અમદાવાદના ટાગોર હોલમાં શ્રોતાઓ એક પછી એક ગીતોને તાળીઓથી વધાવી રહ્યા હતા. ગીત શરૂ થયા ત્યારથી એમના મધુર ગુંજારવ સાથે શરૂ થયેલી શ્રવણ યાત્રા ગીતના વિરામ સુધી જોડાયેલી રહી હતી.
પ્રસંગ હતો સાથ સંગાથ કલ્ચરલ ગ્રૂપ દ્વારા એક એવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં હિન્દી સિમોનાના બે પાર્શ્વ ગાયકોના સોલો તથા અન્ય ગાયકો સાથે ગાયેલા ગીતો રજૂ કરાયા હતા. આ ગાયકો એટલે કેરળના યશુદાસ અને મહારાષ્ટ્રના સુરેશ વાડકર.
આ બંને ગાયકોએ જે ગીતો હિન્દી સિનેમામાં આપણને આપ્યા છે આપણા સહુ માટે અણમોલ વિરાસત સમાન બની રહ્યા છે. યશુદાસ અને સુરેશ વાડકર એટલે ઈન્ક્રેડિબલ એન્ડ અનમેચેબલ વોઈસીસ ઓફ હિન્દી સિનેમા. કાર્યક્રમના સૂત્રધાર તરીકે આરંભે મેં કહ્યું કે એક રૂપિયો પણ આપણા બેન્ક એકાઉન્ટમાં જમા નહીં થાય અને છતાં આપણે માલામાલ થઈ ગયાની અનુભૂતિ આ કાર્યક્રમ પૂરો થયે અનુભવવાના છીએ.
કેરળના કોચી શહેરમાં 10 જાન્યુઆરી, 1940ના રોજ જન્મેલા યશુદાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી અને સ્થાનિક એવી દક્ષિણ ભારતીય ભાષાઓમાં ગીતો ગાવાનો આરંભ કર્યો. તારીખ 4 નવેમ્બર 1961ના રોજ પાર્શ્વ ગાયક તરીકેની કારકિર્દીનો આરંભ થયો એ પછી સતત છ દાયકા એમણે સંગીત સાથે પોતાનો સંબંધ અકબંધ રાખ્યો છે. 83 વર્ષે પણ ગાયન ક્ષેત્રે પ્રવૃત રહેવું, કામ મળવું અને શ્રોતા - દર્શકોનો પ્રેમ પામવો એ પણ પરમાત્માની કૃપા જ કહેવાય.
હિન્દી સિનેમામાં પ્રથમવાર યશુદાસે ગીત ગાયું 1971માં, પણ સફળતા મળી 1976ની ફિલ્મ ‘છોટી સી બાત’ના ‘જાનેમન જાનેમન તેરે દો નયન...’ ગીતથી. એ પછી તો રવિન્દ્ર જૈન, ખૈયામ, બપ્પી લાહિરી, રાજકમલ, સલીલ ચૌધરી જેવા અનેક સંગીતકારોના સંગીતમાં તેઓએ યાદગાર ગીતો ગાયા. એમના સ્વરમાં જે મધુરતા છે એ મધથી પણ મીઠી છે, એમના સ્વરમાં જે રેશમિયત છે એ વિશ્વના ઉત્તમ સિલ્ક કરતાં પણ વધુ છે.
એ.આર. રહેમાને કહ્યું છે, ‘ઉનકી આવાઝ બેજોડ હૈ, ઈશ્વર પ્રદત્ત હૈ, મૈં ઉનકે ગાને તબસે સુન રહા હું જબ મેં તીન સાલ કા થા.’ બપ્પી લાહિરીએ કહ્યું છે, ‘યશુદાસ કી આવાઝ ભગવાન કો છુ ગઈ હૈ.’
વિશ્વભરમાં એમના ગીતોના ચાહકો છે, ભારતની જ નહીં, વિશ્વની અનેક ભાષાઓમાં તેઓએ ગાયેલા ગીતો લોકપ્રિય થયા છે. આઠ વાર શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો નેશનલ એવોર્ડ મેળવ્યા બાદ તેઓએ વિનંતી કરી હતી કે હવે મને એવોર્ડ ના આપતા. યશુદાસે જે ગીતો ગાયા એમાં પરિશુદ્ધ કવિતા છે, શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત છે. સાવ સામાન્ય માણસની સંવેદનાઓ છે.
આ કાર્યક્રમમાં જે ગીતો ગવાયા એવા બીજા ગાયક તે સુરેશ વાડકર. તારીખ 7 ઓગસ્ટ 1955ના રોજ કોલ્હાપુરમાં જન્મીને મુંબઈમાં સ્થાયી થયેલા આ ગાયકે આચાર્ય જીયાલાલ વસંત પાસેથી ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર તાલીમ લીધી. 1976માં સુરશ્રૃંગાર સ્પર્ધામાં પ્રથમ વિજેતા થયા અને રવિન્દ્ર જૈન તથા જયદેવ જેવા નિર્ણાયકોએ તેમને પ્લેબેક સિંગર બનાવ્યા. એ પછી આજ સુધી તેઓ કોઈને કોઈ પ્લેટફોર્મ પર એમની સ્વર પ્રસ્તુતિ કરતા રહ્યા છે. એમની પાર્શ્વગાયક તરીકેની કારકિર્દીને ઘડવામાં રવિન્દ્ર જૈન – લક્ષ્મીકાંત પ્યારેલાલ – વિશાલ ભારદ્વાજ જેવા સંગીતકારોએ વિશેષ પ્રદાન કર્યું છે. આજે પણ સતત ચાર કલાક રિયાઝ કરનારા સુરેશ વાડકરે એમના ગુરુજીની યાદમાં આજીવસન નામની સંસ્થા અને સ્ટુડિયો શરૂ કર્યા છે જેનું કાર્યક્ષેત્ર અમેરિકામાં પણ વિસ્તર્યું છે. તેઓ કહે છે કે, ‘કોઈ ભી પહેચાન તબ તક સંભવ નહીં હૈ, જબ તક દર્શક અપના પ્યાર ઔર આશીર્વાદ ન દે.’
ફિલ્મ ‘સુનયના’નું ટાઈટલ સોંગ, ‘સાંજ ઢલે ગગન તલે...’, ‘જબ દીપ જલે આના...’, ‘એ જિંદગી ગલે ગલા લે...’, ‘મધુબન ખુશ્બુ દેતા હૈ...’, ‘ઔર ઈસ દિલ મેં ક્યા રખ્ખા હૈ...’, ‘ચપ્પા ચપ્પા ચરખા ચલે...’, ‘સૂરમયી અખિયો મેં...’, ‘ચાંદ જૈસે મુખડે પે...’, ‘કા કરું સજની...’, ‘કહાં સે આયે બદરા...’, ‘સપને મેં મિલતી હૈ...’, ‘દેર ના હોય જાયે...’ જેવા ગીતોને ગાયકો સુનિલ મેનન, ડોલર મહેતા, ડો. પાયલ વખારિયા અને ભદ્રેશ ગજ્જરે સુંદર ન્યાય આપ્યો. સંગીતમાં શરદ ખાંડેકરની ટીમ અને મુંબઈથી ખાસ આવેલા સંદીપ કુલકર્ણીએ શ્રોતાઓના દિલ જીતી લીધા. ગોલ્ડન વોઈસ સહિત અનેક ઉપનામોથી વધાવાયેલા આ બે કલાકારોના ગીતોની પ્રસ્તુતિ સાચ્ચે જ સુરિલા અજવાળાં પાથરી ગઈ.