ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસમાં લખ્યું છેઃ ‘હાનિ લાભ જીવન મરણ યશ અપયશ વિધિ હાથ’ અર્થાત્ હાનિ-લાભ, જીવન-મરણ, યશ-અપયશ આ ઘટનાઓ માનવીના હાથમાં નથી, વિધાતાના હાથમાં છે. એક ગુજરાતી ભજનમાં ગવાયું છે કે, ‘જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં કે કાલે સવારે શું થવાનું.’
આપણી આસપાસ એવી કેટલીયે ઘટનાઓ બનતી હોય છે જેમાં આપણને ખ્યાલ આવે છે કે માણસની સમજની બહાર હોય તેવી ઘટનાઓ બને છે. પછીથી આપણે વ્યક્તિગતરૂપે એને ચમત્કાર કે પરમ તત્વની કૃપા લેખે ઓળખાવીએ છીએ. કેટલીયે વાર એવી એવી ઘટના બને છે જેમાં માણસના કે પ્રાણીના બચવાના ચાન્સ ૫૦૦ ટકા પણ ના હોય અને એ પૂર્ણ સ્વસ્થતા સાથે બચી જાય છે. આવા પ્રસંગે આપણે સહજપણે બોલી ઊઠીએ છીએ “રામ રાખે એને કોણ ચાખે?” બુદ્ધિ જ્યાં અટકે ત્યાંથી શ્રદ્ધા અને ઇચ્છા જ્યાં અટકે ત્યાંથી કૃપા શરૂ થાય છેનો અનુભવ મને અને તમને અનેક વાર થયો છે.
આ વાતોનુ સ્મરણ થયું એના મૂળમાં બે-ત્રણ એવી ઘટનાઓ જ છે. તાજેતરમાં રમાયેલા યુરો કપની ફુટબોલ મેચમાં ફિનલેંડ સામેની મેચ દરમ્યાન જ ડેન્માર્કની ટીમનો કેપ્ટન એરિક્સન મેદાન પર જ ફસડાઇ પડ્યો, તેની નજીક સૌથી પહેલા પહોંચનાર ડેન્માર્કના જ ખેલાડી સિમોન કીરે પોતાની જાણકારી કે કોઠાસુઝથી એરિક્સનને મેડિકલ ઇમરજન્સીમાં જીવ બચાવવા અપાતી સીપીઆરની સારવાર આપી. તે દરમ્યાન મેડિકલ ટીમ પણ પહોચી, તેને મેદાન બહાર લઈ ગયા. હોસ્પિટલમાં સારવાર આપી, તેના ડોક્ટર જે મેદાન પર ગયા હતા તેમણે કહ્યું કે, ‘એરિક્સનનું હૃદય થોડી પળ માટે બંધ પડી ગયું હતું, પણ સમયસર સારવાર મળતાં ફરી તે ધબકતું થયું અને તેને જીવનદાન મળ્યું.’
બીજી ઘટના એથી પણ વધુ ચમત્કારી છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં ૫૬ વર્ષના વ્યાવસાયિક ડાઈવર માઈકલ દરિયામાં ડૂબકી મારી વિવિધ જલચરો પકડવાના અનુભવી છે. તે કોવબીચમાં ૩૦થી વધુ ફિટની ઉંડાઈએ હતો ત્યારે અચાનક તેને વ્હેલ માછલીએ પોતાના મોઢામાં પકડી લીધો, આંખો સામે અંધારું થઈ ગયું, પણ વ્હેલના દાંત ના વાગ્યા, એણે બહાર નીકળવા તાકાત કરી. ૩૦-૪૦ સેકંડમાં વ્હેલે તેને પોતાના મોઢામાંથી પરત બહાર ફેંકી દીધો.
ત્રીજી ઘટના અમારા શોભનાભાભીએ કહી. એમની દીકરી દક્ષિણ ગુજરાતમાં પરણી છે. ત્યાંના એક પરિવારનો ૩૦-૩૨ વર્ષનો યુવાન કોરોનામાં સપડાયો, આ એ સમય હતો જ્યારે પૈસા દેતાં પણ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન કે વેન્ટિલેટર મળતા ન હતા. એક હોસ્પિટલમાં આ પરિવારના સભ્યો ધક્કા ખાતા હતા, પણ જગ્યા ખાલી થાય તો એમને વેન્ટિલેટર મળેને??.. હવે આ પરિવારની પીડા એક બીજા પરિવારના સભ્યોએ જોઈ. એ પરિવારના ૮૦ કરતાં વધુ વયના માજી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. યુવાનના પરિવારની વેદના, ચિંતા કે દોડધામ જોઈને કોણ જાણે કેમ એ પરિવારના હૈયે રામ વસ્યા તે એમણે નક્કી કર્યું કે માજીને જનરલ બેડ પર લઈ લ્યો, પણ આ જુવાનને વેન્ટિલેટર સુવિધા આપો. ડોક્ટરે બેઉ પરિવારની અનુમતિ લીધી. માજીનો બેડ ખાલી થયો ને એ યુવાનને એની જગ્યાએ સારવાર શરૂ થઈ. કહેવાય છે ને અનુભવ્યું પણ છે કે જ્યારે શુભ હેતુથી કોઈ કામ થાય છે ત્યારે પરમેશ્વર પણ મદદ કરે છે. થયું એવું કે એ માજી પણ સાજા થઈને ઘરે ગયા ને પેલો યુવાન પણ...
માત્ર સ્વાર્થના નહીં, પરમાર્થના કર્મો પણ આપણને ઉપકારક બનતા હોય છે. સાચા દિલથી કરવામાં આવતી પ્રાર્થના કે પ્રયત્ન જો પરમાત્માની કૃપા હોય તો ચમત્કારિક પરિણામ આપે જ છે ને ધાર્યું ધરણીધરનું થાય એ શબ્દોમાં સમાયેલી શ્રદ્ધાના દિવડાના અજવાળા રેલાય છે.