‘ધ ગ્રેટેસ્ટ શો મેન’ તરીકે ઓળખાતા અભિનેતા, નિર્દેશક અને નિર્માતા રાજ કપૂરના ઇન્ટરવ્યૂમાંની એક ક્લિપ હમણાં જોઈ. એમાં તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘મેરા નામ જોકર’ વિશે વાત કરે છે. આ નાનો ઇન્ટરવ્યુ સાંભળીને હું મારા બાળપણના સમયમાં પહોંચી ગયો. નવ વર્ષની ઉંમરે ૧૯૭૧ના આરંભે ભાવનગરના બંદર રોડ પરના સિનેમામાં એક વાર મારા પપ્પા સાથે અને બીજી વાર મારા મામા સાથે આ ફિલ્મ જોઈ હતી. એ પછી પણ બે-ત્રણ વાર આ ફિલ્મ મનભરીને જોઈ છે, અને દર વખતે કોઈને કોઈ જીવનસંદેશ પ્રાપ્ત થયો છે. વર્ષોસુધી જોકરનું એક સ્ટેચ્યૂ પણ અમે ઘરમાં રાખ્યું હતું.
૧૮ ડિસેમ્બર ૧૯૭૦ના રોજ રજૂ થઈ હતી આ ફિલ્મ... ભારતીય સિનેમાની સૌથી લાંબી ફિલ્મ. બે ઇન્ટરવલ હતા. ફિલ્મ રજૂ થઈ ત્યારે ૪ કલાક ૪૩ મિનિટની હતી. બે સપ્તાહ પછી ટૂંકાવીને ૪ કલાક ૯ મિનિટની થઈ અને પછી ૧૯૮૬માં ૧૭૮ મિનિટની ફિલ્મ દર્શાવવામાં આવી એવા ઉલ્લેખો મળે છે. એ સમયે રાજ કપૂરે પોતાનું સર્વસ્વ આ ફિલ્મ માટે દાવ પર લગાવી દીધું હતું. ફિલ્મ સમીક્ષક પ્રહલાદ અગ્રવાલે લખ્યું છે ‘એક નિર્દેશક અને કલાકારના રૂપમાં રાજ કપૂરે પોતાની જિંદગીનું બધ્ધું જ ‘જોકર’માં આપી દીધું. ફિલ્મ અસફળ થઈ, પરંતુ આ ફિલ્મમાં રાજ કપૂરે પોતાના વ્યક્તિત્વ અને રચનાત્મક કૌશલ્યને અભિવ્યક્તિ કર્યું છે.’
ખ્વાજા અહમદ અબ્બાસની વાર્તા અને પાત્રલેખન, જોકરના જીવનની કરુણ અભિવ્યક્તિ, ભવ્ય ફોટોગ્રાફી, અર્થપૂર્ણ અને પ્રેમથી છલકતું સંગીત, અદભૂત અભિનય અને એક એક ફ્રેમમાંથી પ્રગટતો કોઈને કોઈ માર્મિક, તાત્વિક સંદેશ. એ સમયે રાજ કપૂરને દેવામાં ડૂબાડી ગયેલી આ ફિલ્મ સર્વકાલીન પુરવાર થઈ. આજે યુવાનો પણ એટલી જ જુએ છે.
આ ફિલ્મ વિશેના અનેક ઈન્ટરવ્યૂઝ અને કાનોકાન વહેતી થયેલી વાતોમાં ક્યાંક એવી વાત પણ પ્રતિધ્વનિત થાય છે કે આ ફિલ્મમાં ક્યાંક, ક્યાંક રાજ કપૂરના જીવનની ઘટનાઓ પણ ફિલ્મમાં વ્યક્ત થઈ છે.
ફિલ્મમાં જોકર બનતાં રાજુનું દિલ એક - બે - ત્રણ વાર તૂટે છે, જેમિની સર્કસમાં કામ કરતો રાજુ સર્કસ છોડે છે અને અંતે ફરી એ જ સર્કસમાં આવે છે. ત્રણ સ્ત્રી પાત્રો જેમની પ્રત્યે આકર્ષણ થયું હતું, પ્રેમ થયો હતો એને એક શોમાં બોલાવે છે. અદભૂત ડાયલોગ્સ અને ‘જીના યહાં મરનાં યહાં, ઇસકે સિવા જાના કહાં...’ ગીત સાથે ફિલ્મ વિરામ લે છે. જોકર હંમેશાં દુનિયાને હસાવતો રહ્યો છે, હસાવતો રહેશે એ વિશ્વાસ અને આંખોમાં કરુણાની ભીનાશ સાથે દર્શકના મનમાં ફિલ્મ પૂરી થતી નથી, જોકર હૃદયમાં જીવંત રહે છે. બાહર-ભીતર એ જોકરનું પાત્ર જાગૃત રહીને જીવન જીવવા માટેનું પાથેય પૂરું પાડે છે.
ફિલ્મના ગીતો આજે પણ શ્રોતાઓના હૃદયમાં એટલા જ તાજા છે, ‘કહેતા હૈ જોકર...’, ‘જાને કહાં ગયે વો દીન...’, ‘એ ભાઈ જરા દેખ કે ચલો...’, ‘તીતર કે દો આગે તીતર...’, ‘દાગ ના લગ જાયે..’, ‘મોહે અંગ લગ જા...’ અને ‘સદકે હીર તુજ પે...’ આહાહા... સાચ્ચે જ મેસ્મેરાઈઝ્ડ કરી દે એવા ગીતો છે આ ફિલ્મના. કહેવાય છે કે રાજ કપૂર આ ફિલ્મની સિક્વલ બનાવવાના હતા, એમણે થોડા વધુ ગીતો પણ રેકોર્ડ કરી રાખ્યા હતા, પણ આ ફિલ્મ ચાલી નહીં અને એ ગીતો આમ જ રહી ગયા.
સીમી ગરેવાલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘રાજ કપૂર એક એક ડાયલોગ પર ધ્યાન રાખતા. એક દૃશ્યમાં નાનો રાજુ (ઋષિ કપૂર) મને કહે છે કે યે મૈં હું ઇસે અપને પાસ રખીયેગા... એ વાક્યના જવાબમાં શું વાક્ય હોય? મને કહ્યું તમે કહો, મેં કીધું કે બહોત પ્યારા હૈ, તુમ્હારી તરહ... એમને એ વાક્ય ગમ્યું ને એ જ રાખ્યું.’
આ ફિલ્મનું શુટીંગ છ વર્ષ ચાલ્યું હતું. દિલ્હીના રિગલ સિનેમામાં RKની ફિલ્મોના પ્રિમિયર થતા હતા. આ થિયેટર ૨૦૧૭માં બંધ કરાયું ત્યારે દર્શકોની માંગથી છેલ્લા બે શો RKની ફિલ્મો ‘સંગમ’ અને ‘મેરા નામ જોકર’ના રખાયા હતા.
રાજ કપૂરે હિન્દી સિનેમા ઇન્ડસ્ટ્રીમાં એક નોખો રાજમાર્ગ ચાતર્યો. માત્ર ભારત નહીં વિદેશોમાં પણ રાજ કપૂરની અપાર લોકપ્રિયતા હતી. રાજ કપૂર એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે ‘વૈસે તો માં કો અપના હર બચ્ચા પ્યારા હોતા હૈ, મગર જો આગે નહિ ચલતા વો આપકે દિલ કે કરીબ આ જાતા હૈ. મેરી ફિલ્મોમેં એક તસવીર હૈ મેરા નામ જોકર જો મુઝે બહોત અઝીઝ હૈ. કુછ થા ઇસમેં જો ફિલ્મ ચલી નહીં યા લોગો કી સમજમેં આઈ નહીં...’
‘મેરા નામ જોકર’ હંમેશા જોવી ગમે એવી ફિલ્મ રહેશે. રાજ કપૂર અને એ જોકર માત્ર સ્ટેચ્યૂમાં નહિ, લોકોના હૃદયમાં સમાયેલા છે. આવી ફિલ્મો ચરિત્રનિર્માણના અભિનયના અજવાળા પાથરે છે.