્યા પર વિશ્વાસ કરતું નથી અને એવા સમયે એક નાનકડા ઢાબાનો માલિક માત્ર થોડા દિવસના પરિચયમાં કોઈના વતી અન્યને મોટી રકમ ચૂકવી દે, એ વાત જ માણસમાં અને માણસાઈમાં ભરોસો પેદા કરાવનારી છે.
આખરે માણસનો મૂળ સ્વભાવ તો બીજાને મદદ કરવાનો જ હોય છે. યોગ્ય સમય અને સંજોગ આવે ત્યારે એનામાં રહેલી માનવતા-પ્રેમ-પ્રામાણિકતા સાહજિકરૂપે પ્રગટ થાય છે.
માણસને માણસમાં જ્યારે જ્યારે વિશ્વાસ બેસે - ભરોસો થાય, ત્યારે ત્યારે માણસાઈના અજવાળાં રેલાય છે.