ગુજરાતના 33 જિલ્લાના 151 ગામ, નગર, શહેરમાં એકસાથે યોજાયા 151 વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક કાર્યક્રમો.
ગુજરાતના 500થી વધુ સર્જકોએ શાળા-કોલેજ અને યુનિવર્સિટીઓમાં યુવાનો સાથે મળીને કરી માતૃભાષાની વંદના.
ગુજરાતીને રસ પડે એવા ગુજરાતી સાહિત્યના કાવ્ય સંમેલન, વાચિક, પરિસંવાદ, કાવ્યસંગીત, વ્યાખ્યાન જેવા કાર્યક્રમો થકી ગુજરાતી સૂર – શબ્દ પહોંચ્યા અંતરિયાળ ગામો સુધી.
ગુજરાતીઓ હોંશે હોંશે જોડાયા ‘મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં’ અભિયાનમાં.
અને હા, વર્ષોથી જેની પ્રતિક્ષા હતી એ ગુજરાત સાહિત્ય અકાદમીના નૂતન ભવન ‘ઝવેરચંદ મેઘાણી ભવન’નું માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થયું.
ગાંધીનગરમાં સંપૂર્ણપણે સાહિત્યને સમર્પિત એવું આ પાંચ માળનું ભવન સાહિત્યપ્રેમીઓ માટે ઓવારણાં લેવાનું સ્થાન બની રહેશે. ગુજરાતીની સાહિત્યિક અસ્મિતાનું સરનામું બની રહેશે ગુજરાત સાહિત્ય અકાદમીનું નૂતન ભવન.
અહીં ભોંયતળિયે અદ્યતન મ્યુઝિયમ છે, જેમાં ગુજરાતના સર્જકો વિશેની જાણકારી દર્શકોને પ્રાપ્ત થશે. આ મ્યુઝિયમમાં ભારતીય ભાષાઓના સાહિત્યિક ઈતિહાસની યાત્રાને અતિ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી રજૂ કરાશે.
પ્રથમ માળ પર છે ભવ્ય લાઈબ્રેરી. અહીં ગુજરાતી તથા અન્ય ભાષાઓના દુર્લભ પુસ્તકો, સંદર્ભગ્રંથો, સંશોધકો માટે ઈ–રિસોર્સીંગ અને ઈ-લાઈબ્રેરી પ્રાપ્ત હશે. અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકોની જાળવણી અહીં થશે. અહીં સંશોધકો માટે હશે રિસર્ચ કોર્નર. ઈ-બુક્સ અને ઓડિયો બુક્સ પણ અહીં વાંચીને સાંભળી શકાશે.
ગુજરાત સાહિત્ય અકાદમીના અધિકારીઓ માટેની ચેમ્બર – પ્રતિક્ષાખંડ અને કોન્ફરન્સ રૂમ હશે બીજા માળે. ત્રીજા માળ પર ગુજરાત સાહિત્ય અકાદમી અને અન્ય પાંચ અકાદમીના કર્મચારીઓની બેઠક વ્યવસ્થા છે. ચોથા માળે 150 લોકોની સુવિધા ધરાવતો એરકન્ડિશન્ડ સભાખંડ છે, જેમાં સાહિત્યના કાર્યક્રમો યોજાશે. ઓડિયો-વીડિયો રૂમ પણ બન્યો છે જેમાં અકાદમી દ્વારા નિર્મિત સાહિત્યકારોના જીવનકવન પરની ફિલ્મો રજૂ કરાશે.
પાંચમા માળે કાફેટેરિયા હશે જ્યાં વાંચવા - લખવાનો આનંદ પ્રાપ્ત કરી શકાશે. અહીં સાહિત્યરસિકો પરસ્પર સંવાદ કરી શકશે.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગત વર્ષે 300 કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અને 150 પુસ્તકોનું પ્રકાશન કરાયું હતું.
ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઊર્દુ, સિંધી, કચ્છી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત કાર્યરત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તમામ યોજનાઓનું ડિજિટલાઈઝેશન કરાયું છે.
સાહિત્ય માણસને જ્ઞાન–માહિતી, ઈતિહાસ, શિક્ષણ, વિજ્ઞાન વગેરે વગેરેથી સમૃદ્ધ કરે છે. સાહિત્યમાં ઝીલાય છે માનવ મનની સંવેદનાઓનું પ્રતિબિંબ. સાહિત્યમાં પડઘાય છે આપણી આસપાસ બનતી ઘટનાઓનું વાતાવરણ. સાહિત્ય થકી જ માણસ પાસે મળે છે અનુભવોનું ભાથું. પુસ્તકોમાં સમાવિષ્ટ સાહિત્ય માણસને જોડે છે સંસ્કૃતિ - સંસ્કાર સાથે. સાહિત્ય થકી જ સર્જાય છે અનેક ક્ષેત્રે સામાજિક સુધારણાનું કામ.
ગુજરાત સાહિત્ય અકાદમી સતત એ પ્રયાસ કરી રહી છે કે યુવાનો વધુને વધુ સંખ્યામાં સાહિત્ય સાથે જોડાય. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી જોડાય. સાહિત્યમાં સમાયેલી સમજણના દીવડાં જ્યારે વાચકના ચિત્તમાં - મનમાં પ્રગટે છે ત્યારે વાચક – ભાવક – શ્રોતાની આસપાસ શબ્દના અજવાળાં રેલાય છે.