માનવીય સંબંધોને શોભાવે છે ગરિમા અને હૂંફ

Wednesday 08th February 2017 04:59 EST
 

‘મારે કંઈ સાંભળવું નથી, મારે તો હવે આ જમીન તમને જ વેચવાની છે.’ રક્ષાબહેને સતીષભાઈ અને તેમની પત્નીને કહ્યું. વાત છે ૧૯૭૦ના દાયકાના અમદાવાદની. લોકો હજી ગામના ઘર છોડીને નદી પાર બંગલા બનાવીને રહેવા જવાનું ઓછું પસંદ કરતા હતા. બધાને કદાચ એ પરવડે એવું પણ ન હતું. ધીમે ધીમે વિકસતા જતા શહેરમાં લોકો નદીને પાર કહેવાય એવા વિસ્તારોમાં ટેનામેન્ટ કે સોસાયટીઓમાં રહેતા થયા હતા.

સતીષભાઈ અને તેમનાં પત્ની શાલિનીબહેન બંને નોકરિયાત પરિવારના હતા. લગ્ન પછીના દાયકામાં એમની આર્થિક સ્થિતિ એવી ખાસ નહોતી કે બે-ચાર લાખની બચત થઈ હોય. એમાંય અતિથિ દેવો ભવઃની લાગણીથી લથબથ વ્યક્તિત્વ એટલે મહેમાનોની આવન-જાવન વિશેષ રહે. પરિણામે જીવનના રસને માણવામાં અને સામાજિક જવાબદારીઓ નિભાવવામાં મોટા ભાગે આવક-જાવકનું સરવૈયું સરભર થઈ જતું હતું.
શાલિનીબહેન પ્રાથમિક શાળામાં ભણતા હતા તે સમયની એમની એક ખાસ બહેનપણ હતી રક્ષા. બંનેની દોસ્તી એકદમ પાક્કી. એ જમાનામાં ફોન પણ ઘરે ઘરે ન હતા એ છતાંયે તમામ ઉત્સવો-તહેવારો-પ્રસંગોએ બંને સાથે જ હોય. સમય જતાં દોસ્તી પારિવારિક બની કારણ કે બંનેને લગ્ન પછી ખ્યાલ આવ્યો કે રક્ષાના દેરાણી કાંતાબહેન અને શાલિનીની નાની બહેન સુકન્યા બાળપણની સખીઓ હતી. વળી બંને પરિવારના એકાદ-બે પુરુષ સભ્યો પણ કોલેજમાં ક્યાંક ને ક્યાંક આગળ-પાછળ ભણ્યા હતા. આમ સંબંધો પારિવારિક થયા હતા. રક્ષાબહેનના પરિવારમાં બધા વ્યવસાયિક રીતે જોડાયેલા અને આર્થિક સ્થિતિ ખૂબ સારી, જ્યારે શાલિનીબહેનનો પરિવાર મધ્યમવર્ગી. છતાં સંબંધોમાં ક્યાંયે આર્થિક સ્થિતિનો અહેસાસ ક્યાંયે ન હતો. એક વાર કોઈ ઉત્સવ પ્રસંગે સહુ બેઠાં હતાં અને રક્ષાએ શાલિનીને કહ્યું, ‘હવે તમે પણ આમ ભાડાના ઘરમાં ક્યાં સુધી રહેશો? સમય આવી ગયો છે, નદી પાર ક્યાંક એકાદ બંગલો બનાવી લો એટલે અમે વાસ્તુના લાડવા ખાવા આવીએ.’ સ્વાભાવિક રીતે મધ્યમવર્ગીય આર્થિક સ્થિતિના વાતાવરણમાંથી આવનાર શાલિનીબહેનને બંગલાનું સપનું જોવાનું કેટલું મોંઘું પડે એનો ખ્યાલ હતો એટલે કહ્યું, ‘અરે અમારે હમણાં તો ભાડાના ઘરમાં જ રહેવાનું છે.’
આમ વાત ત્યારે અટકી ગઈ. થોડા સમય બાદ ફરી બધાં ભેગાં થયા તો કાંતાબહેને ફરી એ વાત ઉપાડી. કહ્યું કે, ‘મારા ભાઈનો એક પ્લોટ વેચવાનો છે, તમે જોઈ આવો, પસંદ પડે તો આ પ્લોટ મારે તમને જ આપવો છે.’ આખરે થોડા દિવસ બાદ શાલિનીબહેન અને તેમના પતિ જમીન જોઈ આવ્યા. પસંદ પડી. પરંતુ એ પેટે ચૂકવવાની થતી રકમ ક્યાં? આખરે કાંતાબહેને એમના ભાઈને ફોન કર્યો, એવું નક્કી થયું કે અત્યારે જેટલી રકમ હાથ ઉપર હોય એ આપી દો, બાકીની રકમ ટુકડે ટુકડે આપજો. દસ્તાવેજ તૈયાર થયો અને ત્રણ-ચાર મહિનામાં બધી રકમ ચૂકવી પણ આપી. ભવિષ્યમાં ત્યાં બંગલો બનાવ્યો, સુખી થયા. આજે પણ શાલિનીબહેન આ ઘટનાને યાદ કરીને એમની બહેનપણી આ બંગલાના નિર્માણ માટે ચાંગળી ચિંધવામાં નિમિત્ત બની હતી એ યાદ કરે છે અને એમના સંબંધો માટે ગૌરવ અનુભવે છે.

•••

ચાર દાયકા કરતાં વધુ સમય પહેલાની આ ઘટનામાં માનવીય સંબંધોની ગરિમા અને હૂંફ પ્રતિબિંબિત થાય છે. માનવીય સંબંધો જ્યારે લોહીના હોય કે લાગણીના, એમાં માત્ર પ્રેમ હોય, સામેના પાત્રને હસતો જોવાની, રાજી જોવાની સંવેદના હોય, સાથે મળીને, વહેંચીને સુખ ભોગવવાનો ઉમળકો હોય, સામેની વ્યક્તિનું શોષણ કરવાની ભાવના ન હોય ત્યારે આવા સંબંધો એકબીજા માટે હકારાત્મક ઊર્જાના વાહક અને જીવન જીવવા માટેનું પ્રેરક બળ બનતા હોય છે.

સામેના પાત્રની જરૂરિયાત સમજીને એ જરૂરિયાત યોગ્ય રીતે પૂરી કરવામાં માનસિક હૂંફ આપવામાં, એના સપનાં પૂરાં કરવામાં નિમિત્ત બન્યાનો આનંદ પ્રગટે છે ત્યારે આસપાસ મૈત્રીના અજવાળાં રેલાય છે.

તેજપૂંજ
એક જ વાર એણે કહ્યું દોસ્ત છું,
પછી મેં ક્યારેય ન કહ્યું વ્યસ્ત છું


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter