માધવપુર (ઘેડ)ઃ ભારતની સાંસ્કૃતિક એકતાનું મિલનસ્થાન

- તુષાર જોષી Tuesday 08th April 2025 06:46 EDT
 
 

રૂડું રૂડું રે માધવપુર....

રમણીય, પવિત્ર, દિવ્ય અને પ્રાચીન ભૂમિ છે માધવપુર. માધવપુર એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહની ભૂમિ. દરિયાકિનારે આવેલા આ ગામોમાં ચૈત્ર મહિનામાં જાણે લોકનો આનંદ સાગરની જેમ હિલોળા લે છે. સૌરાષ્ટ્રના નૈઋત્ય ખૂણામાં દ્વારકાથી 164 કિમી દૂર, સમુદ્ર તટે, કર્ણ મનોહર - નેત્ર મનોહર ગામ એટલે માધવપુર. આ ગામ ઘેડ પંથકમાં આવેલું છે એટલે માધવપુર ઘેડ રૂપે વિશેષ ઓળખાય છે. અહીંનું પ્રાકૃતિક વાતાવરણ અતિ મનોહર અને રમ્ય છે. શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંધમાં માધવપુરનો ઉલ્લેખ જોવા મળે છે. માધવપુર (ઘેડ) એટલે રાજાધિરાજ શ્રીકૃષ્ણ અને દેવી રુકમણીના વિવાહનું મંગલસ્થાન.
મહારાજ ભીષ્મક વિદર્ભના અધિપતિ હતા, તેમને પાંચ પુત્ર અને એક રાજકુમારી રુકમણી રૂપે સંતાનો હતા. રુકમણીએ ભગવાન શ્રીકૃષ્ણની સુંદરતા, શૌર્ય, પરાક્રમ વિશે સાંભળ્યું અને તેમને જોયા વિના જ મનોમન પોતાના સ્વામી તરીકે સ્વીકારી લીધા. રુકમણીનો ભાઈ રુકમી ઈચ્છતો હતો કે રુકમણીના લગ્ન શિશુપાલ સાથે થાય. આ વાતની માહિતી રુકમણીને મળતા તેઓએ સુદેવ નામના બ્રાહ્મણ સાથે શ્રીકૃષ્ણને સંદેશો મોકલ્યો. શ્રીકૃષ્ણએ રુકમણીની ઈચ્છાનુસાર તેમનું અપહરણ કર્યું, રુકમીએ માર્ગ રોક્યો, યુદ્ધ થયું અને શ્રી દ્વારિકાધીશ વિજયી થયા. માધવપુર (ઘેડ)ની ધરા પર શ્રીકૃષ્ણ–રુકમણીના મંગલવિવાહ થયા.
આ પ્રસંગના સ્મરણમાં દર વર્ષે અહીં શ્રીકૃષ્ણ – રુકમણીના લગ્ન ઊજવાય છે. ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી અહીં લોકમેળો ભરાય છે. લાખોની સંખ્યામાં દેશ–વિદેશથી લોકો આ પરંપરાગત મેળામાં મ્હાલવા અને માધવરાયજીના દર્શન કરવા આવે છે.
સૈકાઓથી ઊજવાતા આ પ્રાચીન મેળાને રાજ્ય સરકારે છેલ્લા કેટલાંક વર્ષોથી નવું રૂપ આપ્યું છે. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો અહીં સમાવેશ થાય છે. પૂર્વોત્તરના રાજ્યોના કલાકારો - હસ્તકલાના કારીગરો - સ્વાદિષ્ટ રસોઈ બનાવનારા લોકો અહીં આવે છે, ગુજરાતના કલાકારો - કારીગરો પણ આવે છે અને આમ જોવા મળે છે ભારતના બે અલગ અલગ દિશાઓની સંસ્કૃતિનું અદભૂત મિલન. ભારતના સાંસ્કૃતિક એકતાના મંત્રનું જાણે અહીં પ્રતિબિંબ પડે છે.
આ વર્ષે કાર્યક્રમ પ્રસ્તુતિ માટે ખાસ એરેના, એટલે કે સ્ટેડિયમ અહીં બનાવાયું છે. પૂર્વોત્તરના રાજ્યોના 800 અને ગુજરાતના 800 કલાકારો મળીને કુલ 1600 કલાકારો વૈવિધ્યપૂર્ણ લોકનૃત્યનો સંકલિત કાર્યક્રમ અહીં રજૂ કરે છે ત્યારે અદભૂત અને રંગીન વાતાવરણ સર્જાય છે. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ પર આધારિત આ કાર્યક્રમના નેરેટર તરીકે અવાજ રજૂ કરીને અને એ માટે સ્ક્રિપ્ટ લખીને એક રાષ્ટ્રીય કાર્યક્રમમાં જોડાવાનો મને પણ અવસર મળ્યો છે.
માધવપુરમાં આધ્યાત્મિક અને પૌરાણિક, પ્રાચીન એવાા દર્શનીય સ્થાનોમાં શ્રી માધવરાયજીનું મંદિર, ચોરી માહપરા, કપિલ મુનિની દેરી, શ્રી બળદેવજીનો માંડવો, મધુવન, મહારાણીનો મઠ, શ્રી મહાપ્રભુજીની બેઠક, ઓશો આશ્રમ વગેરે છે જ્યાં પ્રવાસીઓ – દર્શનાર્થીઓ આવે છે. બાજુમાં જ આવેલું મોચા હનુમાનજીનું મંદિર શ્રદ્ધાનું સ્થાનક છે. રાજ્ય સરકાર દ્વારા માધવપુરના દરિયાકિનારે બીચ સ્પોર્ટ્સનું પણ આયોજન કરાયું છે.
માધવપુરના મેળામાં ફરવાનો, મેળાને માણવાનો અવસર સાચ્ચે જ ધન્ય બનાવે છે. મન – હૃદય આનંદથી છવાઈ જાય છે અને આ પવિત્ર ભૂમિમાં શ્રદ્ધા અને ભક્તિના અજવાળાં ઝીલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter