‘ચાંદ સી મહેબુબા હો મેરી...’, ‘મેરે પહેલે પ્યાર કે નામ યે ગાના ગા દો દોસ્ત...’, ‘ચાંદ કો ક્યા માલુમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર...’ આ ગીતની ફરમાઈશ ઉપર કોઈએ કહ્યું લ્યા આને હજી પ્રેમનો ઘણો પ્રગટ છે હોં! તો કોઈએ વળી વિદેશ ગયેલા પ્રિયતમ માટે ગવડાવ્યું... ‘ચંદા રે મોર પતીયાં લે જા...’ અને એકાએક ઓડિયન્સમાંથી સુરભી સ્ટેજ પર આવી.... માઈક હાથમાં લઈને નીલીમાને જ પૂછ્યું, ‘મેડમ હવે તમે આ તમારા ચાંદ માટે કાંઈ કહો?’
શરદપૂનમની રાત હતી. મહાનગરના એક વિશાળ બંગલામાં સંગીતપ્રેમી શ્રેષ્ઠીને ત્યાં ઉંધીયું-પુરી-ફાફડા અને દૂધ-પૌંઆના ભોજન સાથે સંગીતની મહેફિલ હતી. પ્રસિદ્ધ કલાકારો નીલીમા અને તેના પતિ પ્રતિક સ્ટેજ પરથી ગીતો રજૂ કરી રહ્યા હતા. માંડ સવાસો શ્રોતાઓની સંગત મહેફિલમાં મજાક-મસ્તી-શાયરી-વાતો સાથે ગીતો ગવાઈ રહ્યા હતા ને નીલીમાની સખી સુરભીએ નીલીમાને પ્રશ્ન કર્યો. ઉત્તરમાં એ થોડાક વર્ષો પાછળ સહજ આનંદરૂપે સરી પડી જાણે.
રૂઢિચુસ્ત અને છતાં ખુલ્લા મનના પરિવારમાં એનો ઉછેર. સંગીત-સાહિત્ય-નૃત્ય બહુ ગમે. કોલેજમાં એડમિશન લીધું કોમ્પ્યુટર એન્જિનિયરના ક્ષેત્રમાં એટલે ભણવાનું અને કોલેજથી સીધા ઘરે જવાનું. એને ખબર હતી કે ઘરની રૂપાળી-ગુણિયલ દીકરી માટે પરિવારને કેટલી ચિંતા હોય!
એવામાં એનો પરિચય થયો થર્ડ યરમાં ભણતા પ્રતિક સાથે. પહેલી નજરે જ બંનેને લાગ્યું ‘હવે અમે એકબીજાનો પરિચય નહીં કરીએ તો નહીં ચાલે.’ પરિચયો થયા. નિકટતા કેળવાઈ. ડાહી અને સમજુ દીકરી નીલીમાએ પોતાની રીતે એના વિશેની બધી જાણકારી મેળવી લીધી, પછી પાક્કી દોસ્તી કરી અને એ પણ મમ્મી-પપ્પાની અનુમતી સાથે. મિત્રો સાથે ધમાલ-મસ્તી, સિનેમા કે કાર્યક્રમો જોવા જવું, એકબીજાના પરિવાર સાથે લંચ કે ડિનરમાં મળવું, આ બધું સાહજિક થતું ગયું. એના મમ્મી-પપ્પાને પણ દોઢ-બે વર્ષના પરિચયમાં ખાત્રી થઈ ગઈ પ્રતિકના વાણી-વર્તન-વ્યવહારમાં સમાયેલા ચારિત્ર્ય અને ઈમાનદારી જેવા સદગુણોની. પરિણામ પ્રતિકે આ પરિવારનો પૂર્ણ વિશ્વાસ પ્રાપ્ત કરી લીધો.
પ્રતિકે ગિટાર વગાડવાના શોખને વ્યવસાયમાં પણ પરિવર્તિત કર્યો અને નીલીમા એની સાથે જોડાઈ એક સૂરીલી ગાયિકા રૂપે. બંનેની સ્વતંત્ર ઓળખ ઊભી થઈ ગઈ એમના શહેરમાં અને બહારગામ પણ.
આવી જ એક શરદપૂનમની રાત્રે કોઈના ફાર્મહાઉસમાં કાર્યક્રમ પ્રસ્તુતિ માટે બંને ગયા હતા. એમની ટીમને લઈને. હજુ કાર્યક્રમને વાર હતી એટલે બંને ફાર્મમાં કેડી પર થોડે દૂર ચાલવા નીકળ્યા હતા. ઉપર આકાશમાંથી ચાંદની વરસતી હતી અને નીચે નીલીમાના રૂપની ગરવાઈ જાણે વધુ શોભિત થઈ રહી હતી. એવામાં અચાનક પગમાં ઠેસ આવી અને નીલીમા ગબડી. પણ સાથે જ ચાલી રહેલા પ્રતિકે જાણે ફિલ્મી સ્ટાઈલમાં જ એને ઝીલી લીધી. ગભરાયેલી નીલીમા વળગી પડી પ્રતિકને. બે-ત્રણ મિનિટ બધું જ નિઃસ્તબ્ધ હતું. ‘સારું થયું તેં મને પડવા ન દીધી.’ નીલીમાએ કહ્યું.
પ્રતિકે જવાબ આપ્યો, ‘સાચો મિત્ર જ એ છે કે જે હંમેશા મિત્રોને ઝીલવાનું કામ કરે છે.’ એ ક્ષણે આવેગ કે આવેશમાં ઘણું બધું બની શક્યું હોત, પરંતુ પ્રતિકે હંમેશ મુજબ દાખવેલી એની સ્વસ્થતા, સંસ્કાર, વિવેક અને વ્યવહાર જેવા સદગુણોને કારણે નીલીમાના હૈયામાં પ્રતિક માટેનું સન્માન હવે પ્રેમમાં પરિવર્તિત થઈ ચૂક્યું હતું. એને પ્રથમવાર પ્રેમની અનુભૂતિ થવા માંડી હતી. આછકલાઈ વિનાનું પ્રેમાળ અને સાહજિક વર્તન આખરે નીલીમાને પ્રતિક સાથે લગ્નની મંગલવેદી સુધી લઈ ગયું. કોઈને પણ મીઠી ઈર્ષ્યા થાય એવું એન્જિનિયરિંગ અને સંગીતક્ષેત્રનું એમનું જીવન બની રહ્યું હતું. ગુલાબના અને જુઈના ફૂલ જેવી મહેંકતી દીકરી જન્મની પરિવારમાં ને એ આજે ધોરણ દસમા અભ્યાસ કરતી થઈ છે.
સુરભીએ એક નાનકડો સ્મૃતિનો તાર છેડ્યો અને નીલીમા વર્ષો પહેલાની શરદપૂનમની રાત્રિની એ ઘટનાથી જાણે ફરી રોમાંચિત થઈ ગઈ. બંનેએ સાથે ફરીને ગીતો ગાવાનું શરૂ કર્યું.
‘નૈન કા ચૈન ચુરાકર લે ગઈ,
એક રાત મેં દો દો ચાંદ ખીલે
યે રાત યે ચાંદની ફિર કહાં....’
અવકાશમાંથી ચાંદની વરસતી હતી, દુધ-પૌંઆની થાળીઓ પર એ શીતળતા પ્રસરાવી રહી હતી અને આ તરફ નીલીમા-પ્રતિક ચાંદીના મદભર્યાં ગીતો થકી અજવાળું રેલાવી રહ્યા હતા.