માનવતાથી છલોછલ ધાર્મિક વ્યક્તિત્વ

Wednesday 14th September 2016 08:16 EDT
 

‘યુ નો... પપ્પાને એમના ગુણગાન ગવાય એ બહુ ગમતું નહોતું એટલે આપણે એમના વિશે બહુ નથી બોલવું...’ અમિતે કહ્યું.

એક વ્યક્તિના અવસાન બાદ યોજાતી પ્રાર્થનાસભામાં સામાન્ય રીતે પરિવારના સભ્યો આટલું આટલું બોલજો એમ કહીને લાંબી વિગતો આપે, એના બદલે અહીં દીકરો જ આમ કહી રહ્યો હતો એ નવાઈની વાત હતી. સંવાદમાં સમાયેલા શબ્દોને ઉકેલવા જેમનો દેહ શાંત થયો એ વ્યક્તિત્વને સમજવું જરૂરી છે.
નામ વિજયભાઈ શાહ. આઠ દાયકા પહેલાં જન્મ થયો સૌરાષ્ટ્રમાં સંસ્કારીનગરી તરીકે જાણીતા ભાવનગરમાં. જૈન પરિવારનો ધાર્મિક માહોલ અને વ્યાપારી સૂઝ બાળપણથી એમના સ્વભાવમાં વણાતા ગયા.
એમની સાથેના સ્મરણોને યાદ કરતા સ્નેહી દિલીપભાઈ પરીખ કહે છે, ‘યુવાવયથી જેમણે પરિશ્રમનો અને પરસેવાનો મહિમા સમજી લીધો હતો. કાળી મજૂરી કરવી અને સફળતા મેળવવી એમનો સ્વભાવ હતો.’
કારકિર્દીના આરંભે મિલમાં નોકરી કરી. અભ્યાસ અને કારકિર્દી બંનેને સાચવતા રહ્યા. સ્વમાની એવા કે અભ્યાસ માટેય કોઈની પાસેથી આર્થિક મદદ ન માંગે.
સમય જતાં એ સમયની પ્રતિષ્ઠિત એવી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં જોડાયા. થોડો સમય કામ કર્યું ને બેન્ક ઓફ ઈન્ડિયામાં જોડાયા. કારણ?
દીકરો કહે છે, ‘એમના મેન્ટર હતા અમારા સગા અને તે સમયે પાંચમાં પૂછાતા રાજકીય - સામાજિક - અગ્રણી જગુભાઈ પરીખ. સ્ટેટ બેંકમાં એમની વિશેષ પ્રભાવકારી ઓળખ. એટલે ક્યારેક એમણે કરેલી ફેવરનો લાભ ન મળે એવા સ્વમાની સ્વભાવના કારણે બેન્ક બદલી હતી.’ વાતને આગળ ચલાવતા કહે છે, ‘એ કહેતા જગુભાઈએ આર્થિક વારસો એમના દીકરાઓને, પણ બૌદ્ધિક વારસો મને આપ્યો છે.’
કદાચ આ બૌદ્ધિક વારસો જ ભાવનગરમાં પુષ્પાબહેન સાથે થયેલા લગ્નમાંગલ્ય બાદ એમને ઔદ્યોગિક શહેર વાપી લઈ આવ્યો. ૧૯૭૨માં ‘કરી કરીને ના કરી એનું નામ નોકરી’ એ સૂત્રનું કદાચ સ્મરણ થયું હશે, કે બીજું કોઈ કારણ, પણ એમણે થોડા વર્ષો બાદ નોકરી છોડી. બેન્કમાં બેઠા બેઠા ઉદ્યોગ જૂથોના માલિકોને સફળતાના લેશન આપતા હતા અને એમને થયું કે, ‘ચાલ, હું જ સફળ વ્યાપારી થાઉં.’ વાપી-દમણમાં પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. ધીમે ધીમે મક્કમ પ્રગતિ થઈ. બે દીકરા પણ સાથે જોડાયા. સાહિત્ય-કલાની રૂચિએ એમને જીવંત રાખ્યા. માનવમિત્ર બની રહેવાનો એમણે સતત પ્રયાસ કર્યો.
વલસાડમાં રહેતા એમના વેવાઈ હિંમતભાઈ શાહ કહે છે, ‘એમની દીકરી સોનલ મારા દીકરાને પરણીને આવેલી તો એમણે દીકરીને સલાહ આપી હતી કે લગ્ન પછી એક મહિનો વાપી આવવું નહીં. આપણી વચ્ચે ફોનથી પણ સંવાદ નહીં થાય. બેટા, તો જ તું અહીંના વાતાવરણમાંથી સંપૂર્ણપણે સાસરીના વાતાવરણમાં એટેચ થઈ શકીશ. આ વાતનો અમલ બરાબર થયો હતો. એટલે જ અમારું ઘર આજે સોનલનું ઘર થયું છે.’
નાનામાં નાના માણસની એમણે સંભાળ લીધી હતી. ફેક્ટરીમાં કામ કરનારા કર્મચારીઓને પણ પરિવારના સભ્ય જ માનતા વિજયભાઈ. અરે, સાવ અજાણ્યાને પણ પોતાના વર્તનથી ઈજા ન પહોંચે તેની તકેદારી રાખતા. એમના ડ્રાઈવરને કહેતા કે રસ્તામાં પાણી ભરાયેલું આવે તો ધીમે ચલાવવી, પણ કોઈના ઉપર ઊડે અને તેના કપડાં ગંદા થાય એવું ન થવું જોઈએ.! વાપીના કેટલાક ડોક્ટરોને દર મહિને નિશ્ચિત રકમ આપીને કહેતા કે આમાંથી તમે ગરીબ દર્દીને દવા અપાવી દેજો. આવી તો અનેક ઘટનાઓ એમના જીવનમાં હતી, જેમાં તેમનો શિક્ષણ માટેનો, માનવ માટેનો અને ધર્મ માટેનો પ્રેમ છલકાતો જણાઈ આવે છે.

•••

આજે સામાજિક જીવનમાં સહુ કોઈ પોતાની આસપાસના મોટા અને ઉપયોગી માણસોનું જ ધ્યાન રાખે એવા દૃશ્યો દેખાઈ રહ્યા છે ત્યારે વિજયભાઈ જેવા પણ કેટલાયે માણસો પણ છે જેઓ નાના જરૂરિયાતમંદ માણસોને પ્રેમ કરે છે, એમની સંભાળ રાખે છે.
અજાણ્યાને, જરૂરિયાતમંદને મદદ કરવી, એનો બોજ ન લાગે માટે પોતાની આપનાર તરીકેની ઓળખ છૂપાવવી અને માનવકલ્યાણ માટે પ્રતિક્ષણ જીવવું એનાથી મોટી ધર્મભાવના બીજી કઈ હોઈ શકે? આવા વ્યક્તિત્વો દેહ છોડી જાય છે પછી પણ એમના કર્મોથી અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter