‘પપ્પા, જ્યારે જ્યારે મન વિચલિત થાય, ડર લાગે, બીક લાગે ત્યારે ત્યારે હનુમાન ચાલીસ ગાવા એવું તમે જ તો અમને શીખવ્યું છે. ચાલો ગાઈએ...’ કોઈ એક પ્રસંગે દીકરીએ આવું કહ્યું ત્યારે બાળપણ સ્મૃતિમાં આવી ગયું. નાનીમા હીરાબાએ કહ્યું હતું, ‘બેટા, જ્યારે જ્યારે ડર લાગે, સંકટ આવે ત્યારે ત્યારે હનુમાનદાદાને યાદ કરવા...’ બસ ત્યારથી એ સ્વરૂપ સાથે સાહજિક અને સતત ભાવ થયો. સાળંગપુર હનુમાનજી મંદિરે જતા થયા કિશોરવયે. યુવા અવસ્થાથી પૂજ્ય મોરારિબાપુનું અને તલગાજરડા હનુમાનજીનું સાનિધ્ય મળ્યું. આમને આમ હનુમંત ચરિત્રમાં શ્રદ્ધા વધતી ગઈ.
હનુમાનજીનું બાળપણ અદ્ભૂત છે. બાળપણના સાહસની અનેક ઘટનાઓ પૈકી સૂરજને ગળી જવાની ઘટના વિશે હનુમાન અષ્ટકમાં લખાયું.
બાલ સમય રબિ ભક્ષ લીયો... એમાં અંતમાં ગવાય છે, ‘કો નહિ જાનત હૈ, જગ મેં કપિ સંકટ મોચન નામ તિહારો...’ એ બંદર નથી, એ તો એનું રૂપ છે. પૂજ્ય મોરારિબાપુએ કથાઓમાં કહ્યું છેઃ ‘હનુમંત આશ્રય ખૂબ કરો, પ્રાતઃ કાળે પૂર્વાકાશમાં સૂર્યોદયની પહેલાં જે લાલીમા પ્રસરે છે, એ સાક્ષાત હનુમાનજીનું સ્વરૂપ છે.’
પૂર્ણાવતાર ભગવાન શ્રીરામના અત્યંત પ્રિય છે હનુમાન. હનુમાનજીની સાધનાના-વંદનાના અનેક શ્લોક-સ્તોત્ર-દોહા-સોરઠા-આરતી તથા પદો પુરાણોથી લઈને આજ સુધીના સર્જનોમાં વાંચવા મળે છે. ભક્તો એના પાઠ કરે છે, હનુમાનજી સ્મરણ કરે છે અને ભક્તિથી-પ્રસન્નતાથી સભર થાય છે.
હનુમાનજી આપણને ડર ઉપર વિજય અપાવે છે, આપણા રોજિંદા જીવનમાં આપણને રોજેરોજ નવા નવા સમય - સંજોગ - માણસો - ગામ - પરિસ્થિતિમાં કામ પાડવાનું હોય છે. સ્વાભાવિક છે દરેક ક્યાંકને ક્યાંક કોઈકને કોઈક ભય સતાવે છે. આપણને સાચો - ખોટો, કાલ્પનિક કે વાસ્તવિક ડર ધ્રુજાવી દે છે. આવા સમયે હનુમાનજીનું સ્મરણ આપણને આ ડર ઉપર વિજય અપાવે છે.
બળ - બ્રહ્મચર્ય - પરાક્રમ - વીરતા - નીડરતા - ભક્તિના - અનુગ્રહના દાતા છે હનુમાનજી. તેમનું અખંડ સ્મરણ આપણને આધિવ્યાધિ, આપત્તિ, ભય, કલેશથી મુક્તિ આપે છે. મનના - વિચારોના ભય અને પરિસ્થિતિઓનું સંકટ નાશ પામે છે. સર્વ રોગ નિવારણ માટે જ હનુમાન ચાલીસામાં ગવાયું છે.
‘નાસે રોગ હરે સબ પીરા,
જપત નિરંતર હનુમંત બીરા
સંકટ સે હનુમાન છુડાવે
મન કર્મ બચન ધ્યાન જો લાવે....’
એ દુઃખ હરે છે ને પ્રાણમાં વિશ્વાસ ભરે છે, બળ આપે છે. હનુમંતજી પ્રાણતત્વ છે, વાયુતત્વ છે અને એથી સર્વવ્યાપક છે. શત્રુ પર વિજય અપાવે છે. અગત્સ્ય ઋષિ રામાયણમાં હનુમાનજી માટે રામને કહે છે ‘બળ - બુદ્ધિ અને ગતિમાં એમના સમાન કોઈ નથી.’
હનુમંત યાગ નિમિત્તના એક પ્રવચનમાં પૂજ્ય મોરારિબાપુએ કહ્યું છે તેની નોંધ ‘હનુમંત દર્શન’ પુસ્તકમાં છે કે ‘બે-ત્રણ વસ્તુ હનુમાનજીના જીવનમાંથી શીખીએ, (૧) દ્વેષમુક્તચરિત્ર, (૨) કલેશરહિત જીવન (૩) અરોષવૃત્તિ.’
હનુમંત ચરિત્રમાંથી સતત કાંઈકને કાંઈક શીખતા રહીએ, પામતા રહીએ, સભર થતાં રહીએ અને એનું સ્મરણ કરતાં રહીએ. ડરમુક્ત બનતા રહીએ.
•••
પૃથ્વી પર વસતા માનવો પૈકી મોટા ભાગના લોકો પોતપોતાના વ્યક્તિગત શ્રદ્ધા - આસ્થા - ધર્મ - સંપ્રદાયને અનુરૂપ ક્યાંકને ક્યાંક કોઈને કોઈ મૂર્ત કે અમૂર્તમાં શ્રદ્ધા ધરાવતા હોય છે. આવું જ એક સ્વરૂપ શ્રી હનુમાનજીનું છે અને અગણિત ભક્તોને એમનામાં આસ્થા છે. ગામ દેવ તરીકે પૂજાય છે ભારતીય સંસ્કૃતિમાં હનુમાનજી, એથી જ મોટા ભાગે ગામડામાં ગામને સીમાડે હનુમાનજીનું મંદિર હોય જ. હનુમાન ચાલીસામાં લખાયું છે..
‘તુમ્હારે ભજન રામ કો પાવે
જનમ જનમ કે દુઃખ બિસરાવે’
આ ચોપાઈમાં આવી પંક્તિઓમાં શ્રદ્ધા જાગે ત્યારે આસ્થાના અજવાળાં પ્રાણતત્વમાં રેલાય છે.