લોક સંગીત, શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીતની ત્રિવેણી

અજવાળું... અજવાળું

- તુષાર જોષી Monday 17th February 2025 07:23 EST
 
 

ચાહવાના કયા દઉં કારણ તમને,

આ ઉજવાતી જિંદગીના સમ તમને

કવિ હિમલ પંડ્યાની આ પંક્તિમાં જાણે ભાવનગરમાં સંગીત શ્રોતાઓનો સ્વરકાર-ગાયક પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રત્યેનો પ્રેમ સમાયેલો છે. 14 ફેબ્રુઆરીની એ સાંજ જાણે વાસંતી વાતાવરણમાં પુરુષોત્તમ પર્વ ઉજવાયું હતું. સ્વરસંગતિ અને કવિતા કક્ષ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમ ‘ને... તમે યાદ આવ્યા’ દ્વારા પુરુષોત્તમ ઉપાધ્યાયના ગીતો-સ્વરાંકનો રજૂ કરાયા ત્યારે એક-એક ગીતો સાથે પુરુષોત્તમપ્રેમી શ્રોતાઓ જાણે દાદનો દરિયો છલકાવતા રહ્યા હતા. લીલા વર્લ્ડવાઇડ અને શ્રી મનહરભાઈ રાઠોડ (જ્ઞાનગુરૂ) વિદ્યાપીઠના સહકારથી યોજાયેલા કાર્યક્રમમાં બરાબર સાડા ત્રણ કલાક સુધી જાણીતા કલાકારો દ્વારા પુરુષોત્તમ ઉપાધ્યાયના ગીતો રજૂ કરાયા હતા એમાં લોકપ્રિય ગીતો અને બેઠકની ગઝલો-ગીતો રજૂ કરાયા હતા.
પુરુષોત્તમ ઉપાધ્યાય એટલે સ્વરકાર-ગાયક અને ઉત્તમ પર્ફોમરની ત્રિવેણી... એક એવા કલાકાર જેમણે શ્રોતાઓના દિલોદિમાગ પર રાજ કર્યું. એક એવા કલાકાર જેમણે પુરુષોત્તમ ઘરાનાનું જાણે સર્જન કર્યું, એક એવા સ્વરકાર જેમણે લતા મંગેશકર – મોહમ્મદ રફી - સુમન કલ્યાણપુર અને બેગમ અખ્તર જેવા ગાયકો પાસે ગુજરાતી ગીતો ગવડાવ્યા. એક એવા કલાકાર જેઓ માનતા હતા કે બધો યશ માત્ર પોતાના કંઠને જ નથી, શ્રોતાઓના કાનને પણ છે. એમનો સ્વર શ્રોતાઓને પ્રિયતમાના આલિંગનથી પરમેશ્વરના આશરા સુધી લઈ જાય. એ ગાવાનું શરૂ કરે ત્યારે ગાયનમાં એકાકાર થાય અને સાંભળનારને પણ ભાવ સમાધિનો અનુભવ થાય. એવા કલાકાર જેમણે 1983માં એટલે કે આજથી 42 વર્ષ પહેલાં અમેરિકામાં 120 દિવસમાં 91 કાર્યક્રમો, અને એ પણ માત્ર ગુજરાતી ગીતોના પ્રસ્તુત કર્યા હતા. અમેરિકા ઉપરાંત કેનેડા-આફ્રિકાના દેશો અને અન્ય દેશો ઉપરાંત બ્રિટનમાં પણ ગુજરાતી ગીતોનો વિશેષ ચાહક વર્ગ ઊભો કર્યો હતો.
બ્રિટનમાં લેસ્ટર સ્થિત ચંદુભાઈ મટાણી ઉપરાંત વિનુભાઈ વડગામા, રમેશભાઈ પટેલ અને એવા અનેક સંગીત પ્રેમીઓએ એમના ગીતોના વધામણા કર્યાં હતાં. બ્રિટનમાં પણ એમની સંગીત બેઠકો નિયમિતપણે યોજાતી રહી હતી. છગનભાઈ ડાભી જેવા પુરુષોત્તમ પ્રેમી નિયમિત એમના ગીતો સાંભળે છે અને નવી પેઢીને પણ એ સંભળાવે છે.
15 ઓગસ્ટ 1934ના રોજ ઉત્તરસંડામાં જન્મ, માતા ખૂબ સારા ભજનો ગાતા, એ અર્થમાં પુરુષોત્તમ ભાઈને સંગીતનો વારસો મા પાસેથી મળ્યો. અમદાવાદમાં 8 વર્ષની ઉંમરે નાટકમાં ગીત ગાઈને 15થી વધુ વન્સ મોર મેળવ્યાં. મુંબઈમાં આવ્યા, ગિરગામમાં રહેતા થયા, ધીમે ધીમે સંગીતજગતના પરિચયો થતા ગયા. કલ્યાણજી-આણંદજી સાથે તો બાળપણ વિતાવ્યું. દિલીપ ધોળકિયા, આર.ડી. વ્યાસ. અવિનાશ વ્યાસ, મદન મોહન, જીતુભાઈ મહેતા, કાંતિભાઈ મહેતા, નિરંજન મહેતા યાદી બહુ લાંબી થાય છે. એમાંના એક તે મુંબઈ રહેતા તુષાર વોરા અને રોહિણીબહેન વોરા એમનું વતન ભાવનગર. એમના જ એક આયોજનમાં પુરુષોત્તમભાઈ 1958માં ભાવનગર આવ્યા અને આજ સુધી ભાવનગરમાં એમના ગીતો ગવાયા - ગવાશે. શરીરને અવસ્થા છે, સ્મરણો શાશ્વત છે.
કાર્યક્રમ આયોજકો પૈકીના એક અને જાણીતા તબલાવાદક શ્રી રીખવ મહેતા ઉપરાંત શરદ પરમાર, પ્રાર્થિત મહેતા, જય માણેકશા, સંદીપ વ્યાસ અને દેવ પરમાર તથા ફિરદોસ દેખૈયાએ વાદ્યવૃંદ વાદન કર્યું હતું.
અપેક્ષા ભટ્ટ, ડો. ફિરદોસ દેખૈયા, હારિત ધોળકીયા અને જાણીતાં ગાયિકા ગાર્ગી વોરાએ એ ગાયેલા ગીતોને શ્રોતાઓએ આકંઠ માણ્યા - મને પુરુષોત્તમભાઈની સંગીતયાત્રાના સંભારણાને શબ્દદેહ આપવાનો અવસર મળ્યો. ડો. વિનોદ જોષી, હરિશ્ચંદ્ર જોષી, અનંત વ્યાસ, ડો. ઉષા ઉપાધ્યાય, ડો. મહેન્દ્રસિંહ પરમાર, ધીરેન વૈષ્ણવ જેવા ગુણીજન શ્રોતાઓ અને એવા પરિવારના સભ્યો જેમણે પુરુષોત્તમભાઈને પોતાના કૂળગાયક માન્યા છે એવા પરિવારના શ્રોતાઓએ કાર્યક્રમને આકંઠ માણ્યો હતો.
પુરુષોત્તમ ઉપાધ્યાયના ગીતોમાં લોક સંગીત, શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીતની ત્રિવેણી ભળી હતી. વાદ્ય સંયોજન અને ધ્વનિમુદ્રણની એમને જાણકારી હતી, કેટકેટલી સાહજિક વિશેષતા હતી જેના કારણે એમના ગીતો શ્રોતાઓના હૈયાના દરબારમાં સ્થાન પામ્યા - પામતા રહેશે અને સૂરોના અજવાળા પથરાતાં રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter