‘દુનિયામાં કોઈ કોઈનું નથી... સહુ સ્વાર્થના સગાં છે સાયેબ, આ બધી માનવ ધર્મની ને સંવેદનશીલતાની ને બીજી બધી ડાહી ડાહી વાતો નકામી છે.’ ચોરે બેઠેલા કાકાઓ વચ્ચે દુનિયાભરની ચર્ચા ચાલતી હતી. એમાં એક બોલ્યા ને વળી બીજાએ ટાપશી પુરાવી.
‘આ ભૂકંપ બીજે બધે આવે છે ને એના કરતાં આપણા ગામમાં આવવો જોઈએ.’ ગામ-પરગામની વાતો કરી રહેલા આ વડીલોની વાતો સાંભળતો ગામનો એક યુવાન પણ બેઠો હતો. શહેરમાં ભણવા ગયો હતો અને હમણાં રજાઓમાં ગામમાં આવ્યો હતો. એ યુવાને આ વડીલોને વંદન કરીને પોતે નજરે જોયેલી ઘટના કહી અને એમની વાતોની સામે હકીકત રજૂ કરી.
એ યુવાન વાત માંડતા કહ્યું કે ‘તમે બધા વિચારો છો એમાં જરૂર ક્યાંક સત્ય હશે પણ એ એકપક્ષીય હશે. એટલે મારી આપને વિનંતી છે કે દુનિયા ખરાબ હશે તો સારી પણ હશે જ. લોકોને ખરાબ અનુભવો થતા હશે તો સારા અનુભવો પામનારા લોકો પણ હશે જ. જુઓ, થોડાક દિવસ પહેલાં મેં શહેરમાં જોયેલી ઘટના કહું.’
એ યુવાન સવારના કોલેજ જઈ રહ્યો હતો. ચાલતાં ચાલતાં એણે એક સોસાયટીના નાકે જોયું કે થોડા લોકો ડાઘુઓ તરીકે ઊભા હતા. થયું કે કોઈનું મૃત્યુ સોસાયટીમાં થયું હશે અને મૃતદેહને સ્મશાને લઈ જવાનો હશે એટલે પ્રતિક્ષા કરતા હશે. એવામાં એની નજર પડી કે નનામી તો ફૂટપાથ ઉપર જ બંધાતી હતી. થોડાક યુવાનો એ કાર્ય કરતા હતા. થોડાક ઊભા હતા. એમાં અચાનક કોઈ મોટી ઊંમરની સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાયો. અને થોડીક મહિલાઓ સાંત્વના આપી રહી હતી.
વાસ્તવમાં વાત એમ હતી કે એ સોસાયટીના નાકે, ફૂટપાથ પર વર્ષોથી એક દંપતી રહેતું હતું. મહાનગરની દોડધામમાં લાખ્ખો પરિવારોની જેમ તે પણ બેઘર હતું. ‘રહેને કો ઘર નહીં હૈ, સારા જહાં હમારા...’ એ ગીતને જાણે સાર્થક કરતા હોય એમ એ બંને ફૂટપાથ પર જ ઘર વસાવીને રહેતાં હતાં. અહીં બેસીને શાકભાજી અને ફ્રૂટ્સનો વ્યવસાય કરે. પેલા કાકા આસપાસની સોસાયટીમાં ગાડીઓ સાફ કરવાના અને બીજા પરચૂરણ કામ કરે. મો ટાભાગના ઘરના લોકો એમને અવારનવાર ખાવાનું આપતા હતા. પહેરવા-ઓઢવાનું ને ચોમાસામાં તાડપત્રી કે રેઈનકોટ કે છત્રી પણ આપતા હતા. સ્નાન અને શૌચક્રિયાઓ માટે નજીકના સુલભ શૌચાલયનો તેઓ ઉપયોગ કરી લેતા હતા. નીતિવાન અને પ્રામાણિક દંપતી તરીકેની, હસમુખા વ્યક્તિત્વના ધની તરીકેની તેમની ઈમેજ હતી. અચાનક કોઈ કારણસર આ કાકાનું મૃત્યુ થયું હતું. એમના તો સગાં ગણો કે વ્હાલાં સોસાયટીના લોકો જ હતા. આથી એમને અંતિમ મુકામે પહોંચાડવાનું અને પછી પેલા માજીને સાચવવાનું કામ એ લોકોએ જ કર્યું હતું. અને સહુ કોઇએ માત્ર વાતો ન કરતા માનવધર્મ બજાવ્યો હતો.
•••
આપણી આસપાસ આવી ઘટનાઓ બનતી જ રહે છે. સમાજ માત્ર ને માત્ર સ્વાર્થથી ભરેલો છે એવું માનવા પ્રેરે એવી અનેક ઘટનાઓ જોવા-વાંચવાને સાંભળવા મળે છે, પરંતુ એની સામે કોઈ સ્વાર્થ વિના માત્રને માત્ર ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે...’ ગીતની ઉક્તિને સાર્થક કરતી ઘટનાઓ પણ લોકો જીવે છે. આવા લોકોને માનવધર્મ હંમેશા ઝગમગતો રહે છે એમના કાર્યો દ્વારા સાહજિક રીતે અને તેનાથી માનવતાના અજવાળાં રેલાય છે.