‘એક યુગ સમાપ્ત થયો...’
‘ભારતમાં આવો મહાન ઈન્સાન હવે ફરી ક્યારે જન્મ લેશે કોને ખબર?’
‘સાચા અર્થમાં ઉમદા અને સંવેદનશીલ માણસ હતા.’
‘જાહેરસભા હોય કે સંસદ હોય કે મુશાયરો હોય, એમનું વક્તવ્ય સાંભળવું એ અમૂલ્ય લ્હાવો હતો’
‘એમના વિચારો દ્વારા તેઓ હંમેશા આપણી આસપાસ જીવંત રહેશે...’
આ અને આવા વિધાનો આપણી આસપાસ હવામાં તરંગિત થાય છે સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયી માટે.
ભારતરત્ન, પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું શરીર ૯૩ વર્ષની ઉંમરે શાંત થયું. આખોય દેશ જાણે નિઃસ્તબ્ધ થઈ ગયો. સહુને લાગ્યું કે પોતાના પરિવારમાંથી કોઈ જતું રહ્યું છે. વેદના-સંવેદના વ્યક્ત થતી રહી વ્યક્તિગતરૂપે અને જાહેર માધ્યમોમાં પણ.
શાળાજીવનના મારા દિવસોમાં એમના પ્રવચનો - જાહેર સભાઓમાં એમની આગવી છટા અને શબ્દોના ઉતાર-ચઢાવ સાથેની ભાવવાહી પ્રસ્તુતિ સાંભળવાનો અવસર મળ્યો છે એનું સ્મરણ થાય છે.
લગભગ છ વર્ષ કુલ મળીને ભારતના વડા પ્રધાન રહ્યા, પાંચ દાયકા સાંસદ તરીકે રહ્યા, યુએન જનરલ એસેમ્બલીમાં હિન્દી ભાષામાં સ્પીચ આપનાર પ્રથમ વ્યક્તિ બન્યા. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી એમ ચાર રાજ્યોમાંથી સાંસદ તરીકે ચુંટાયા, વિદેશ નીતિમાં ભારત વતી બહુમૂલ્ય પ્રદાન કર્યું. ૧૯૯૯માં દિલ્હી-લાહોર વચ્ચે બસ શરૂ કરીને બંને દેશો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યો. ૧૯૯૮માં અનેક વિટંબણાઓ વચ્ચે ભારતને વિશ્વના ન્યુક્લિયર મેપમાં સ્થાન અપાવ્યું પોરખણ ધડાકા દ્વારા. ૧૯૯૯માં કારગીલ યુદ્ધ, ઓપરેશન વિજય હાથ ધર્યું. ગઠબંધન સરકારને સફળતાપૂર્વક ચલાવી અને માત્ર એક મત માટે સરકાર ગઈ તો જવા દીધી, પરંતુ પોતાના મૂલ્યો સાથે ક્યારેય બાંધછોડ ના કરી.
મૂલ્યનિષ્ઠ રાજકીય વ્યક્તિત્વ, અજાત શત્રુ, ટાવરિંગ પર્સનાલિટી, સંવેદનશીલ યુગપુરુષ એવું રાજકીય વ્યક્તિત્વ જે પાર્ટી બહારના લોકો માટે પણ એટલું જ આદરને પાત્ર, સર્વમિત્ર... કેટકેટલા વિશેષણો યાદ આવે વાજપેયીજી માટે... વાજપેયીજી વિદેશના લોકો માટે પણ એટલા જ પ્રેરક રહ્યા.
‘છોટે મન સે કોઈ બડા નહીં હોતા
ટુટે મન સે કોઈ ખડા નહીં હોતા’
•
‘આપ મિત્ર બદલ સકતે હૈ પર પડોસી નહીં’
•
‘ક્યા હાર મેં, ક્યા જીત મેં
કિંચિત નહીં ભયભીત મેં
કર્તવ્ય પથ પર જો ભી મિલા
યહ ભી સહી વો ભી સહી
વરદાન નહીં માગુંગા
હો કુછ પર હાર નહીં માનુંગા’
•
‘દેશ એક મંદિર હૈ, હમ પૂજારી હૈ, રાષ્ટ્રદેવ કી પૂજા મેં હમે ખુદ કો સમર્પિત કર દેના ચાહિયે’
•
‘સૂર્ય એક સત્ય હૈ, જિસે જુઠલાયા નહીં જા સકતા,
મગર ઔસ ભી તો એક સચ્ચાઈ હૈ,
યહ બાત અલગ હૈ કી ઔસ ક્ષણિક હૈ,
ક્યોં ન મેં ક્ષણ ક્ષણ કો જીઉં
કણ કણ મેં બીખરે સૌંદર્ય કો પીઉં’
જેવા અનેક કાવ્યમોતી વાંચવા મળે, ગુંજન થાય ને કવિહૃદય વાજપેયીજીના ભાવવિશ્વ સુધી વાચકશ્રોતા પહોંચે.
•••
પાંચ દાયકા કરતા વધુ દીર્ઘકાલીન સમય સંસદમાં, અને એ સિવાયનો સમય પણ રાજકીય ક્ષેત્રમાં જેમણે પસાર કર્યો હોય એવી વ્યક્તિ અજાતશત્રુ હોય એવું માનવું જરા અઘરું લાગે, પણ વાજપેયીજીને જાણનારા કહે છે - ને બધા જાણે છે કે આ વાત પૂર્ણ સત્ય હતી.
સૌહાર્દપૂર્ણ સ્વભાવ, ઋજુ વ્યક્તિત્વ, કવિતાના માણસ એટલે ભીનાભીના સહજપણે રહે, મક્કમ મનોબળ, પોતે નક્કી કરેલી જીવનમૂલ્યોથી ક્યારેય વિચલિત ન થયા, રાષ્ટ્રપ્રેમની વ્યાખ્યાઓ ન કરી પરંતુ વાસ્તવમાં જીત્યા વાજપેયીજી.
પૂરા વિશ્વમાંથી એમના મૃત્યુ બાદ જે સંદેશાઓ સમાચાર માધ્યમોમાં પ્રસારિત થયા તેમાં એક સૂર હતો કે વાજપેયીજી સાચા અર્થમાં માનવતાના, રાષ્ટ્રહિતના, સંવેદનાના માણસ હતા. આવું વિરાટ વ્યક્તિત્વ શરીરથી ભલે નાશ પામે પરંતુ એમના શબ્દો અને વિચારોના દીવડા હંમેશા પ્રજ્વળતા રહે છે અને આપણી આસપાસ અજવાળા પાથરતા રહે છે.