‘ભાષા ભલે જુદી જુદી છે, પરંતુ એનો ભાવ તો સમાન જ છે!’ એક વક્તાએ આ સંદર્ભની વાત કરી. ‘બહોત કમ લોગોં કે પાસ ઐસા સહજ ઔર શુદ્ધ અભિવ્યક્તિ કા ભાષા વૈભવ હોતા હૈ...’ એક શ્રોતાએ કોઈને કહ્યું. ‘આપણી આસપાસના વાતાવરણથી જ આપણે માતૃભાષા શીખતા હોઈએ છીએ.’ એક વ્યક્તિએ કહ્યું, વાત ભાષાની, ભાષાની અભિવ્યક્તિની, માતૃભાષાની, માતૃભાષાના વૈભવની થતી હોય ત્યારે આવા વાક્યો વાતારણમાં ગુંજ્યા કરે છે. બોલી બાર ગાઉએ ભલે બદલાતી હોય, પરંતુ ભાષા વૈભવ તો બોલનારના સ્વરમાં જ પરખાઈ જ જાય. એથી જ આપણે કોઈની બોલી સાંભળીને એમના વતન વિશે સામાન્ય અનુમાન લગાવી શકીએ છીએ.
ગુજરાત સાહિત્ય અકાદમી - ગાંધીનગર, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ - દિલ્હી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશાસનના સંયુક્ત આયોજનમાં હમણાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટસિટી ખાતે ભારતીય ભાષા સંગમનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય ભાષાઓની એકાત્મતા વિષય પર દેશના ગુણીજનોએ અહીં સંવાદ કર્યો હતો.
ભાષા શબ્દોથી બને છે અને શબ્દમાં સૂરતા છે, સંવેદના છે, સંસ્કૃતિ છે. ભાષા એ સાધન છે જેના દ્વારા માણસ બોલીને, સાંભળીને, લખીને, શિક્ષણ મેળવીને પોતાના મનન ભાવોને અભિવ્યક્ત કરે છે.
જન્મ પછી માણસ જે ભાષા સૌપ્રથમ શીખે છે તે એની માતૃભાષા છે. માતૃભાષા કોઈ પણ વ્યક્તિની સામાજિક અને વ્યક્તિગત ઓળખ છે. માતૃભાષા વ્યક્તિની ભાષાનું એ રૂપ છે જે એક બાળક પોતાની માતા, પરિવાર, પાડોશી પાસેથી શીખે છે. માતૃભાષા માણસને ધરતી સાથે, વાતાવરણ સાથે જોડે છે. ગુણવત્તાપૂર્ણ શિક્ષણ માટે માતૃભાષા મહત્ત્વનું માધ્યમ છે.
હમણાં કેટલાક સાહિત્યપ્રેમી દોસ્ત સાથે બેઠાં હતા તો વાત થઈ હિન્દી - ગુજરાતી ભાષાની કેટલીક ટેલિવિઝન સીરિયલો - હિન્દી ફિલ્મો અને કેટલાક કલાકારોની ભાષા શુદ્ધતાની. અમિતાભ બચ્ચન, નાના પાટેકર, આશુતોષ રાણા અને એમના જેવા અનેક કલાકારો, કુમાર વિશ્વાસ જેવા કવિઓ, ઓશો જેવા અધ્યાત્મ ક્ષેત્રના કેટલાક વક્તાઓ...આ યાદી લાંબી હોઈ શકે છે, મારી - તમારી આસપાસ પણ આવા શુદ્ધ હિન્દી - ગુજરાતી બોલનારા વક્તાઓ હશે. એમના દ્વારા એક અર્થમાં સમાજમાં માતૃભાષા માટેની જાગૃતિ ફેલાવવા માટેનો જ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માણસ જ્યારે શુદ્ધ – સ્પષ્ટ ઉચ્ચાર સાથે ભાવપૂર્ણ, અર્થપૂર્ણ ભાષા બોલે છે ત્યારે સ્વાભાવિકરૂપે આપણને એ સ્પર્શે છે, આનંદ થાય છે. ગુજરાતી આપણી માતૃભાષા છે. ગુજરાતી કાવ્ય – વાર્તા - નાટક – ગીત વગેરેમાં અભિવ્યક્ત થતી ગુજરાતી ભાષા ઘરમાં જેટલી બોલાશે એટલી સહજતાથી સચવાશે.
એકવીસમી સદીમાં જન્મેલી પેઢી તો ગુજરાતી ભાષા બોલે છે જ ક્યાં? મોટા ભાગે એમના માટે ગુજરાતી વાંચવું - લખવું તો દૂર રહ્યું બોલવું યે અઘરું થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં - ગુજરાતી ફિલ્મોમાં જે રીતે લખાય છે કે બોલાય છે તે ગુજરાતી ભાષામાં આપણને ખ્યાલ આવે છે કે આજના ગુજરાતી યુવા કેવી રીતે પોતાની માતૃભાષા સાથે જોડાયેલા રહે છે.
આવી સ્થિતિમાં પણ જ્યારે શુદ્ધ ગુજરાતી બોલનારા યુવાનો - યુવતીઓ મળે છે ત્યારે આનંદ થાય છે, આશા હૃદયમાં મજબૂત બને છે કે ગુજરાતી ભાષા બોલનારા થોડા વીરલા પણ હજુ આપણી વચ્ચે છે. અત્યારે મુંબઈ – બેંગલૂરુ અને કર્ણાટકના થોડા શહેરોમાં ફરી રહ્યો છું, ત્યાં જન્મેલા ગુજરાતી પરિવારના સંતાનો ભલે ધાંસુ અંગ્રેજી કે જે તે રાજ્યની પ્રાંતિય ભાષા બોલે છે પણ સાથે સાથે એટલી જ સહજતાથી અસ્ખલિતપણે, અંગ્રેજી શબ્દોના વઘાર વિના ગુજરાતી બોલે છે. આખરે આસપાસના વાતાવરણાંથી જ માણસ માતૃભાષાને પામે છે.
કાર્યક્રમોમાં - પ્રવચનોમાં પણ હું એ સતત કહેતો રહ્યો છું કે ચોવીસ કલાકના દિવસમાં ચોવીસ મિનિટ તો આપણે આપણી માતૃભાષા સાથે જોડાયેલા રહી શકીએ. આટલી વાતમાં કશું ગુમાવવાનું પણ નથી. માતૃભાષાના વિવિધ અભિયાનોમાં જોડાઈને તો આપણે આપણાથી થાય એટલું જ કરીએ જ પરંતુ એથી આગળ વધીને માતૃભાષા સાથે જીવીએ. જ્યારે જ્યારે એરપોર્ટ – રેલવે - બસ સ્ટેશન પર કે રોજિંદા વાતાવરણમાં આવા માતૃભાષા સાથે જીવાતા જીવનના દ્રશ્યો જોવા મળશે ત્યારે ત્યારે અજવાળાં રેલાશે.