સત્યઘટના-૧ઃ ઊંમરનો સાતમો દાયકો પુરો કરવા જઈ રહેલા એક મહિલા, જેમના પતિ કેન્દ્ર સરકારના કર્મચારી હતા અને નિવૃત્તિ પછી થોડા વર્ષોમાં અવસાન પામ્યા હતા તેમણે એમના એક સ્વજનને વાતવાતમાં કીધું કે ‘મારે તો હજુ દસ વર્ષ વધુ જીવવું છે...’ એટલે પેલા સ્વજને કીધું કે, ‘અરે, દસ શા માટે તમે તો સો પુરા કરશો એવું તમારું સ્વાસ્થ્ય છે, ને દુનિયા ને દીકરાનો પરિવાર પણ તમારા માટે જીવવા જેવા જ છે.’ તો જવાબ આપ્યો કે ‘હવે મને જીવવાની બીજી કોઈ લાલસા નથી, પરંતુ દીકરાની બે દીકરીઓને ભણાવવાનો ખુબ ખર્ચ છે, દીકરાને રાજ્ય સરકારમાં ખુબ સારી નોકરી છે પણ તોયે ક્યારેક એને ખેંચ પડે છે. હું બીજા દસ વર્ષ જીવી જાઉં તો દીકરીઓનો ભણવાનો ને લગનનો ખર્ચો થાય છે એમાં મારું વિધવા પેન્શન એને ઉપયોગી થાય એ કારણે જ મારે જીવવું છે.’
જીવવા માટેનું આવું કારણ એક મા જ આપી શકે. મા વાત્સલ્યનું એવું એક વટવૃક્ષ છે જે હંમેશા કોઈ ભેદભાવ વિના સંતાનોને શીળી છાયાને ટાઢક આપે છે. પૌત્ર કે પૌત્રીઓની પરીક્ષા હોય તો પણ એ માળા સતત કરે છે, દીકરો-વહુ કે બાળકો ઘરમાં મોડા આવે તો, તેઓ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તેઓ જાગે છે. આઠમા દાયકાની ઊંમરે પહોંચીને પણ વહેલી સવારે દૂધ લેવા બારણું એ જ ખોલે જેથી પરિવારના સભ્યોને આરામ થાય. સાવ નાની નાની બાબતોમાં સંતાનોને ન ગમે તો પણ એ બે-પાંચ પ્રશ્નો કરે, એના મૂળમાં પરિવારના અન્ય સભ્યો પ્રત્યેની કરુણા ને મમતા જ હોય.
ઘરમાં એક પૈસો પણ ખોટો વપરાય નહીં, ચીજવસ્તુઓનો બગાડ ન થાય, સમય અને શિસ્તનું પાલન થાય, આતિથ્યધર્મ બરાબર નિભાવાય, પ્રત્યેક કાર્યમાં પૂર્ણ ચોક્સાઈ રખાય, વધેલું રાશન કે ખોરાક કોઈ જરૂરિયાતમંદને મળે, ધર્મને અધ્યાત્મનું વાતાવરણ રહે, સેવા ને ભક્તિ ને માનવીય સંબંધો સચવાય એની પૂરેપૂરી ખેવના પ્રત્યેક ઘરમાં જીવંત એવી મા રાખતી હોય છે.
સત્યઘટના-૨ઃ એક પિતાએ દીકરીના લગ્ન પુરા થયા પછી પરિવારના સભ્યો બેઠા હતા ત્યારે કીધું કે ‘મારા પત્નીને ઘણી વાર એમ થતું કે એમનો એક દીકરો ઘરમાં બહુ સમય આપતો નથી, એની નોકરી અને શોખની પ્રવૃત્તિમાં ને દોસ્તોમાં વધુ સમય ગાળે છે, પણ આ લગ્ન પુરા થયા એમાં એના મિત્રોએ જ બધો ભાર ઊંચક્યો છે, એમને તો પ્રેમપૂર્ણ વાતાવરણમાં ક્યાં લગ્ન પુરા થઈ ગયા ખબરે ના પડી. એ ખૂબ ફરે છે પણ સારા દોસ્તોના ને ધર્માચાર્યોના સત્સંગમાં રહે છે એનો આનંદ છે.’
પેઢીઓમાં આ જ બનતું આવ્યું છે. યુવાન વયે મા-બાપ બન્યા બાદ બાળકોના ઉછેરની સાથે સાથે આર્થિક સદ્ધરતા કે ક્ષમતા પ્રાપ્ત કરવી પણ એટલી જ જરૂરી હોય છે, એમાં વળી ભળે છે દોસ્તો સાથેની દોસ્તી. આવા સમયે પિતાને સંતાનોની પ્રવૃત્તિ-નોકરી-ધંધા કે સંબંધોથી સંતોષ હોય એ બહુ જ સંવેદનાસભર અનુભૂતિ હોય છે.
પિતા બાળકોને હંમેશા પ્રેમ આપે પુરુષાર્થના પાઠ શીખવે. પિતા બાળકોને સાહસ ને સમજણ આપે. પિતા ગમેતેમ કરીને, લોન લઈને કે ઊછીના કરીને પણ બાળકોને શ્રેષ્ઠ અભ્યાસ પામે એની તમામ જરૂરિયાતો પૂરી પડે એની ચિંતા કરે. દીકરીને કોઈ ચીજ ખરીદવી હોય તો મોલમાં કે સ્ટોરમાં જાય કે ઓનલાઈન ખરીદી કરવાની હોય તો બેન્કનું કાર્ડ જ આપી દે, દીકરીને એના પીન નંબર પણ ખબર હોય. કોઈ ગણતરી વિના માત્રને માત્ર સંતાનો રાજી રહે એ માટે સતત પ્રવૃત્તિમાં રહેનાર, પુરુષાર્થ કરનાર ને બાળકો-પરિવાર સાથે પ્રવાસ કરનાર પિતાના હૃદયમાં બાળકો રાજી રહે, એમનું ભવિષ્ય ઉજ્જવળ હોય એ જ ભાવ ધબકતો હોય છે. શ્રાદ્ધના દિવસોમાં સહજપણે આવા દિવ્ય માતૃત્વ અને પિતૃત્વના દીવડાનો પ્રકાશ આપણી આસપાસ રેલાય છે.