‘ડેડી, હું તમારી સાથે રોજે-રોજ બુક ફેરમાં આવીશ, પુસ્તકો ખરીદીશ, ચેકબુકથી પૈસા આપવાની તૈયારી રાખજો...’ હસતાં હસતાં ટીખળી દીકરી સ્તુતિએ ડેડીને કહ્યું.
વાત પણ એટલી જ રસપ્રદ હતી. અમદાવાદમાં નેશનલ બુક ફેર ૨૦૧૭-અમદાવાદ બુક ફેરરૂપે આયોજિત થયો. નિમંત્રણ ઘરે આવ્યું ને આ સંવાદ ઘરમાં થયો. અગિયારમા ધોરણમાં અભ્યાસ કરી રહેલી દીકરીની પુસ્તકવાંચન માટેની ઉત્કંઠા એમાં પ્રતિધ્વનિત થતી હતી. આ ઉંમરે એણે અંગ્રેજી ભાષાના ઝાઝા અને ગુજરાતી-હિન્દી ભાષાના ઓછા, પણ અનેક પુસ્તકો વાંચીને એનો સાર ગ્રહણ કર્યો છે, એથી જ આ પળોના કારણે વિક્સેલી બુદ્ધિ અને અવલોકનો તથા અભ્યાસ નિયમિતરૂપે ઝલકે છે.
‘વાંચે ગુજરાત’ અભિયાન હેઠળ વર્ષ ૨૦૧૨માં તત્કાલીન મુખ્ય પ્રધાન અને હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ નેશનલ બુક ફેરનો શુભારંભ કરાવ્યો હતો. એ સમયથી આ જ સુધી યોજાયેલા તમામ પાંચે નેશનલ બુક ફેરમાં પુસ્તકપ્રેમીઓનો અપ્રતિમ લોક પ્રતિસાદ સાંપડ્યો છે. કેટલાય એવા વાચકો છે, શ્રોતાઓ છે, સાહિત્યપ્રેમીઓ છે જેઓ આ તમામ પુસ્તક મેળામાં નિયમિત ગયા છે. એમણે અહીં વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોમાં રજૂ થતી વાતોને સાંભળી છે-માણી છે અને યાદ પણ રાખી છે. ગાયકદંપતી વિપુલ અને નિહારિકા આચાર્ય સાંગીતિક કાર્યક્રમોમાં અહીં ઉપસ્થિત હોય જ. એ જ રીતે ધ્વનિ-રાજવી-કીર્તિ જેવી અનેક સખીઓ ભલે અંગ્રેજી માધ્યમમાં ભણી હોય પરંતુ અહીં પદ્મશ્રી ભીખુદાન ગઢવીના લોક સાહિત્યને માણવા અચુક આવે જ. એન્જિનિયરિંગ સ્ટુડન્ટ વિરલ જોશી માટે તો બુક ફેર જાણે ઉત્સવ થઈને આવે છે.
ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર અમદાવાદ ખાતે ૧થી ૭ મે દરમિયાન યોજાયેલા નેશનલ બુક ફેરની વિશેષતા એ કે સંપૂર્ણપણે વાતાનુકૂલિત વેન્યુમાં ગોઠવાયો છે. વિખ્યાત પ્રકાશકોના બુક સ્ટોલ એમાં હોવા ઉપરાંત ફૂડ કોર્ટ, બાળકો માટે વિશેષ કાર્યક્રમો પણ છે. આ ઉપરાંત લેખક સાથે સંવાદ, મૂર્ધન્ય કવિઓના કાવ્યોનું પઠન, મૂર્ધન્ય શાયરોની ગઝલોનું પઠન, જાણીતા લેખકોની વાર્તાઓનું વાંચન અને વક્તવ્ય, વાર્તાકથન, ચિત્ર સ્પર્ધા-બાળગીતો-સ્વચ્છતા નાટક, આર્ટ એન્ડ ક્રાફ્ટ તથા સાયન્સ ગેમ ક્વિઝ પણ આનંદ આપે છે. રોજ સાંજે યોજાતા ‘ત્રિવેણી’ કાર્યક્રમમાં વિવિધ લેખકોના પ્રવચનો, ગુજરાતી કાવ્ય-સંગીતના ગીતોનું ગાન, પ્રાચીન-અર્વાચીન સંતવાણી, હિન્દી ફિલ્મોના કાવ્યતત્વથી સભર ફિલ્મી ગીતો અને લોકગીતો તથા જાણીતા શાયરો દ્વારા પ્રસ્તુત મુશાયરાનો લાભ વિનામૂલ્યે શ્રોતા-દર્શકોને મળે છે.
સુરતથી રીટા ત્રિવેદી કહે છે કે, ‘આ નિમંત્રણ વાંચીને અમદાવાદ દોડી આવવાનું મન થાય છે.’ તો હાલ અમેરિકા રહેતા જાણીતા લેખિકા ઉષા ઉપાધ્યાય કહે છે, ‘આ વર્ષે અમદાવાદના નેશનલ બુક ફેરનો લ્હાવો મને નહીં મળે એની ખોટ રહેશે.’ ભારતના બહુભાષી પ્રકાશકોએ અહીં સ્ટોલ્સ ઊભા કર્યા જેનો લાભ દર્શકોને-વાચકોને મળ્યો. અમદાવાદના મેયર ગૌતમભાઈ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ પુસ્તક મેળાના આયોજનને મુખ્ય પ્રધાન-નાયબ મુખ્ય પ્રધાન તથા પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા અને પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે બિરદાવ્યું.
•••
પુસ્તકો એના વાચકના જીવનમાં અજવાળું પાથરે છે, પુસ્તકો સારા-માઠાં સમયે ઉત્તમ મિત્ર બની રહે છે. પુસ્તકો નવી દિશા, નવા વિચાર આપે છે અને તેથી જ કહેવાય છે કે પુસ્તકો જેવો સંગ બીજો એકેય નથી.
પુસ્તકો વાંચવાની ઉત્કંઠા હોવી અને એ માટેનું વાતાવરણ મળવું એવો સુભગ સમન્વય આવા બુક ફેરમાં થતો હોય છે. બુક ફેરનો ફાયદો એ હોય છે કે એક જ સ્થળે એક સાથે અલગ અલગ ભાષાના પુસ્તકો વાંચવાનો-લેખકોને-કલાકારોને મળવાનો અવસર મળતો હોય છે.
આ પ્રકારના આયોજનો થકી જ સમાજમાં વાંચન માટેની અભિરૂચી કેળવાય છે. જીવન માટે જરૂરી હકારાત્મક મૂલ્યોનું, સદગુણોનું ને સંસ્કારોનું સંવર્ધન થાય છે. આવું થાય ત્યારે એનો લાભ મેળવનારની આસપાસ જ્ઞાનના અજવાળાં રેલાય છે.