‘નીલે ગગન કે તલે....’ ગીત માટે માટે મહેન્દ્ર કપૂરને ફિલ્મફેર પુરસ્કાર મળ્યો તો એક સિનિયર ગાયકે એમના ઘરે જઈને અભિનંદન આપ્યા હતા. લતા મંગેશકર કરતાં એ ઉંમરમાં અને કારકિર્દીમાં મોટા હતા તો પણ કાયમ લતા દીદી જ કહેતા. મહાન ક્રિકેટર એમ. એસ. ધોની જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી વિદાય લે છે ત્યારે એક વીડિયો બનાવીને સોશીયલ મીડિયામાં મુકે છે, એમાં સ્વર છે એ ગાયકનો. હા... વાત છે મુકેશજીની. મૂળ નામ મુકેશચંદ્ર માથુર, પણ પુરી દુનિયા એમને મુકેશના નામે ઓળખે છે. ત્રણેક દાયકા શ્રોતાઓના હૃદય પર છવાયેલા રહ્યા જ્યારે જીવીત હતા. ડેટ્રોઈટમાં અવસાન થયું એ પછી પણ એ એટલા જ છવાયેલા છે શ્રોતાઓના હૃદયમાં.
૨૭મી ઓગસ્ટ એમણે આ ધરતી પર અંતિમ શ્વાસ લીધો એ ઘટનાને આજે ૪૪ વર્ષ થયા... પરંતુ મુકેશના ચાહકો વધતા રહ્યા. એના ગીતોની લોકપ્રિયતા પણ વધતી રહી. મુકેશજીના ગીતોને સ્ટેજ શોમાં રજૂ કરનારા ગાયક કલાકારોને પણ આજે લોકો એટલો જ પ્રેમ આપે છે એમના મૂળમાં મુકેશજીના ગીતોના અદાયગી - બંદિશ - શબ્દો અને મુકેશજીનું વ્યક્તિત્વ છે. અવાજમાં જેટલી મધુરતા હતી એટલી જ મધુરતા એમના સ્વભાવમાં પણ હતી.
બાળપણમાં એમના બહેન સુંદર પ્યારીને સંગીત શીખવવા આવતા શિક્ષકે મુકેશનું ગાયન ક્ષેત્રે હીર પારખ્યું. ધોરણ દસ સુધી ભણ્યા અને પારિવારિક સ્વજન ગાયક-અભિનેતા મોતીલાલની આંગળી ઝાલીને મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો.
૧૯૪૧માં ફિલ્મ નિર્દોષ માટે પાર્શ્વગાયનનો આરંભ કર્યો, પરંતુ ઓળખ તો થઈ ૧૯૪૫થી સાલના દિલ જલતા હૈ તો જલને દે ગીતથી... એ પછી સદાબહાર ગીતોની યાત્રા અવિરત ચાલુ રહી.
માનવીય સંબંધોના - લાગણીના વિવિધ સ્વરૂપો, ફિલોસોફી - ધર્મ - દેશપ્રેમ - દર્દ-વિરહ - પ્રેમ કેટકેટલા ભાવોથી શોભિત ગીતો એમણે આપણને અદભૂત વિરાસતમાં આપ્યા છે. આજની યુવાપેઢીને અરિજિત સીંગ, નેહા કક્કર કે હની સીંગમાં પોતાનો અવાજ પડઘાતો લાગે એમ ૫૦થી ૭૦ના સમયમાં યુવાનોને મુકેશમાં પોતાનો અવાજ સંભળાતો હતો. રાજ કપૂરને હીરો તરીકે લોકપ્રિય કરવામાં મુકેશના સ્વરનો પણ મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. એચએમવી માટે શ્રી તુલસીદાસજી રચિત રામચરિત માનસની આઠ એલપી રેકોર્ડસમાં પણ એમનો ભાવપૂર્ણ સ્વર ભક્તિમય રીતે જોડાયો.
ગુજરાતી ભાષામાં એમણે ગાયેલા ફિલ્મી-ગૈરફિલ્મી ગીતોની યાદીમાં થોડીનું આચમન કરીએ તો, સજન મારી પ્રીતડી..., આવો તોય સારું..., આવો રે ઓ ચીતડું..., નૈને નૈન મળે જ્યાં..., હરિ હળવે હળવે..., પંખીડાને આ પીંજરું..., મૈત્રીભાવનું..., અને ભાંગતી રાતે કે લોંગ ડ્રાઈવ પર સાંભળવા ગમે એવા હિન્દી ગીતોમાં કઈ બાર યું ભી દેખા હૈ..., એક પ્યાર કા નગમા હૈ..., ચાંદ સી મહેબુબા..., સજનવા બૈરી હો ગયે..., વો તેરે પ્યાર કા ગમ..., સબ કુછ શીખા હમને... મોટા ભાગે તમામ ગીતકારો-સંગીતકારો-અભિનેતાઓ માટે ગાયું.
દર્દ-હતાશા-નિરાશા જેવા પ્રેમીઓના હૃદયના ભાવોને સીધીસાદી રીતે એવી સરળતાથી ગીતોમાં એમણે રજૂ કર્યા કે સાંભળનાર જો દુઃખી હોય, પ્રેમના વિરહમાં હોય તો એને એવું જ લાગે કે આ ગીતમાં તો મારી જ વાત કહેવામાં આવી છે.
સંગીતના અભ્યાસુઓ કહે છે કે મુકેશમાં મહંમદ રફી જેવો સ્વરોનો વિસ્તાર, મન્ના ડે જેવા પાક્કા સૂર અને કિશોરકુમાર જેવી મસ્તી ન હતી. છતાં એ જ કાલખંડમાં શ્રેષ્ઠ ગાયક બન્યા કારણ કે એમના અવાજમાં મૌલિકતા અને સહજતા હતી, જે ગાતા એ દિલથી ગાતા. અભ્યાસુઓ કહે છે કે ગાયકની સાર્થકતા, એમના ગીતો સાથે શ્રોતા ઓતપ્રોત થાય ને ગીતો ગાવા માંડે એમાં છે. મુકેશજી એ રીતે સાર્થક હતા.
મુકેશજીના ગીતો રજૂ કરનારા કલાકારો ડો. કમલેશ આવત્સથી, મુખ્તાર શાહ, સલીમ મલીક, રાજેન્દ્ર ઓઝા, કેતન આવત્સથી, રાજેશ વૈષ્ણવ તથા અન્ય સાથે કોમ્પેર તરીકે પ્રસ્તુતિ કરવાની આવે ત્યારે મુકેશજીના વ્યક્તિત્વના મીઠાં સંભારણાથી સભર થવાય, એમના ગીતોના અજવાળાં જ્યારે જ્યારે એમના સ્વરના ગીતો સાંભળું ત્યારે રેલાય...