ઉત્તર ગુજરાતના ગામમાં મૂળ વતન ધરાવતા મહેશ જોશી. એમના પત્ની નીતા અને ત્રણ દીકરીઓના પરિવાર સાથે વસ્ત્રાપુર, અમદાવાદમાં રહે છે. દિશા સહુથી મોટી, ત્રણે દીકરીઓ માતા-પિતાને સંતોષ થાય એવું ભણી છે અને પોતપોતાના અભ્યાસની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે.
આ સુખી પરિવાર પર થોડા સમય પહેલાં અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો. બન્યું એવું કે બીબીએ થઈને એક કંપનીમાં ટ્રેઈનીઓને તાલીમ આપવાનું, ટ્રેનિંગ મેનેજરનું કામ કરતી દિશા, ઓફિસકામે હિંમતનગર જઈ રહી હતી. એના વાહનને અકસ્માત નડ્યો. દિશા કોમામાં સરી ગઈ. તાત્કાલિક સારવાર અને એની સાથે જ પાણીની જેમ વપરાતા પૈસા. બંને પાવરફૂલ રીતે આગળ વધતા હતા. એક તબક્કે પિતા મહેશભાઈએ મકાન વેચવાનો વિચાર કર્યો, પરંતુ મણિલાલ સહિતના મિત્રો આર્થિક મદદ સાથે પડખે આવીને ઊભા.
એક દિવસ સહુની પ્રાર્થના અને તબીબી સારવારથી દિશાએ આંખો ખોલી. એ પૂર્ણપણે સ્વસ્થ થઈ. મણિલાલની ઓફિસે આવી હતી. વાતો કરતી હતી.
એના પાડોશમાં રહેતા રાજુસિંહ રાજપુરોહિતના પારિવારિક પરિચયમાં આવવાનું થયું અને હવે એ વીકેન્ડર ગ્રૂપમાં અત્યંત વ્યસ્ત છે.
પાલી ડિસ્ટ્રીક્ટના વરકાણા ગામનો એ વતની. ફાયર એન્ડ સેફ્ટીનું ભણીનું અમદાવાદમાં પેઈંગ ગેસ્ટરૂપે રહે છે. એક વાર વતનમાં ગયો તો બાળસખા અરૂણ રાઠોડ વર્ષો પછી મળ્યો. બંનેને ગામના વિકાસના સપનાં જોવાની ઈચ્છા થઈ. અમેરિકામાં MEET-UP ગ્રૂપ છે. એમાં સભ્ય થયા. એમને થયું કે આખું વિશ્વ રાજસ્થાનના પ્રવાસે આવે છે, તો આપણા ગામના અને અન્ય ગામના યુવાનોને સમજાવીને ‘વિલેજ ટુરિઝમ’ વિક્સાવીએ. એમણે મનોજ જેવા યુવાનો શોધ્યા - અમદાવાદથી નિયમિતરૂપે જઈને તાલીમ આપી.
દિશા પણ હવે આ કાર્યમાં જોડાઈ છે. રાણકપુર, ઉદેપુર, કુંભલગઢ જેવા સ્થળોએ ગયા. ગ્રામ્ય લોકોને મહેમાનોના અતિથિ-સત્કાર માટે તૈયાર કર્યા. પિનાકિન-કિશન જેવા મિત્રો સતત સાથે રહ્યા.
ગ્રામવિસ્તારના લોકોને વિલેજ ટુરિઝમની તાલીમ આપી. જગ્યા ભાડે અપાવી. શિક્ષણ આપ્યું. આજે હવે નિયમિતરૂપે આ ૪ મિત્રો મહેમાનોના ગ્રૂપ લઈને વિકેન્ડમાં રાજસ્થાનના ગામડામાં જાય છે. સ્થાનિક લોકો એમને ઘરમાં રાખે છે, જમાડે છે, સાચવે છે. સસ્તા પ્રવાસોનો લાભ લોકોને મળે છે. અને સ્થાનિક લોકોને રોજગારી મળે છે. ગામડાંનું જીવનધોરણ ધીમે ધીમે સુધરતું જાય છે.
અમદાવાદમાં હેરિટેજ વોક પણ આ મિત્રો કરાવે છે - ગરીબ બાળકોને પણ ભણાવે છે. વિશેષ પ્રવૃત્તિઓનો આનંદ આપે છે. લોકસંગીતને જીવંત રાખવાના પ્રયાસો કરે છે. હેતુ એક જ, દિશા કહે છે એમ, જીવનનાં વર્ષો નહીં, વર્ષોમાં જીવન ઉમેરવું છે.
•••
આજના યુવાનો દિશાહીન થયાની વાતો કે અવલોકનો વચ્ચે આવા યુવાનો પણ છે કે જેઓ બીજાને રાજી રાખીને પોતે રાજી રહે છે. રજાના દિવસો પોતાને ગમતી સામાજિક પ્રવૃત્તિમાં આપે છે. થોડાઘણા રૂપિયા પોતાના વાપરીને બીજાના ચહેરા ઉપર હાસ્ય આવે એ માટે પ્રયત્નો કરે છે.
મારી ને તમારી આસપાસ પણ આવા યુવાનો હશે જેઓ સમાજસેવાના પરોપકારના કાર્યોમાં વિકેન્ડનો સમય આપતા હશે.
જે ક્ષણે જિંદગી શું છે? તે પ્રશ્નનો જવાબ માણસને મળી જાય છે એ જ ક્ષણથી એ પોતાની જિંદગીમાં આનંદનું સંવર્ધન કરતો જાય છે. બીજાના ચહેરા પર હાસ્ય લાવવાની કળા એને સહજ પ્રાપ્ત થઈ જાય છે. આવા યુવાનો આપણી આસપાસ કાર્ય કરતા જોવા મળે ત્યારે આપણી આસપાસ અજવાળું અજવાળું રેલાય છે.
લાઈટ હાઉસ
કિસી કી મુસ્કરાહટોં પે હો નિસાર
કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર
કીસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર
જીના ઇસી કા નામ હૈ...
- શૈલેન્દ્ર લિખિત ફિલ્મ ‘અનાડી’નું ગીત