‘મારો કહેવાનો અર્થ આવો ન હતો...’, ‘મારા શબ્દોનું ખોટું અર્થઘટન કરાયું છે...’, ‘હવે અમે ધ્યાન રાખીશું...’ આ અને આવા શબ્દો આપણે જાહેરજીવનમાં સાંભળીએ છીએ તો અંગત જીવનમાં પણ સંબંધોમાં ‘એમણે જે શબ્દો કહ્યાને એ શબ્દોએ મારું દિલ તોડી નાંખ્યું...’ ‘એણે કીધેલા શબ્દો હજી મારા કાનમાં ગુંજે છે....’ આવા વાક્યો આપણે સાંભળીએ છીએ. મોટા ભાગે કોઈ પણ ઘટનામાં માનહાનિ થવામાં આબરૂ વધવા કે ઘટવામાં, સંબંધો બનવા કે તૂટવામાં શબ્દો કારણભૂત હોય છે. શબ્દને શરીર નથી, પણ શબ્દ જે અનુભૂતિ આપે, વાત્સલ્ય આપે કે વિષ પાય એ બીજું કોઈ ના કરી શકે.
કોઈ પણ સર્જક માટે - પછી એ કલાના કોઈ પણ ક્ષેત્રમાં હોય શબ્દ બહુ મૂલ્યવાન છે. થોડા શબ્દો શું અસર કરશે? એ પ્રશ્ન ધરતી-આકાશ એક કરી શકે, પરિસ્થિતિમાં કલ્પના બહાર બદલાવ લાવી શકે. કબીર સાહેબે એથી તો લખ્યું છે.
શબ્દ સમ્હારે બોલિયે,
શબ્દ કે હાથ ન પાઁવ,
એક શબ્દ ઔષધિ કરે,
એક શબ્દ કરે ઘાવ.
શબ્દનો પ્રયોગ સમજીવિચારીને કરવો જોઈએ. અસાવધાનીથી બોલાયેલો શબ્દ કઠોરતાથી બોલાયેલો શબ્દ સાંભળનારના હૃદય પર ઘા કરે છે, એને તો પીડા થાય જ છે, બૂમરેંગ થઈને ઘણી વાર એ શબ્દ બોલનારને પણ નુકસાન કરે છે. જ્ઞાનનો આધાર શબ્દ છે, અનુભૂતિની અભિવ્યક્તિનો આધાર શબ્દ છે, શબ્દ ઉચ્ચારણથી બે માણસ ભક્ત–પરમાત્મા, સર્જક–શ્રોતા નજીક આવે છે અથવા દૂર જાય છે. માનવ સભ્યતાના વિકાસમાં અને ક્યારેક વિનાશમાં પણ શબ્દનું વિશેષ યોગદાન રહ્યું છે. શબ્દ માનવજીવનની મૂડી છે. લોક–વ્યવહારમાં કોમ્યુનિકેશનનું અને સર્જકો માટે સર્જનનું મહત્ત્વનું કામ શબ્દો થકી જ થાય છે. એ શબ્દો અને સ્થળ – કાળ – ઈતિહાસ – પાત્રો - સંસ્કૃતિ - સભ્યતા - શ્રોતા - દર્શકની સંવેદના વગેરે વગેરે જોડાયેલા હોય છે અને એટલે જ ક્યારે કયા શબ્દો પ્રયોગમાં લેવા અને ના લેવા એનો વિવેક આવશ્યક છે.
કાર્યક્રમ સંચાલક તરીકે એક ઉદાહરણ ઘણી વાર આપ્યું છે, જે મને પણ એટલું જ લાગુ પડે, કોઈ પણ માણસને લાગુ પડે. જીભ શરીરનો એવો ભાગ છે કે જ્યાં કદાચ કોઈ ઈજા થાય તો બહુ જલ્દી રૂઝ આવે છે, પરંતુ જીભ દ્વારા જે ઈજા થાય છે, વાણી થકી જે ઈજા થાય છે તેની રૂઝ ક્યારેય આવતી નથી. આપણે ત્યાં એથી તો કહેવાયું છે. - વિચારીને ઉચ્ચાર વાણી, વાણી પર આધાર છે જીવનનો.
આપણે રોજિંદા જીવનનો અનુભવ છે કે આપણે વગર વિચાર્યે જ મોટા ભાગે વાતચીત કરતા હોઈએ છીએ. જ્યારે કેટલાય લોકો એવા પણ જોયા છે જેઓ સમજી-વિચારીને, તોળી તોળીને વાત કરે છે. પરિણામે તેઓ ભૂલ ઓછી કરે. એક હિન્દી શેરમાં લખાયું છે...
‘હજાર આફતો સે બચે રહેતે હૈ વો,
જો સુનતે જ્યાદા, ઔર બોલતે કમ હૈ.’
અહીં મૌનની મહત્તા છે, મૌન ન રાખી શકાય તો કાંઈ નહીં, જ્યારે પણ બોલીએ ત્યારે આપણે જે બોલવા જઈ રહ્યા છીએ એની શું અસર પડશે તેનો તો વિચાર કરી શકીએ ને! પછીથી બોલાયેલા શબ્દો પાછા ખેંચવા પડે અને તે છતાં જે નુકસાન થવાનું હોય, તે તો થઈ જ ચૂક્યું હોય એવી સ્થિતિ શા માટે ઊભી કરવી? થોડીક સતર્કતા અને જાગૃતિ આપણને મોટી તકલીફમાંથી ઉગારી શકે.
ઋષિ સંસ્કૃતિથી વર્તમાન સમય સુધીના કાલખંડમાં દેશ–દુનિયામાં વાણી થકી, શબ્દ થકી વાત થકી થયેલી સારી-નરસી અસરના અનેક ઉદાહરણો આપણી નજર સામે છે અને એથી જ મા સરસ્વતીને અને સદગુરુને હંમેશા પ્રાર્થના કરીએ કે શબ્દ–વાણી એવા વહાવજે જેના થકી અજવાળાં રેલાય.