એના ઘર પાસેના મેદાનમાં ટ્રકોની મસમોટી લાઈનો થઈ ગઈ છે, ટ્રકોમાંથી ઉતરીને ડ્રાઈવર અને ક્લિનર ભાઈઓ વિશેષરૂપે બનાવેલા મંડપમાં આવી રહ્યા છે. એ તમામનું યજમાન મહિલા પ્રેમપૂર્વક સ્વાગત કરી રહી છે. એ મહિલા આજ સુધી આમ તો સામાન્ય મહિલા જેવી જ હતી, પણ એના પુરુષાર્થ અને પરમાત્માની કૃપાથી આજે હવે એ વિશ્વભરમાં જાણીતો ચહેરો બની ગઈ છે. હા, વાત કરી રહ્યો છું તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓની ૪૯ કિ.ગ્રા. કેટેગરીમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનાર ગૌરવશાળી મહિલા ખેલાડી મીરાબાઈ ચાનુની.
સાઈખોમ મીરાબાઈ ચાનુ મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં રહે છે. બાળપણથી જ એનું લક્ષ્ય અને રૂચિ વેઈટ લિફ્ટિંગમાં હતાં. ભારતમાં રહીને મીરાબાઈ ચાનુએ વેઈટ લિફ્ટિંગ માટે શ્રેષ્ઠ તાલીમ લેવાની હતી. એની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં એના ગામથી મુખ્ય શહેર સુધી તાલીમ માટે જવું પડતું ત્યારે વાહન માટેના પૈસા ન હતા. એવા સમયે મીરાબાઈને મદદે આવ્યા હતા હાઈવે પરના ટ્રક ડ્રાઈવરો... ટ્રક ડ્રાઈવરો અને ક્લિનરોએ એને ટ્રકમાં લિફ્ટ આપી હતી અને એ રીતે એ તાલીમના સ્થળે પહોંચતી હતી. પછીથી એનું કામ બોલતું ગયું, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં એ મેડલ જીતતી થઈ. ભારત સરકારે એને પદ્મશ્રી એવોર્ડ પણ આપ્યો... બીજા એવોર્ડ્ઝ પણ મળ્યા અને આખરે તેના કોચની અને મીરાબાઈની મહેનત રંગ લાવી. ટોક્યો ઓલિમ્પિક્સમાં તેણે સિલ્વર મેડલ જીત્યો.
દેશમાં અને ગામમાં એનું ભવ્ય સ્વાગત થયું. મીરાબાઈને વિચાર આવ્યો કે મારી સફળતામાં પેલા ટ્રક ડ્રાઈવરોનો પણ ફાળો છે. તપાસ શરૂ કરી, સંપર્કો કર્યા ને આખરે ૧૫૦ જેટલા ટ્રક ડ્રાઈવર્સ અને ક્લિનર્સ એના આમંત્રણથી એના ખાસ મહેમાન બન્યા. બધાને માનભેર ભોજન કરાવ્યું - ગિફ્ટ આપી અને વિશ્વવિજેતા ખેલાડી મીરાબાઇએ ટ્રક ડ્રાઈવરો અને ક્લીનર્સને પગે લાગીને તેમના પ્રત્યે આભાર અને અહોભાવ પ્રગટ કર્યા. એક અદભૂત દૃશ્ય હતું, જેમાં મીરાબાઈના સંસ્કાર-ગરિમા-સરળતા અને વિવેક ભારોભાર છલકાતા હતા. સહુ કોઈના માટે મીરાબાઈએ જાણે એક અદભૂત આદર્શરૂપ દાખલો બેસાડ્યો હતો.
કબીર સાહેબે લખ્યું છે,
દીન ગરીબી બંદગી
સાધુન સો આધીન,
તા કે સંગ મૈંયોં રહું
જ્યોં પાની સંગ મીન
અહંકારથી મુક્તિ એ જ દીનતા છે. વિવેકી માણસ સહુને વહાલો લાગે છે.
માણસ પોતાના ક્ષેત્રમાં ગમેતેટલો મોટો થાય, પણ જો એ નમ્રતાના ગુણને, વિવેકના ગુણને આત્મસાત્ કરીને રાખે તો એના વ્યક્તિત્વની સુગંધ ચારેકોર ફેલાય છે. પુરુષાર્થ સફળતા જરૂર અપાવે, પણ એ સફળતા કે સિદ્ધિ પામવામાં જેમણે જેમણે કોઈ ને કોઈ રીતે યોગદાન આપ્યું હોય એમનું સ્મરણ થાય, એમના પ્રત્યે અહોભાવ પ્રગટ થાય ત્યારે માણસમાં રહેલા પોતીકા સંસ્કારના ને વિવેકના અજવાળાં રેલાય છે.