મોતીની માળા જેટલી વાર તૂટે આપણે ફરી પરોવીએ એમ મિત્ર જેટલી વાર રિસાય, એમને મનાવી લેવો

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 08th June 2021 06:01 EDT
 

‘ડેડી, તમારે મિત્ર સાથે ક્યારેય ઝઘડો થાય? અબોલા થાય? ક્યાં સુધી ટકે? સાવ વાત જ ના કરો? એને મનાવો કે નહીં?’

એક વાર દીકરી એના મિત્ર જોડે ફોનમાં મીઠો ઝઘડો કરતી હતી. ઝઘડો લાંબો ચાલ્યો. મેં જરા બ્રેક મારી એટલે ‘સારું ત્યારે...’ કહીને વાત પડતી મુકી. યાદ પણ કરાવ્યું તમે અને ફઈ પણ બહુ ઝઘડતા જ ને! અને પછી એકસામટા આ પ્રશ્નો પૂછ્યા.
મને સહજપણે ઉત્તરમાં રહીમદાસના શબ્દો યાદ આવ્યા.
‘તૂટે સુજન મનાઈયે, જો તૂટે સૌ બાર,
રહિમન ફિર ફિર પોઈએ, તુટે મુક્તા હાર’
સાચ્ચો મિત્ર મોતીની જેમ અણમોલ છે. મોતીની માળા જેટલી વાર તૂટે આપણે ફરી પરોવીએ એમ મિત્ર જેટલી વાર રિસાય, એમને મનાવી લેવો. સાડા ત્રણ દાયકાથી વધુ સમયની દોસ્તી જેની સાથે રહી છે એવા પારિવારિક દોસ્ત અને જાણીતા લેખક-વક્તા સુભાષ ભટ્ટ એમના પુસ્તકમાં લખે છે, ‘પ્રેમ - મૈત્રી એક ચડાણ છે, સાહસ છે, પડકાર છે, અંધ નથી, પણ પવિત્ર દૃષ્ટિ છે. ધ્યાનની ખીલાવટ છે, આપણને અપાયેલું આપણું વચન છે, જે આપણે પાળવાનું છે.’
મિત્ર, જેને ક્યારેય સાબિતી, વચન કે આધાર આપવા ન પડે. મિત્ર જે આપણા જીવનને અર્થ આપે અને જેની મૈત્રી આપણા જીવનમાં પ્રેમનો અર્ક આપે. મિત્ર, જેની પ્રતિક્ષા કલાકો નહીં, વર્ષો સુધી થાય ને આવે પછી ક્યારે ‘આવજે’ એમ ના કહી શકાય!
કામ માટે, સ્વાર્થ માટે, જરૂરિયાત મુજબ મળીએ એ મૈત્રી નથી. વિના કારણ જેને મળીએ, વિના પ્રસંગે કે જન્મદિવસે જેને ભેટ આપીએ, વિના આયોજને જેની સાથે પ્રકૃતિની ગોદમાં, આપણી શ્રદ્ધાના તીર્થોમાં ફરીએ એ મિત્ર છે.
આપણી સાથે મિત્રની હાજરી એ જ ઉત્સવ છે. મિત્ર જેને લાંબો પત્ર લખો કે સાવ કોરો કાગળ મોકલો, આપણા મનના ભાવોને જે સમજી જાય. મિત્ર જેના વિના આપણો કે આપણા ઘરનો એક પણ પ્રસંગ અધૂરો રહે, મિત્ર એ છે જેની આપણે આખી દુનિયાના આપણા સગાં-વ્હાલાં આવી જાય એ પછી પણ પ્રતિક્ષા કરીએ છીએ. મિત્ર એ છે કે જે અસ્વસ્થ હોય ત્યારે જ નહીં એ જેને ચાહે છે એવા કોઈ આપણા માટે અજાણ્યા અસ્વસ્થ હોય તો પણ આપણે મિત્રની પડખે ઊભા રહીએ... મિત્ર જે આપણને પ્રત્યેક મુશ્કેલીના સમયે સાથે રહીને ‘મૈં હું ના...’નો અહેસાસ કરાવે.
મિત્રનો અવાજ આપણા માટે સંગીત છે, મિત્રનો સાથ આપણા માટે તહેવાર છે, મિત્ર સાથેની તસવીરો આપણા સ્વર્ણિમ પૃષ્ઠો છે, મિત્રના સ્મરણો આપણા ફૂલોનો બગીચો છે.
દરેક માણસને સગપણમાં કેટલાક સંબંધો જન્મ સાથે મળે છે, મિત્ર એવો સંબંધ છે જે આપણને આપણી પસંદથી મળે છે. ક્યારેક બાળપણમાં, ક્યારેક યુવાનીમાં ક્યારેક ઊંમરની ચાલીસીમાં પણ મળે છે. મૈત્રીમાં સ્ત્રી - પુરુષ - ધર્મ - જાતિના ભેદભાવ નથી. કોઈ પણ વ્યક્તિ મિત્ર હોઈ શકે. ક્યારેક વ્યક્તિ નહીં, પણ પુસ્તક-પ્રકૃતિનો શોખ પણ મિત્ર હોઈ શકે. મિત્ર અને મૈત્રી આપણને જીવાડે છે, એક મિત્ર મળી જાય તો વ્હાલથી ભેટીને વળગી રહેવું, આપણા પ્રેમને - મૈત્રીને પ્રગટ કરવા. માધ્યમ શબ્દ હોય – સંગીત હોય – નૃત્ય હોય – મસ્તી હોય - સ્પર્શ હોય - હાસ્ય હોય કે રૂદન હોય... આપણી અનુભૂતિ એને પહોંચે, એના હૃદયમાં પણ મૈત્રીના ઉત્સવના દીવડા ઝળહળે ત્યારે આપણી આસપાસ મૈત્રીના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter