મોહમ્મદ રફીઃ ઉમદા ગાયક અને તેનાથી વધુ ઉમદા ઇન્સાન

- તુષાર જોષી Wednesday 31st July 2024 07:22 EDT
 
 

‘મધુર કંઠ ધરાવતા આ ઉમદા કલાકારને કડવા કારેલાં બહુ ભાવતા છતાં એમના સ્વભાવમાં ક્યારેય કડવાટ આવી નથી.’ - સંગીતકાર ઓ.પી. નૈયર. રાયપુરમાં અમારો કાર્યક્રમ હતો. ઘણા કલાકારો હતા. મુખ્ય આકર્ષણ એક ગાયકનું હતું. તેમણે ખૂબ ગીતો ગાયા, વાદકો પણ થાક્યા, એ ગાયકે હાર્મોનિયમ હાથમાં લીધું. વાદકો સામે જોઈને ગાયું કે ‘અહેસાન મેરે દિલ પે...’ વાદકો અને ઓડિયન્સ નાચી ઊઠ્યા. એ ગાયક એટલે હિન્દી સિનેમાના મહાન પાર્શ્વગાયક મોહમ્મદ રફી. આ મહાન ગાયકે ભારતની અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ ગીતો ગાયા. ગુજરાતી ભાષાના ઘણા અમર ગીતો યાદ આવે જ્યારે મોહમમ્મદ રફીનું સ્મરણ થાય.

મોહમ્મદ રફી નેક ઇન્સાન, માનવતા અને પરોપકારથી ભર્યું ભર્યું એમનું સમગ્ર જીવન. સરળતા અને સાદાઈનો પર્યાય. સંગીતના સાધક એવા મહાન વ્યક્તિત્વ રહ્યા હતા. એમના વાણી - વર્તન – વ્યવહારમાં ક્યાંય, ક્યારેય અહંકાર જોવા મળ્યો ન હતો. એમણે અવાસ્તવિક વાતો નથી કરી કે નથી પબ્લિસિટી માટેના કોઈ પ્રયાસ કર્યા. નાનામાં નાના માણસ સાથે એમનો પ્રેમપૂર્ણ વ્યવહાર હતો.
એક વાર એમના બંગલાનો ગુરખા ચોકીદાર એમને દરવાજે મળ્યો. સહજ વાતો કરી. એ ઉદાસ લાગ્યો. મોહમ્મદ રફીએ કારણ પૂ્છયું તો કહે કે આવનારા દિવસોમાં ઘરમાં દીકરીના લગ્ન છે, પૈસાની વ્યવસ્થા હજુ થઈ નથી. મોહમ્મદ રફીએ જરૂરી રકમ ત્યારે જ આપી દીધી. પેલો ગુરખો તો આભારવશ થઈ ગયો. કહે કે બને તેટલા જલ્દી પરત આપી દઈશ. તો મોહમ્મદ રફીએ કહ્યું કે મારે હવે આ પૈસા પરત નથી જોઈતા, પણ જ્યારે તું કોઈ જરૂરિયાતમંદને જુએ તો તારાથી બનતી મદદ કરજે.
પારકાને પણ પોતાના કરી લેવાનો કિમિયો કદાચ મોહમ્મદ રફીના સ્વભાવમાં વણાયેલો હતો.
એક બીજો કિસ્સો પણ આ પુસ્તકમાં છે. તદનુસાર કોલકાતામાં એક કાર્યક્રમ માટે રફી ગયા હતા, સવારે હોટેલ આસપાસના રસ્તા પર ચાલતા હતા. એક મંદિર પાસે એક અંધ ભિખારી ‘ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ...’ ગાઈને ભીખ માંગી રહ્યો હતો. મોહમ્મદ રફી તેની બાજુમાં બેસી ગયા. હાથમાં એકતારો લઈ લીધો - અને એ પોતે ગાવા માંડ્યા. ભિખારીની ચાદર પૈસાથી ભરાઈ ગઈ તો રફી સાહેબ ઊભા થઈને ત્યાંથી નીકળી ગયા. પેલો ભીખારી બાજુમાં બેઠેલા વ્યક્તિને દુઆ દેવા લાગ્યો, એને ક્યાં ખબર હતી કે એ સ્વંય રફી સાહેબ હતા, જેના ગીતો એ ગાતો હતો.
એમની સાથે કામ કરનારા સહુ કહે છે કે તેઓ રિયાઝ સાથે ક્યારેય બાંધછોડ કરતા નહીં. વહેલી સવારે રિયાઝ કરતા. સંગીત એ એમને માટે તપ હતું. ગીતના શબ્દો સમજ્યા વિના, સંગીતકાર સાથે રિહર્સલ કર્યા વિના સ્ટુડિયોમાં ગાતા નહીં.
શાસ્ત્રીય રાગ પર આધારિત રચના હોય કે વેસ્ટર્ન મ્યુઝિકના ધમાકેદાર ગીતો હોય, ભજન હોય કે પ્રેમની મસ્તીના ગીતો હોય, રફી સાહેબે એકસરખો ન્યાય આપ્યો છે. તમામ ગીતકાર – સંગીતકાર – સાથી ગાયકો - વાદકો રેકોર્ડિસ્ટ બધાને માન આપ્યું છે અને એટલે અઢળક માન કમાયા છે.
રફી સાહેબના એકથી એક ચડિયાતા ગીતો સહજપણે હૈયે ચડે, હોઠ પર આવે અને આપણે મસ્તીથી એમના ગીતોને માણતા રહીએ. એ ગીતોના સૂર સાથે આપણા ભાવ જગતના તારને એકતાર થતાં અનુભવીએ ત્યારે આપણી આસપાસ એ મહાન ગાયકના - મહાન માણસના સૂરોના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter