‘આપણે ૨૦૦ માણસોને સાથે લઈને હોસ્પિટલના ઉદઘાટનમાં ચાર્ટર પ્લેન કરીને જઈશું, બેટા.’
હીરાલાલ શેઠે દીકરા રાજેશને કહ્યું. કારણ શું? અને એમનો એ મનોરથ પૂરો થયો કે નહીં? તે જાણવા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પેઢામલી ગામ સુધી શબ્દની પાંખે યાત્રા કરવી પડશે. લાડોલની નજીક આવેલા પેઢામલી ગામમાં ૩ સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ જન્મ થયો હીરાલાલનો. બાળપણથી જ સંઘર્ષના દિવસો વિતાવ્યા. ૧૦ વર્ષની ઊંમર પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી - એ જમાનામાં આ ઉંમરે પૂના સેટલ થવાનું નક્કી કર્યું. અજાણી દુનિયા, ભાષા પણ જુદી, અજાણ્યા લોકો... પણ હારે એ બીજા. લાકડાં વીણીને ગુજરાન ચલાવ્યું અને બહેનને સાચવવાની જવાબદારી પણ નિભાવી. પૂનાની જ કોઈ ઓફિસમાં ઓફિસ બોય તરીકે કામ સાથે કારકિર્દીનો આરંભ કર્યો.
પુરુષાર્થ, પરસેવો અને પ્રામાણિકતાથી લોકોના દિલ જીતતા ગયા. દીર્ઘદૃષ્ટિ-કોઠાસૂઝ અને વ્યવસાયિક ગણિતની ત્રિવેણી એમના વ્યક્તિત્વમાં હતી એટલે કારકિર્દી સડસડાટ આગળ વધવા માંડી. ચોખા જેવા ધાન્યના વ્યાપારમાં એમણે હથોટી હાંસલ કરી. પછી તો અનુભવ, સમૃદ્ધિ અને લક્ષ્મી સમૃદ્ધિ વધતી ગઈ. પરિવારનો વ્યાપાર જગતમાં અનેક ક્ષેત્રે વ્યાપ વધતો ગયો.
પત્ની કંચન અને બે દીકરાઓ રાજેશ તથા જયંત તેમજ પુત્રવધૂઓ સાથે આનંદમય જીવન પસાર થતું રહ્યું. તેઓ જે કમાતા એમાંથી મોટી રકમનું દાન પણ તેઓ વિધવિધ ક્ષેત્રોમાં કરતા થયા. વિશેષ લાગણી એમની રહી શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે દાન આપવાની. એમના પારિવારિક તબીબ ડોક્ટર વિનોદ શાહ કહે છે કે, ‘સામાન્ય માણસ રોજ ભગવાનને એમ પૂછે કે હે ભગવાન આજે તું મને કેટલા પૈસા આપીશ?’ હીરાભાઈ એમ પૂછતા કે ‘હે ભગવાન આજે દાનમાં હું કેટલા પૈસા આપીશ?’
એમના દાતારીના સ્વભાવની વાત અમદાવાદની અખંડ આનંદ આયુર્વેદ કોલેજના અધિકારી- કૌશલ હેલ્થ અને એજ્યુકેશન ટ્રસ્ટ સાથે જોડાયેલા ડો. અતુલ ભાવસારને મળી. એમની આરોગ્ય ક્ષેત્રની સેવાપ્રવૃત્તિ પેઢામલી ગામમાં ચાલતી હતી. એ વતન ગામ હતું. અમદાવાદ એરપોર્ટ પર બંને મળ્યા. શેઠ હીરાલાલને અતુલભાઈમાં અને એમની પ્રવૃત્તિમાં રસ પડ્યો. જમીનની વ્યવસ્થા થઈ. સર્વોદય આશ્રમનો સહકાર મળ્યો. બહુ જ ટૂંકા સમયમાં ૬ બિલ્ડીંગો સાથેનું કંચન-હીરા આયુર્વેદિક હોસ્પિટલ અને કેન્સર રિસર્ચ સેન્ટરનું સંકુલ તૈયાર થવા માંડ્યું. ઉદઘાટન માટે ૪ ડિસેમ્બર ૨૦૧૬ નક્કી થઈ ગઈ અને શેઠે દીકરાને લેખના આરંભે લખેલું વાક્ય કહ્યું. હેતુ એ હતો કે સાથે આવનારા ૨૦૦માંથી પાંચ શ્રેષ્ઠી-દાતાઓ જો એમના ગામમાં આવી હોસ્પિટલ કે સ્કૂલ તૈયાર કરે તો મારું એમને લઈ જવું સાર્થક થઈ જાય. જોકે ઈશ્વરને કાંઈ અલગ મંજૂર હતું.
૨૧ જુલાઈ ૨૦૧૬ શેઠ હીરાલાલે દેહ છોડી દીધો. દીકરાઓ રાજેશ તથા જયંત અને પૌત્રો ધવલ તથા માલવે દાનની સરવાણી વહેતી રાખી. નમૂનેદાર સંકુલનો આરંભ થયો જ. સામાન્ય દર્દીઓ માટે વ્યવસ્થાના ભાગરૂપે જે સામાન્ય ફી લેવાતી હતી તે પણ ઉદઘાટનના દિવસે બંદ જાહેર કરી - વિનામૂલ્યે સારવારનો સંકલ્પ થયો.
•••
પૈસો-ધન-લક્ષ્મી-મહાલક્ષ્મી વગેરેનો સીધો અર્થ ભલે એક થતો હોય, એમાં સમાયેલી લાગણી અને ભાવના અલગ અલગ છે. માણસે મહેનત કરીને ખૂબ કમાવું જ જોઈએ, પરંતુ એમાંથી યોગ્ય રકમ સમાજને પરત આપવી જોઈએ. જેમની પાસે વધુ છે તેઓની લક્ષ્મી જ્યારે સેવાકીય કાર્યોમાં વપરાય છે ત્યારે તે મહાલક્ષ્મી ગણાય છે.
વતનના ગામમાં આવીને જ્યારે શ્રેષ્ઠીઓ-દાતાઓ-અહીં આરોગ્ય તથા શિક્ષણની શ્રેષ્ઠ સુવિધાઓ જરૂરિયાતમંદ લોકો માટે ઊભી કરી આપે છે ત્યારે તેઓ અનેકના આશીર્વાદ પામે છે. માનવતાવાદી વ્યક્તિત્વોના સેવાકાર્યોના અજવાળા રેલાય છે અને એના સાક્ષી બન્યાનો આનંદ પ્રગટ થાય છે.