‘અદભૂત સંવાદો લખાયા છે...’ ‘અરે કેટલાક ડાયલોગ તો આંખમાં પાણી લાવી દે એવા છે...’ ‘ડાયલોગ સાંભળીને, ફિલ્મ જોઈને તુરંત મિત્રને ફોન કર્યો...’ ‘સંવાદ લેખકે તો કમાલ કરી છે...’
આવા સંવાદો આપણે ઘણી વાર સાંભળ્યા છે, આપણે ખુદ પણ બોલ્યા હશું. આ સંવાદો, આ વાક્યો આપણે જેના માટે બોલ્યા કે સાંભળ્યા એ સંવાદ એટલે શું? ‘વાદ’ શબ્દમાં સમ ઉપસર્ગ લગાવવાથી ‘સંવાદ’ શબ્દ બને છે, જેનો શાબ્દિક અર્થ છે વાતચીત. સંવાદલેખન એક કલા છે, જે બધા લેખકોને સહજ નથી. સંવાદ લેખન કાલ્પનિક પણ હોય અને વાસ્તવિક પણ હોય. સંવાદો સાંભળનારની એ અનુભૂતિ રહી હોય છે કે સંવાદો લોકભોગ્ય બને એ માટે પણ એની કેટલીક વિશેષતાઓ હોય છે. ઉદાહરણ તરીકે આપણે જ વિચારીએ કે જે તે ફિલ્મના સંવાદો મને કેમ ગમ્યા? કેમ એ દર્શક સુધી સીધા પહોંચ્યા? તો એના જવાબરૂપે જે વાત આવે છે એમાં જ ઉત્તમ સંવાદલેખનના ગુણધર્મો સમાવિષ્ટ થઈ જાય છે.
સંવાદ લોકપ્રિય થાય, દર્શકોને ગમે, યાદ રહી જાય એવું ત્યારે જ બને છે જ્યારે સંવાદ સહજ હોય, ફ્લોમાં આવતા હોય, અર્થપૂર્ણ હોય, સ્પષ્ટ વિચારને વેગ આપતા હોય, પાત્રને નિરુપિત કરતા હોય, એની ભાષા ક્લિષ્ટ ના હોય, ખુલીને બોલતા હોય, વાર્તાના પ્રવાહમાં યોગ્ય જગ્યાએ યોગ્ય પાત્ર દ્વારા બોલાતા હોય... આવી અનેક બાબતો છે જે સંવાદોને યાદગાર બનાવે છે.
તમે યાદ કરો આવી કેટલીક ફિલ્મો અને આવા કેટલાક સંવાદો... લગભગ દરેક ફિલ્મમાં ક્યાંકને ક્યાંક ઉત્તમ સંવાદ મળે. ફિલ્મ ‘શોલે’માં ગબ્બરસિંહ બોલે છે, ‘જો ડર ગયા, સમજો મર ગયા...’ તો ‘દિવાર’માં અમિતાભ બચ્ચનનો ડાયલોગ ‘મૈં આજ ભી ફેંકે હુએ પૈસે નહીં ઊઠાતા...’ ફિલ્મ ‘સૌતન’નો પ્રેમ ચોપરાનો ડાયલોગ ‘જિનકે ઘર શીશે કે હોતે હૈ વો બત્તી બુઝા કે કપડે બદલતે હૈ...’ ‘રાઉડી રાઠોડ’નો અક્ષય કુમારનો ડાયલોગ ‘મૈં જો બોલતા હું વો મેં કરતા હું, ઔર મેં જો નહીં બોલતા હું, વો મેં ડેફિનેટલી કરતા હું...’ ‘થ્રી ઈડિયટ્સ’નો આમીર ખાનનો ડાયલોગ ‘બચ્ચા કાબિલ બનો, કાબિલ, કામયાબી તો સાલી જખ માર કે પીછે ભાગેગી...’ જેવા અનેક ડાયલોગ શ્રોતાઓની તાળીઓ-સિટીઓ અને ચીચીયારીઓમાં પરિવર્તિત થતાં જોયા છે. જોકે હમણાં જોયેલી એક ગુજરાતી મૂવીના ડાયલોગમાં ભારોભાર માનવીય સંવેદના - પ્રેમ – સમર્પણ ધબકે છે, જેણે પ્રેક્ષકોને બેહદ આકર્ષ્યા છે.
‘ઓમ મંગલમ્ સીંગલમ્’ ફિલ્મ આરતી અને સંદીપ પટેલનું ક્રિએશન છે. તમામ કલાકારોએ શ્રેષ્ઠ અભિનય કર્યો છે. ફિલ્મનિર્માણના તમામ પાસાં મજબૂત છે, પણ એમાં અહીં વાત કરવી છે મીતાઈ શુક્લ અને નેહલ બક્ષીએ લખેલી સ્ટોરી અને ડાયલોગની. આ સંવાદોમાં સત્વ છે, તત્વ છે, મર્મ પણ છે ને લેખક તરીકેનો ધર્મ પણ છે. સાહજિક રીતે જીવનના અનુભવો અને માનવીય સંબંધોની અપેક્ષાઓ તથા ગરિમા સંવાદોમાં અભિવ્યક્ત થયા છે. એક સંવાદમાં નિસર્ગ ત્રિવેદી એની પત્નીના કિરદારમાં રહેલી આરતી પટેલ માટે કહે છે કે ‘એ તો હું એને જીતવા દઉં છું...’ એ જ રીતે બાપ-દીકરીના સંબંધો સાથે જોડાયેલા બે-ત્રણ હૃદયસ્પર્શી સંવાદો છે એમાં આરોહી પટેલ એના ફિલ્મી પપ્પા દર્શન જરીવાલાને કહે છે કે ‘એક આ તમારા હાથ સિવાય સિદ્ધાર્થના હાથમાં જ સિક્યોરિટી ફીલ થાય છે.’ એ જ રીતે પિતા-દીકરીને કહે છે કે, ‘બેટા, તારું સપનું તો હું સપનામાં પણ તૂટવા નહીં દઉં.’
હવે આ લાગણી દરેક પિતાની પોતાની દીકરી માટે હોય જ છે, પરંતુ ફિલ્મના પડદે જ્યારે એ પાત્ર દ્વારા રજૂ થાય છે ત્યારે દર્શકની લાગણી એમાં ભળે છે. દર્શકને લાગે છે કે આ તો મારા જ મનની વાત છે.
એક અર્થમાં સંવાદલેખક કે સ્ટોરી રાઈટર ફિલ્મને કોરા કાગળ પર લખીને પહેલો વહેલો જુએ છે જે પછીથી પડદા પર આવે છે. આ સંવાદમાં માનવ મનના તાણાવાણાની ગૂંથણી શબ્દોમાં થાય છે. આવી જ એક ફિલ્મ ‘ઓમ મંગલમ્ સીંગલમ્’ જોઈને સહજપણે આ રાજીપાથી લખાયું... સંવાદના અજવાળાં ઝીલાયાં.