‘મમ્મી તું તારી મનપસંદ જગ્યાએ, મનપસંદ વ્યક્તિ જોડે થોડા દિવસ ફરવા માટે જઈ આવ. મને ખૂબ આનંદ થશે. તને તારી જિંદગી આનંદથી જીવવાનો પૂર્ણ હક્ક છે.’ વામાએ એની મમ્મી યુગ્માને આ વાત કહી અને બંનેની આંખોમાં આંસુનો દરિયો છલકાઈ ઊઠ્યો. બંને એકબીજાને ભેટી પડ્યા. યુગ્માને પોતાની યુવાનીના દિવસો અને એ સમયનો આવો જ સંવાદ, જેના મૂળમાં એના મિત્ર સપન સાથેની દોસ્તી હતી એ યાદ આવી ગયો.
સુરત એટલે એક સમયે સોનાની મૂરત તરીકે ઓળખાતું પ્રતિષ્ઠિત શહેર. ભવ્ય ઐતિહાસિક વિરાસત ધરાવતા આ શહેરે છેલ્લા બે-ત્રણ દાયકામાં અકલ્પનીય વિકાસ સાધ્યો છે. ડાયમંડ, ટેક્સટાઈલ, કેમિકલ, અને રિઅલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં પ્રવેશેલા નવયુવાનો ખૂબ પુરુષાર્થ કરે છે અને એટલો જ પૈસો પણ રળે છે. આવા જ એક ગર્ભશ્રીમંત પરિવારમાં એકની એક દીકરી તરીકે યુગ્માનો જન્મ થયો હતો. માતા-પિતા અતિ ધનિક, પરંતુ સાથે જ ધાર્મિક પણ ખરાં. પરિણામે સંપત્તિ અને સંસ્કારનો યોગ્ય સુમેળ આ પરિવારમાં હંમેશા સચવાયો હતો. શહેરની શ્રેષ્ઠ શાળામાંથી હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ યુગ્માએ મેળવ્યું ત્યાં સુધીમાં તેનામાં અભ્યાસ ઉપરાંત ફોટોગ્રાફી, પર્યટન, ચિત્ર અને નૃત્ય તથા બાઈકિંગ જેવા શોખ ડેવલપ થઈ ચૂક્યા હતા. શાળાએ બસમાં જતી આવતી, પરંતુ અન્ય ટ્યુશન અને ઈત્તર પ્રવૃત્તિઓના ક્લાસમાં તેના મમ્મી કે ડ્રાઈવર મૂકી જતા અને લઈ જતા. શાળાની આ પ્રકારની પ્રવૃત્તિઓમાં તેનો નંબર હંમેશા આગળ પડતો રહેતો. સ્વભાવે સરળ, સીધીસાદી અને વાચાળ હોવાના કારણે એનો મિત્રવર્ગ પણ બહોળો હતો. મિત્રોમાં છોકરાઓ અને છોકરીઓ હતા. હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું થયું અને સારા માર્કસ મેળવ્યા હોવાના કારણે તેને સુરતની પ્રતિષ્ઠિત કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પ્રવેશ મળી ગયો. સમય પસાર થતો ગયો અને એક દિવસ વસંતપંચમીના દિવસે એક યુવાન અને સંસ્કારી દેખાતો છોકરો એની સામે આવીને ઊભો રહ્યો. અચાનક આવું થવાથી એ ચમકી અને સહેજ ડરી પણ ગઈ.
‘મેડમ ડરો નહીં, હું હુમલો કરવા નહીં, દોસ્તી કરવા આવ્યો છું.’ એમ કહીને તેણે સરસ્વતી માતાનો ફોટો, ગુલાબનું ફૂલ યુગ્માને ભેટ આપ્યા. સમય પસારો થતો ગયો. બંને એક જ ક્લાસમાં ભણતા હતા અને રહેવાનું પણ નજીક હતું એટલે વ્યક્તિગતથી લઈને પારિવારિક નિકટતા કેળવાતી ગઈ. બન્નેની દોસ્તી કોલેજ કેમ્પસમાં ચર્ચાતી હતી, પરંતુ ક્યાંક કોઈ દાગ એમણે એમના સંબંધોમાં પડવા દીધો નહોતો.
એક વેકેશનમાં યુગ્મા કંટાળેલી હતી અને ઘરમાં આવીને સપને ઓફર મૂકી કે ચાલ, ચાર-પાંચ દિવસ આપણે થોડા મિત્રો હિમાચલની પહાડીઓમાં ફરવા જઈ અને એ પણ બાઈક પર હરશું-ફરશું, પ્રકૃતિને માણીશું, ખૂબ ફોટા પાડીશું ને આનંદ કરીશું. ઓફર આનંદ આપનારી હતી, પણ એક જુવાન છોકરી આમ એક છોકરા સાથે ફરવા જાય એવો વિશ્વાસ લોકોને કેમ આવે? પરંતુ એ સાથે યુગ્માના મમ્મી એની પડખે રહ્યા. એના પપ્પાએ પણ પ્રોત્સાહન આપ્યું અને મમ્મીએ કહ્યું કે ‘તને ગમતા મિત્ર જોડે તને ગમતા સ્થળે ફરી આવ, મને ગમશે.’
સિનેમાની પટ્ટીની જેમ વિતેલા વર્ષો યુગ્માની આંખ સામેથી પસાર થઈ રહ્યા હતા. યોગ્ય ઉંમરે એના લગ્ન એક કરોડપતિ બિઝનેસમેન સાથે થયાં, એ સમયે સપન સતત સાથે રહ્યો. એ પણ લગ્ન કરીને અમેરિકા સેટલ થયો. બંને વચ્ચે મિત્રતાનો સેતુ કાયમ રહ્યો. એક દિવસ અચાનક કોઈ દુર્ઘટનામાં યુગ્માના પતિનું અવસાન થયું. ઘરમાં યુવાન દીકરી વામાનો જ સહારો હતો. બંને વ્યવસાય સંભાળતા હતા, પણ કશુંક ખૂટતું લાગતું હતું.
એવામાં અચાનક એક દિવસ ઘરની ડોરબેલ રણકી. દરવાજો ખોલીને જોયું તો સામે સપન ઊભો હતો. બંને વર્ષો બાદ મળ્યા હતા. ખૂબ લાગણીથી ભેટ્યા. વાતો કરી. જાણવા મળ્યું કે એ પણ પરિવાર સાથે ફરી સુરતમાં સેટલ થયો છે. એના પત્ની અને દીકરાની આવનજાવન પણ નિયમિત થતી ગઈ અને એક દિવસે યુગ્માને ઉદાસ જોઈને સપને વર્ષો પહેલાં મૂકેલી ઓફર રજૂ કરી કે ‘ચાલ ફરવા જઈએ...’ અને યુગ્માનો મનનો મૂંઝારો પામી ગયેલી દીકરી વામાએ લેખના આરંભે લખેલા શબ્દો કહ્યા હતા.
વેલેન્ટાઈન ડેની અને વસંત ઋતુની ઊજવણી થાય ત્યારે યુવાનો પ્રેમમાં પારાવાર ડૂબી જાય એવા સમયે સાચી મિત્રતા અને પ્રેમના આવા સંબંધો જીવનમાં પ્રેમના દીવડાં પ્રગટાવે છે અને આસપાસ વિશ્વાસના અજવાળાં રેલાય છે.