‘ફિલ્મમાં રજૂ થયેલી આ સામાન્ય માણસોની કામગીરી જોઈને તેમને સલામ કરવાનું મન થઈ આવે છે...’
‘આ ગામડિયા જેવા માણસે કેટલું મહાન કાર્ય ગ્રામ્ય વિસ્તારમાં કર્યું છે.’
આવા વાક્યો એક સ્થળે ઉપસ્થિત લોકોમાંથી કોઈ બોલી રહ્યું હતું સકારાત્મક ભાવથી. અવસર હતો ૧૫મી ઓગસ્ટની ઊજવણીનો. જીઆ બેન્ડના સૂરોમાં દેશભક્તિના ગીતોનું ગાન થઈ રહ્યું હતું અને બાળકો તથા ઉપસ્થિત સહુ કોઈના હૈયે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યાનું ગૌરવ છલકતું હતું.
છેલ્લા સાત વર્ષથી જાગૃત જન ટ્રસ્ટ દ્વારા ૧૫મી ઓગસ્ટની ઊજવણી કરવામાં આવે છે. ધ્વજવંદન, બાળકોની નૃત્યસ્પર્ધા અને પુરસ્કાર સાથે જ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામ કરનારા સેવાભાવી લોકોનું સન્માન થાય છે. જેમને એવોર્ડ અપાયા તેમાં રણછોડભાઈ સોની, જેઓએ અંધજનો માટે અત્યંત મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે અને પોતે પણ અંધ છે તેમને, વાંકાનેરડા ગામ-જિલ્લો ગાંધીનગરના સુરેશ પુનડિયાને અને અમદાવાદમાં છેલ્લા ૧૪ વર્ષથી સેવારત મૂક-બધિરો માટેની સંસ્થા ઉમંગ શિક્ષણ - સંશોધન સંસ્થાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમાજજીવનમાં સામાજિક-ધાર્મિક ક્ષેત્રે અનુદાન આપનારા દાનવીર બાબુભાઈ દેસાઈને દીવાદાંડી એવોર્ડ અપાયો હતો.
શ્રીમદ્ રાજચંદ્ર સેવા કેન્દ્ર સંચાલિત ઉમંગ બધિર શિક્ષણ - સંશોધન કેન્દ્ર બહેરા-મૂંગા દિવ્યાંગજનો માટે આશીર્વાદરૂપ કામગીરી કરી રહ્યું છે. છેલ્લા ૧૪ વર્ષથી આ સંસ્થા દિવ્યાંગો-મૂકબધિરો માટે વિનામૂલ્યે સેવા પૂરી પાડી રહી છે. સંસ્થામાં અનુભવી શિક્ષકો છે, જેઓ વિદ્યાર્થીઓ માટે હોંશે-હોંશે કાર્ય કરે છે. પરંપરાગત ઉપરાંત આધુનિક ટેકનોલોજી સાથે અહીં શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે. મૂક-બધિર બાળકોના મા-બાપને પણ ઉત્તમ તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ તેમના બાળકોને અને તેમની લાગણીને સમજી શકે.
સંસ્થાના શિક્ષિકા બ્રિન્દાબહેન નાણાવટી ૪૦ વર્ષ અગાઉ આ વિષયનો અભ્યાસ કરીને આવ્યા છે અને એમણે અહીં સંસ્થામાં જોડાઈને ઉત્તમ કાર્ય કર્યું છે. મદ્રાસ, બેંગલોર, કોલકતા, મુંબઈ જેવા શહેરોમાં જઈને એમણે પોતાના જેવા ૨૦ શિક્ષકો ઊભા કરી આપ્યા છે. આ સંસ્થાને જાણીતા તબીબ ડો. માનસેતાનું માર્ગદર્શન અને દાતાઓનું દાન સતત મળતા રહે છે. અહીં તમામ તહેવારો ઉજવાય છે અને પ્રવાસનું આયોજન થાય છે.
અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (‘ઔડા’) દ્વારા પ્રાપ્ત જમીન પર નવું સંકુલ પણ બની રહ્યું છે. સરકારી ગ્રાન્ટ વિના દાતાઓની મદદથી ચાલતી સંસ્થાની વિદ્યાર્થિનીઓ હેતલ ઠક્કર, હીરલ મકવાણા અને ભાવિ રાજપુરા અહીં દાખલ થઈ ત્યારે મૂક-બધિર હતી અને આજે તો સામાન્ય લોકોની જેમ વાતચીત કરવા સક્ષમ બની ગઈ છે. ડો. માનસેતા કહે છે, ‘માણસને બહેરાશ કુદરત આપે છે ને એ મૂંગો સમાજની અવગણનાથી થાય છે. સમાજ મદદ કરે તો એ બહેરા-મૂંગા નથી રહેતા.’
જેમનું સન્માન થયું એમાં શહીદ વીર જવાનના પરિવારના શાહીદબાનુનું સન્માન કરાયું અને તેમને રૂ. ૫૧ હજારની રકમ પણ જાગૃત જનટ્રસ્ટ દ્વારા આપવાની અહીં જાહેરાત કરવામાં આવી.
જાગૃતજનના પ્રતિનિધિઓ જાણીતા એડવોકેટ અશોક દામાણી, ઈવેન્ટ ઓર્ગેનાઈઝર હેમુ ગાંધી, વિચારક-લેખક પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ સહિતના મહાનુભાવોના ચહેરા ઉપર યોગ્ય વ્યક્તિનું યોગ્ય સમયે સન્માન થયાનો આનંદ હતો.
•••
સમાજજીવનમાં પોતાની અંદર રહેલી ઈશ્વરીય બક્ષિસ જેવી શક્તિઓનું મહત્ત્વપૂર્ણ પ્રદાન કરીને જેઓએ સમાજને કાંઈક આપ્યું છે એવા વ્યક્તિઓનું જ્યારે સન્માન થાય ત્યારે એ સન્માન મેળવનારથી વધુ આનંદ સન્માન આપનારને થતો હોય છે. યોગ્ય વ્યક્તિનું યોગ્ય સમયે સન્માન કરવું એ સમાજની સામૂહિક જવાબદારી પણ છે.
સન્માન મેળવનારે સન્માન મળે એ માટે પરિશ્રમ નથી કર્યો હોતો, પરંતુ જ્યારે સન્માન મળે ત્યારે પોતે કરેલા કાર્યોની સકારાત્મક નોંધ લેવામાં આવી તેનો આનંદ જરૂર થાય છે અને આવું થાય ત્યારે અજવાળા રેલાય છે.