‘આટલો પાતળો અવાજ ફિલ્મોમાં ગાયક તરીકે ન ચાલે...’
‘હિન્દી-ઉર્દુના ઉચ્ચારો જોઈએ એટલા શુદ્ધ નથી...’
આવા અવલોકનો જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના મોટા માથાઓએ જેમના માટે કર્યા હતા એ ગાયિકાએ સળંગ સાત દાયકા સુધી ફિલ્મોમાં ગાયન કર્યું અને નાઈટીંગલ ઓફ ઈન્ડિયા તરીકે એ ઓળખાઈ.
હા, વાત છે ભારતરત્ન સહિતના અનેક માન-સન્માનો, ડોક્ટરેટની પદવીઓ, એવોર્ડઝ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અપાર લોકચાહના પ્રાપ્ત કરનાર દેશના અવાજ પાર્શ્વગાયિકા લતા મંગેશકરની. પેઢીઓ આવીને ગઈ, લતા મંગેશકરની ગાયકી એની એ જ રહી.
કોઈ એમ પૂછે કે ચમત્કાર કોને કહેવાય? જવાબરૂપે એમ કહી શકાય કે લતા મંગેશકર આપણી વચ્ચે આ પૃથ્વી પર છે એ જ એક મોટો ચમત્કાર છે. લતા મંગેશકર એટલે જાણે મા સરસ્વતીનું સાક્ષાત સ્વરૂપ.
૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ ઈંદોરમાં એનો જન્મ થયો. પિતા પંડિત દિનાનાથ મંગેશકર રંગમંચના કલાકાર અને ગાયક હતા. પાંચ વર્ષની ઉંમરે પિતાજી સાથે રીયાઝ કરતી થઈ હતી એ નાનકડી દીકરી. માત્ર ૯ વર્ષની ઊંમરે પિતાજી સાથે જ એક જાહેર કાર્યક્રમમાં પ્રથમ વાર સ્ટેજ પર્ફોમન્સ આપવાનો અસર એને મળ્યો હતો. પરિવાર પિતાજી અને માતા સેવંતીબહેન સાથે મહારાષ્ટ્રમાં સ્થાયી થઈ ગયો હતો. બાળપણમાં કુંદનલાલ સાયગલના ગીતોનું એને ઘેલું લાગ્યું હતું. ૧૩ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી અને પોતાનાથી નાની બહેનો ઉષા, મીના અને આશા તથા ભાઈ હૃદયનાથને ઉછેરવાની જવાબદારી એના શીરે આવી પડી. કારકિર્દીના આરંભે માસ્ટર વિનાયકે એને મહત્ત્વપૂર્ણ સહાય કરી.
ફિલ્મોમાં અભિનય શરૂ કર્યો. એક ઈન્ટરવ્યુમાં લતાજીએ એવું કહ્યું છે કે ‘અભિયન કરવો, મેક-અપ કરવો વગેરે મને સહેજે પસંદ ન હતું, પરંતુ જે પસંદ નથી એ કરવું પડે એ જ તો સંઘર્ષ છે અને એ સંઘર્ષ મેં થોડા વર્ષો સુધી કર્યો કારણ કે પરિવારની આર્થિક જવાબદારી ઉપાડવાની હતી.’ એ સમયની પાર્શ્વગાયિકા નૂરજહાંના અવાજને લોકો સુધી પહોંચાડનાર માસ્ટર ગુલામ હૈદર એમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ગાયકરૂપે લાવ્યા.
અનિલ વિશ્વાસથી એ. આર. રહેમાન સુધીના સંગીતકારો સાથે ગીતો ગાયા, જે સંગીતકારો સાથે ગીતો ગાયાં એમના સંતાનો જ્યારે સંગીતકાર બન્યા તો તેમના માટે પણ લતાજીએ ગીતો ગાયા. પેઢીઓ બદલાઈ ગઈ, પણ લતાજીનો અવાજ એ જ રહ્યો. એમના પર મા સરસ્વતીના આશીર્વાદ છે એ વાતની અનુભૂતિ ત્યારે થાય છે જ્યારે ૬૬ વર્ષની ઉંમરે તેઓ કાજોલ માટે ૨૦ વર્ષની ઉંમરની છોકરીના ગીતો એ જ અંદાજથી ગાય છે.
એક મુલાકાતમાં લતાજી કહે છે કે ગાનારના વિચારોનો પ્રભાવ તેના ગાયન પર પડે છે. મેં હંમેશા ગીતો વાંચ્યા, સાંભળ્યા, સમજ્યા છે - કઈ હીરોઈન છે અને ફિલ્મમાં કઈ સિચ્યુએશન છે તેને સમજીને ગીતોમાં એ રીતે અદાયગી કરી છે.
સમયપાલનના તેઓ ચુસ્ત આગ્રહી રહ્યા છે અને સંગીતકાર જતીન-લલિત કહે છે એમ જેમની સાથે નિકટતા હોય તેમને લતાજી જોક કહીને હસાવે પણ ખૂબ અને પોતે પણ ખૂબ હસે.
આનંદ ધન નામે કેટલીક ફિલ્મોમાં એમણે સંગીત પણ આપ્યું છે અને કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. સાદગી, શ્રદ્ધાંજલિ, સજદા જેવા અનેક પ્રાઈવેટ આલ્મબો વિશેષ લોકપ્રિય થયા છે.
•••
લતા મંગેશકરના ગીતોએ સંગીત ચાહકોની પેઢીઓને પ્રસન્નતા આપી છે. થોડાંક વર્ષો પહેલાં એમને રૂબરૂ મળીને વંદન કરવાનો અવસર મને મળ્યાનું સહજ સ્મરણ થાય છે.
સળંગ સાડા છ દાયકા ગાયન ક્ષેત્રે કાર્યરત રહેવું એ જ એક મોટો ચમત્કાર છે. ૨૮ સપ્ટેમ્બર એમના જન્મદિવસ છે ત્યારે આ બધી વાતો સ્મરણમાં આવી. લતાજીના ગીતો વિશ્વભરમાં ફેલાયેલાં શ્રોતાઓ સાંભળે - એમના હૈયે સંવેદનો પ્રગટે - સંભારણા સમયને વીંધીને હૈયાની અગાશીએ ઉતરી આવે ત્યારે મા સરસ્વતીની કૃપાથી પ્રસન્નતાના દીપ પ્રગટે છે અને અજવાળા રેલાય છે.
લાઈટ હાઉસ
સુરજ - ચંદ્ર - ધરતી એક જ છે અને લતા મંગેશકર પણ એક જ છે.