‘અરે તને ખબર છે, તું ક્યાં જાય છે? કોને સમજાવવા જાય છે?...’ ‘અરે, આમની જોડે ક્યાં મગજમારી કરવાની તું?...’ ‘એક જ દિવસ છે ને જવા દે ને બહેન...’ આવા વાક્યો આડોશી-પાડોશીઓએ કાશ્મીરાને કહ્યા. હમણાં ફેસબુક ફ્રેન્ડ્ઝનું એક અવલોકન વાંચ્યું. વાત જાણ એમ હતી કે કાશ્મીરાની દીકરી બોર્ડની પરીક્ષા આપી રહી હતી. સ્વાભાવિક છે કે બધાની જેમ એને પણ ચિંતા હોય કે દીકરી શાંતિથી-સ્વસ્થતાથી ભણે અને એકાગ્ર થઈને વાંચે. આખું ય વર્ષ બધાની જેમ એમણે પણ ઘરમાં બાળકને આ માટે યોગ્ય વાતાવરણ આપ્યું હતું. હવે અભિમન્યના કોઠા ભેદવા જેવી અઘરામાં અઘરી પરીક્ષાઓ ચાલી રહી હતી. અડધા પેપર પુરા થયા હતા અને અડધા બાકી હતા. દીકરી પોતાની રીતે ખુબ મહેનતુ-હોંશિયાર એટલે એ પણ વાંચવામાં ધ્યાન આપતી હતી.
આજે આસપાસમાં કોઈ પ્રસંગ નિમિત્તે બહુ બધા લોકો ભેગા થયા હતા અને હદથી પણ વધારે ઊંચા અવાજે લાઉડ સ્પીકર સતત એકાદ કલાક સુધી આખા એરિયાને ઘોંઘાટથી ધમરોળતું રહ્યું. આમનું ઘર તો થોડું દૂર હતું, છતાં બહુ મોટો અવાજ આવતો હતો, તો નજીક રહેતા લોકોની હાલત શું થતી હશે?
થોડો સમય તો ધીરજ રાખી. સહન કર્યું. પછીથી તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે ખુલ્લા પ્લોટમાં લગ્નનો પ્રસંગ હતો ને એ નિમિત્તે માઈક પર અવાજ આવતો હતો. જેમનો પ્રસંગ હતો એ પરિવારને ત્યાં જઈને માઈક ધીમું કરવાની વિનંતી કરવાની હિંમત પણ કોઈ કરતું ન હતું. આખરે કાશ્મીરાએ જાતે નક્કી કર્યું કે ભલે થવું હોય તે થાય, હું તો સાચી વાત અને સાચી લાગણી વિનંતીરૂપે રજૂ કરવા જઈશ જ. કારણ કે એક નહીં, અનેક બાળકોના શૈક્ષણિક ભવિષ્યનો સવાલ હતો.
હળવા, પણ મક્કમ પગલે એ પહોંચી મંડપમાં. એને લાગ્યું કે જરૂરતથી કદાચ ૧૦ ગણો વધુ અવાજ હતો. આટલા અવાજમાં બે જણાને વાતચીત કરવી પણ મુશ્કેલ હતી. તે સાઉન્ડ ઓપરેટર પાસે ગઈ અને અવાજ ધીમો કરવા કહ્યું અને પૂછ્યું કે યજમાન કોણ છે? ત્યાં તો યજમાન જ હાજર થઈ ગયા અને કહ્યું, ‘હું જ છું બોલો, શું હતું?’ કાશ્મીરાએ કહ્યું કે આજુબાજુમાં રહેતા બાળકોની બોર્ડની પરીક્ષા ચાલે છે. અવાજ ધીમો રાખો તો સારું. તેઓએ તુરંત જ સોરી કહીને અવાજ બિલ્કુલ બંધ કરાવી દીધો. એરિયામાં અચાનક સંપૂર્ણ શાંતિ થઈ ગઈ. પછી તો પાડોશીઓએ કહ્યું પણ ખરું કે સારું કર્યું તમે કહેવા ગયા નહીં તો બાળકો કઈ રીતે વાંચી શકત?
કાશ્મીરા વિચારે ચડી કે મેં વિનંતી કરી અને આટલી જલ્દી સરળતાથી સ્વીકારી લેવાશે એવી તો કોઈને કલ્પના ન હતી. મતલબ કે સમાજમાં મોટા ભાગના લોકો સારા જ હોય છે. સામેવાળા ખરાબ વ્યવહાર કરશે જ તેવી ધારણા બાંધી લેવી યોગ્ય નથી. રજૂઆત કરનારની વાત સાચી હોય, વ્યવહાર વિવેકપૂર્ણ હોય તો સામા પક્ષે પણ મોટા ભાગે લોકો સારો વ્યવહાર કરતા જ હોય છે. કાશ્મીરા કહે છે, ‘મારે હમણાં આવું ચાર-પાંચ કિસ્સામાં બન્યું, આપણને જેનો બહુ પરિચય ન હોય તેવી વ્યક્તિ માટે પૂર્વગ્રહ લઈને જીવતા હોઈએ અને જ્યારે તે વ્યક્તિના પૂર્ણ પરિચયમાં આવવાનું બને પછી તેનો સારો અનુભવ થાય. આથી કોઈના વિશે ધારણાઓ પણ ન બાંધવી અને કોઈના વિશે અનુભવ વિના બહુ જલ્દીથી અભિપ્રાયો પણ ન આપવા.’
આ પછી તો કાશ્મીરાના આ અનુભવ - વર્ણન પછી ફેસબુક પર અનેક લોકોએ પોતાના અનુભવ ટાંક્યા કે સાચી વાત છે, યોગ્ય ભાષામાં, વિવેક સાથે રજૂઆત થાય તો એનો હકારાત્મક ઉત્તર મળે જ છે.
આમ આવા પ્રસંગો બને છે, મોટા ભાગે એમાંથી સંવાદિતા-હકારાત્મક્તા પ્રગટ થાય છે, માણસો સારા હોય છે એ વિશ્વાસ પ્રગટ થાય છે, આપણી ધારણાઓ - પૂર્વગ્રહોથી મુક્ત થઈએ ત્યારે વાસ્તવિક્તાના અજવાળાં પથરાય છે.