‘મને બહુ દુઃખ થાય છે કે મારાથી આવી ભૂલ કેમ થઈ ગઈ?’ આવું વાક્ય હર્ષા બોલી, ને પછી વ્યથિત થવાને બદલે એકદમ હસી પડી. સાંભળનારને નવાઈ લાગી આને પોતાના વર્તનનું દુઃખ થયું છે તો પછી હસે છે કેમ?
વાત જાણે એમ છે કે બેંગ્લોર રહેતી હર્ષા જૈન પર્યુષણ પર્વ નિમિત્તે યોજાયેલા પારણાં માટે સૌરાષ્ટ્ર આવી હતી. પછી પોતાના પિયરના ગામ ભાવનગર રહેવા ગઈ. ભાઈ-ભાભી સાથે થોડાંક દિવસ રહેવાનું, આનંદ કરવાનો, જે શહેરમાં લગ્ન પહેલાના ૨૫-૨૬ વર્ષો ગુજાર્યા ત્યાં જૂની સખીઓને મળવાનું ને મજા કરવાની - આવા મૂડ સાથે એ આવી હતી ને એમ જ પાંચ-છ દિવસ પસાર કર્યાં હતાં.
હવે એક દિવસ સવારે એવું બન્યું કે એને જવું હતું દેરાસર દર્શને, પછી ત્યાંથી એક બેન્કના કામે, થોડીઘણી પરચુરણ ખરીદી કરવા તે હર્ષાએ ભાઈને કહ્યું તારું સ્કૂટર આપ. ભાઈએ આપી દીધું ને કહ્યું મારે ઉતાવળ નથી તું જ રાખજે આજે, ને તારા કામ પતાવજે. સવારે ચા-નાસ્તો કરીને આ બહેને કર્યો એમના લીસ્ટ મુજબના કામનો આરંભ.
બેંકમાં ભીડ હતી ને બીજા દિવસે અમદાવાદ જવાનું હતું એટલે કામ પૂરા કર્યા સિવાય છૂટકો પણ ન હતો. એક બાજુ વરસાદ પણ ચાલુ, માંડ કામ પૂરું કર્યું. જ્યાં સ્કૂટર મૂક્યું હતું તે જગ્યાએ ગઈ. છેલ્લા થોડા દિવસોમાં અને એ પહેલાં પણ હર્ષાએ ભાવનગરમાં આ સ્કૂટર ઘણી વાર વાપર્યું હતું. એને ખબર હતી સફેદ કલરનું છે અને સ્કૂટર ઉપર જય જિનેન્દ્ર લખેલું છે. એટલે એ સહજપણે સફેદ સ્કૂટર પાસે ગઈ, પર્સમાંથી ચાવી કાઢી, સ્કૂટર ચાલુ કર્યું અને સહજતાથી એ નીકળી ગઈ પોતાના અન્ય કામે બજાર તરફ. બજારમાં કામ પતાવ્યા, એ દરમિયાન ત્રણ-ચાર જગ્યાએ સ્કૂટર પાર્ક કર્યું. ચાલુ કર્યું. બંધ કર્યું અને આખરે જમવાના ટાઈમે ઘરે આવી. પોતાનો સામાન પેક કરવામાં લાગી ગઈ.
માનવામાં ન આવે એવી અને છતાં ક્યાંક - ક્યારેક બનતી જ હશે એવી ઘટના એ હતી કે એ પોતાના સ્કૂટરના બદલે બીજા કોઈનું સ્કૂટર લઈને બેંકમાંથી નીકળી ગઈ હતી!
સાચ્ચે જ રંગ એ, કંપની એ, મોડેલ એ, ઉપર જય જિનેન્દ્ર પણ એક જ સ્ટાઇલમાં લખાયેલું, બસ એક માત્ર ચેક નહોતો કર્યો તે વ્હીકલ નંબર. હવે આપણે સહુ કાંઈ રોજ વ્હીકલ નંબર જોઈને તો વાહન ચલાવતા નથી. એટલે હર્ષાએ પણ એ નંબર ના જોયો. સ્વાભાવિક છે. મહત્ત્વનું એ છે કે એક સ્કૂટરની ચાવી બીજા સ્કૂટરમાં લાગી. સ્કૂટર ચાલુ થયું, એક વાર નહીં વધુ વાર.
આ તરફ કોલેજમાં ભણતી એક દીકરી, એ દિવસે વરસાદના કારણે કોલેજ નહીં ગઈ હોય, બેન્કના કામો પૂરા કરવા આવી હતી બેન્કમાં. એ પોતાનું સ્કૂટર મૂકી ગઈ ત્યારે તેણીએ જોયું હતું કે પોતાની બાજુમાં ‘સેઈમ ટુ સેઈમ’ એના જેવું જ એક સ્કૂટર પડેલું છે. પણ આ સામ્યતા અનેક પ્રશ્નો ઊભા કરશે એવી એને થોડી ખબર હતી?
એ દીકરી એના કામ પૂરા કરીને આવી તો જોયું કે એક સ્કૂટર છે એ પોતાનું નથી તો પોતાનું સ્કૂટર ક્યાં ગયું? ૧૫-૨૦ મિનિટ રાહ જોઈ, એના પપ્પાને ફોન કર્યો. એ આવ્યા. તપાસ કરી, બેન્કમાં લોકોને પૂછ્યું. ચોકીદારને પણ પૂછ્યું કાંઈ સગડ-સમાચાર ના મળ્યા.
આખરે બાજુના પોલીસ સ્ટેશને ગયા. બધી વાત કરી. પોલીસ વિભાગના અધિકારીએ વિવેકપૂર્ણ ઠાવકાઈ અને કોઠાસૂઝથી કહ્યું કે, ‘સંભવ છે કે કોઈ ભૂલમાં લઈ ગયું હોય, સાંજ સુધી રાહ જુઓ. નહીંતર ફરિયાદ નોંધીશું. એમણે બેન્ક પાસે તપાસ પણ ગોઠવી. બે-ત્રણ-ચાર કલાક સુધી પેલું સ્કૂટર ત્યાં જ પડ્યું હતું. તેના નંબરના આધારે પોલીસ વિભાગે એના માલિકનું સરનામું મેળવ્યું. બાજુની સોસાયટીનું જ એ સ્થળ હતું. પેલી દીકરી એના પિતાને બોલાવ્યા. સહુ સાથે બેન્કે ગયા. એમણે કહ્યું કે આના જેવું જ અમારું સ્કૂટર છે. તો પેલું સરનામું આપ્યું ને કહ્યું કે ત્યાં જઈને પૂછો. આ સ્કૂટરને બદલે તેઓ તમારું તો નથી લઈ ગયાને? પેલી દીકરી આવી આ ઘરે. પૂછ્યું. અહીં આ ભાઈ રહે છે? હર્ષાએ જ બારણું ખોલ્યું કહે તમે કોઈ બપોરે બેન્કમાં આવ્યા હતા? જવાબ મળ્યો હા, હું જ આવી હતી. અરે બહેન તમે તો અમને દોડતા કરી દીધા!
કહીને આખી વાત કરી. નીચે પાર્કિંગમાં આવ્યા તો પેલી દીકરીનું સ્કૂટર હર્ષા લઈને આવી હતી અને એનું સ્કૂટર બેન્ક પાસે જ પડ્યું હતું. ત્યાંથી જ પોલીસ અધિકારીનો આભાર માન્યો. બંનેએ સાથે જઈને બેન્ક પાસે પોતાના સ્કૂટરોની અદલાબદલી કરી.
હર્ષાએ સાચા હૃદયથી માફી માંગી, કોઈ ઈરાદા વિના આ ભૂલ થઈ અને તમે હેરાન થયા માટે મિચ્છામી દુક્કડમ્ કહ્યું ને હસતાં હસતાં સહુ છૂટા પડ્યા.
હવે સહુએ નક્કી કર્યું કે એક વાર સ્કૂટરનો કે કારનો નંબર પણ વાંચીને જ એમાં બેસવું. નાનકડી એવી ઘટનામાં સહજપણે થતી માનવીય ભૂલ એમાં યોગ્ય અધિકારીનું શાણપણ અને કોઠાસૂઝ તથા ભોગ બનનારની વિવેક-વાણી એટલા જ અસરકારક બની રહ્યા. ક્ષમા ધર્મના ને માનવધર્મના અજવાળાં રેલાયાં.