‘જોરદાર મેસેજ, પોતાના કામથી જ દુનિયાને જવાબ આપવાની અદભૂત કાર્યશૈલી...’ કોઈકે કહ્યું.
‘રીઅલી, હાર્ટ વિનીંગ મોમેન્ટ્સ અને હાર્ટ વિનીંગ ફોટો...’ બીજાએ ઉમેર્યું.
‘જીવનમાં શ્રેષ્ઠ ગુણોનું પ્રતિબિંબ ક્રિકેટમાં સમાયેલું છે એની પ્રતિતી થઈ....’ ત્રીજાએ વાત મૂકી. ક્રિકેટરસિક મિત્રો મેચ પુરી થયા પછી, મેદાન પરનું એક દૃશ્ય જોઈને ચા-નાસ્તો કરતા કરતા વાતો કરી રહ્યા હતા ને આવા વાક્યો સંભળાયા હતા.
ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં સદી ફટકારીને ભારતના વિકેટકિપર-બેટ્સમેન કે. એલ. રાહુલે બેટ નીચે મૂકીને ગ્લોવ્ઝ પહેરેલા રાખીને, આંખો બંધ કરીને, પોતાના હાથથી બંને કાનના દ્વાર એક અર્થમાં બંધ કર્યા હતા.
સ્વાભાવિક છે કે આના પહેલાની મેચોમાં એનો દેખાવ બિલકુલ સારો ન હતો. ચારે દિશામાંથી એના પરફોર્મન્સની ટીકા થતી હતી. અલબત્ત એણે તો એ પછીની વાતમાં એમ જ કહ્યું કે, ‘It's Pretty explanatroy.. to shut out the noise. No disrespect to anybody...’ પછી ઉમેર્યું કે બહારથી આવતા અવાજો નિરાશ કરે, એવું બને ત્યારે એને અવગણવા જોઈએ.
કેટલી સરસ મજાની અને વાસ્તવિક જીવન સાથે જોડાયેલી વાત પોતાના વર્તનથી કે.એલ. રાહુલે કહી દીધી. આ તસવીર સમગ્ર વિશ્વના ક્રિકેટચહાકોએ ખૂબ વખાણીને સાથે સાથે એમાં રહેલા સંદેશને પણ ઝીલ્યો. તસવીરકાર મિત્ર હર્ષેન્દુ ઓઝાએ કહ્યું તેમ ‘તસવીર બોલે છે...’ એ શિર્ષક જાણે અહીં સાર્થક થયું.
અઢારમી સદીથી રમાતી ક્રિકેટની રમતમાં આવી કેટલીય મૂલ્યવાન ક્ષણો આવી છે. જેમાં ખેલાડીઓના વર્તન દ્વારા વ્યક્તિગત કે સામૂહિક રીતે જીવનના વિચિત્ર પાસાઓનું જાણે પ્રતિબિંબ પડે છે. ભારતમાં તો જાહેર માર્ગોથી લઈને શેરી-ગલી-સોસાયટી-ચોક-મેદાનમાં બધ્ધે જ ક્રિકેટ રમાય છે. સર્વાધિક રમત છે ક્રિકેટ.
ક્રિકેટની રમતમાં ચુસ્તી-સ્ફુર્તિ જરૂરી છે, ક્રિકેટમાં પ્રત્યેક બોલ એક અવસર છે, એક પરીક્ષા છે, ક્રિકેટમાં સંઘભાવના છે, ભાતૃભાવ છે ને છતાં સ્પર્ધા પણ છે. ક્રિકેટમાં હાર-જીત છે અને એ કાયમી નથી. ક્રિકેટમાં મેનેજમેનેટ છે, કમિટમેન્ટ છે... હર્ષ, શોક, સાથી ખેલાડી માટેનો ગુસ્સો અને પ્રેમ, અમ્પાયરનો અભિપ્રાય છે, કોમેન્ટરી બોક્સના નિષ્ણાતોથી લઈને ઘરે પીઝા ખાતા ખાતા પોતાનો અભિપ્રાય આપી રહેલા યુવાન સુધીના લોકોમાં ખેલાડીની રમત માટેનો અહોભાવ અને ટીકા છે... આવી આવી અનેક બાબતો છે જે ક્રિકેટમાં છે અને આપણા રોજિંદા જીવનમાં પણ છે. એથી જ આપણે આપણા સાચા નિર્ધારિત લક્ષ્ય ઉપર ધ્યાન આપવું, એને પામવા સખત મહેનત કરવી, સફળતા કાયમ મળતી નથી એ વાતનો સ્વીકાર કરવો અને સતત પ્રયત્નશીલ રહેવું. આ જીવનમંત્ર કે. એલ. રાહુલે જાણે એની રમતથી અને એ ક્ષણોની તસવીરથી આપ્યો.
રમતના મેદાન પર આવી ક્ષણો આવે ત્યારે સ્પોટપર્સનની અંદર સમાયેલા એક સામાન્ય માણસના મનની લાગણીઓના સંવેદનાના જાણે અજવાળાં ફેલાય છે અને પોઝિટિવિટીનો જીવનમંત્ર એ અજવાળા સાથે આપણા સુધી પહોંચે છે.