લગન અને એય પાછા સ્મશાનમાં? ના હોય... પણ થયા હતા ને પૂજ્ય મોરારિબાપુએ હાજર રહી નવદંપતીને આશીર્વાદ પણ આપ્યા હતા. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામે ૨૬ નવેમ્બર ૨૦૧૭ના રોજ ગામના સ્મશાને બેન્ડવાજા સાથે વરરાજાની જાન આવી પહોંચી ત્યારે ઘડીક તો ગ્રામજનો આશ્ચર્યમાં પડ્યા હતા! લોકો માટે નવાઈની વાત હતી. સ્મશાને વરઘોડો??
તલગાજરડા ગામ વિશ્વપ્રસિદ્ધ રામાયણી કથાકાર પૂજ્ય મોરારિબાપુના જન્મસ્થાન રૂપે વિશ્વભરમાં જાણીતું છે. આ ગામના વાછડાવીર મંદિરના પૂજારીના પુત્ર ઘનશ્યામભાઈએ નક્કી કર્યું કે લગ્ન સ્મશાનમાં કરવા છે. થનાર પત્ની પારુલબહેને પણ સહમતિ દર્શાવી અને ગામ આખું આ અનોખા લગ્નમાં જોડાયું. વાડી કે પાર્ટી પ્લોટમાં યોજાતા લગ્નની જેમ જ સ્મશાન પણ ફૂલોથી શણગારાયું. વરરાજા જાન લઈને આવ્યા ત્યારે બેન્ડવાજા પણ વાગ્યા, ફટાકડા ફૂટ્યા, ડાન્સ પણ કર્યો જાનૈયાઓએ ને ફોટા-વીડિયો પણ સરસ મજાના લેવાયા. મોક્ષધામમાં જ્યાં શરીરને અગ્નિદાહ અપાય ત્યાં જ લગ્નવેદીની જ્યોત પ્રગટાવવામાં આવી. વર-કન્યા ફેરા ફર્યાં અને પૂજ્ય મોરારિબાપુએ આશીર્વાદ આપ્યા. કન્યાને ભાવપૂર્ણ વિદાય પણ અપાઈ ને રંગેચંગે રિસેપ્શન પણ યોજાયું.
અલબત્ત વાંચી જવામાં જેટલું સરળ આ લાગે એટલું સરળ સ્મશાનમાં લગ્ન કરવાનું ન હતું. એક અનોખા વિચારની સામાજિક સ્વીકૃતિ અને લગ્ન કરાવનારાને ગોતવા પણ અઘરા હતા કારણ કે લગ્ન સ્મશાનમાં હતા પરંતુ આખરે પૂજ્ય મોરારિબાપુની પ્રેરણાથી સંગીતની દુનિયા પરિવાર અને સીતારામ પરિવારે તથા આસપાસના લોકોએ સમગ્ર વ્યવસ્થા સંભાળી લીધી. આમ ભારતમાં કદાચ સર્વ પ્રથમવાર સ્મશાનમાં લગ્ન તલગાજરડામાં થયા. નીલેશ વાવડીયા, પ્રજ્ઞેશ ત્રિવેદી, દિનેશ જાદવ, રાજુ સોલંકી અને અન્ય સહુએ જવાબદારી નિભાવી આ પ્રસંગની અને પ્રસંગને પણ માણ્યો.
સ્મશાન શબ્દ સાથે જોડાયેલી રામકથા પૂજ્ય મોરારિબાપુએ તાજેતરમાં વારાણસીમાં ‘માનસ-મસાણ’ (સ્મશાન) કરી હતી. એ કથા પછી બનેલી સ્મશાનમાં લગ્નની આ ઘટના સામાજિક સુધારણાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ બની રહેશે. લગ્નપ્રસંગે ઉપસ્થિત સહુ કોઈ માટે સ્મશાનમાં લગ્નનો આ અવસર સ્મરણીય બની રહ્યો હતો.
•••
સ્મશાન શબ્દ અને એ જગ્યા આજે પણ ભય-વિષાદ અને વૈરાગ્ય સાથે જોડાયેલા છે. આ સ્થળ સાથે ડર અને તેને પ્રેરિત કરતી વાતો-કથાઓ પણ આપણે અવારનવાર સાંભળીએ છીએ. આજે પણ કેટલાય લોકો સ્મશાનની દિશામાં રાત્રે જવાનું ટાળે છે.
અલબત્ત હવે પરિવર્તન પણ આવ્યું છે. લોકો કથિત કથાઓથી ભરમાતા નથી. સ્વૈચ્છિક સંસ્થાઓ અને સુધારાવાદી પરિવારો પોતાના પરિવાર અને વિશેષ કરીને બાળકો સાથે સ્મશાનની મુલાકાત રાત્રે કરે છે. ત્યાં ભજન-કિર્તન થાય છે, વૃક્ષારોપણ થાય છે ને ડરને દૂર કરવા માટેની જાગૃતિ ફેલાવાય છે. જે ઘરમાં દીકરીઓ જ માત્ર છે તેવા પરિવારની દીકરીઓ હવે અગ્નિદાહ માટે પણ સ્મશાનમાં આવતી થઈ છે.
તાજેતરમાં પૂજ્ય મોરારિબાપુએ વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર ‘માનસ મસાન’માં કહ્યું હતું કે મસાણ સત્યભૂમિ, પ્રેમભૂમિ ને કરુણાભૂમિ છે. મસાણમાં માણસને વિશ્રામ મળે છે. તેઓએ કહ્યું હતું કે મસાણ પવિત્ર શબ્દ છે અને તેનો મહિમા જાણવાથી શિવ મહિમાનું જ્ઞાન થાય છે. આ કથા સામાજિક જાગૃતિ સંદર્ભે સિમાચિહનરૂપ બની રહી હતી.
પંચમહાભૂતમાંથી બનેલું શરીર જ્યારે શ્વાસવિહોણું થાય ત્યારે માણસનું મૃત્યુ થાય અને તેના શરીરને અગ્નિદાહ અપાય. આ વિધિ જ્યાં થાય એ જગ્યા એટલે કે સ્મશાન સાથે જોડાયેલી ભયની ગ્રંથિ દૂર કરવામાં આવા પ્રસંગો આશીર્વાદરૂપ બને છે. ભગવાન શિવ જ્યાં નિવાસ કરે છે એ સ્થળથી વળી ડરવાનું શા માટે? આ વાતનો, લાગણીનો, વિચારનો પ્રસાર કરતી આવી ઘટનાઓ સમાજમાં પ્રેરક બની રહે છે અને આવું થાય ત્યારે સ્મશાનમાં સળગતી ચિતામાંથી પણ જાણે પ્રેરક સંદેશના અજવાળા રેલાય છે.
લાઈટ હાઉસ
મસાન મેં બિશ્રામ હૈ,
ઈસ લિયે મસાન મહાન હૈ
- પૂ. મોરારિબાપુ
(વારાણસીની ‘માનસ મસાન’ કથામાં)