‘બેટા, કામ કરશો ને તો વહાલા લાગશો... ઉંમર પ્રમાણે ઘરકામ શીખતાં જ જવું પડે, પછી ભલે તમે જીવનમાં એવા ઠરીઠામ થાવ કે તમારે જાતે કોઈ કામ કરવાનું ના આવે... પણ શીખવું તો બધ્ધું જ.’
દિવાળીના દિવસો હતા. ઘરમાં વરહ આખાનો કચરો સાફ થઈ રહ્યો હતો. દાદી પણ એ સફાઈમાં પુત્રવધૂ સાથે જોડાયા હતા અને યુનિવર્સિટીમાં ભણતી દીકરીને ઘરકામ માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા. દીકરી પણ સાફ-સફાઈ અને ઝાડુ-ઝૂપડમાં જોડાઈને આવડે એવી મદદ કરવા લાગી. અને પછી હસતાં હસતાં કહે, ‘તો પછી ડેડીને પણ આ કામમાં જોડાવું જોઈએને?’ એટલે બાએ તુરંત કહ્યું, ‘હા સાચી વાત છે, પુરુષ હોય કે સ્ત્રી ઘરકામ તો જાતે જ કરવા જોઈએ.’
આ વાતને બરાબર યાદ રાખીને જેવા ડેડી ઘરમાં આવ્યા એટલે તુરંત કહ્યું, ‘લો, ડેડી હવે તમે પણ દિવાળીના કામમાં લાગી જાવ, આ તમારા પુસ્તકોના ને કપડાંના ને કવિતાના ને અખબારોના ક્લિપિંગ્ઝના કબાટો અને ઘોડાઓ સાફ કરો. ને આજની તારીખે નકામું હોય તે ઓછું કરો. કારણ કે નવા વરસમાં પાછું નવું કેટલુંયે આવશે...’ ને દીકરીની વાતો સાંભળીને ડેડી પણ ઘરકામમાં હંમેશની જેમ જોડાયા.
સાંજે બધા જમીને બેઠા હતા, રંગોળી કરતા હતા ત્યારે બાએ એક પુસ્તક કાઢ્યું જે તેઓ હમણાં વાંચતાં હતાં. પુસ્તક હતુંઃ ‘અરધી સદીની વાચનયાત્રા’ (ભાગ-૨). મહેન્દ્ર મેઘાણીએ અનેક લેખકોના લેખ-કવિતા એમાં સંપાદિત કર્યા છે. એમાં એક નાનકડો પ્રસંગ ગુજરાતના ઈલાબહેન પાઠકે લખ્યો છે તે સહુને વાંચી સંભળાવ્યો જે કાંઈક આવો હતો. શબ્દો ઈલાબહેન પાઠકના છેઃ
‘અમે દાદીમાને મા કહેતા. ત્યારે અકારી લાગતી ઉપયોગી શીખ અનેકવાર સાંભરી આવે છે. તે જે કહેતા તે છેલ્લા ચાલીસ-પચાસ વર્ષથી જોતી આવી છું કે તેવું ને તેવું પ્રસ્તુત રહ્યું છે અને વ્યવહારુ પણ. તેઓ કહેતા, ‘કોઈને ચામ વહાલું નથી, કામ વહાલું છે. આગળ પડીને કામ કરી દઈશ તો સૌ કોઈ તને બોલાવશે. જ્યાં જઈએ ત્યાં ‘લાવો હું કરું’ કહીએ તો સામાને વહાલા લાગીએ. ઘરમાં, નોકરીમાં, કે સામાજિક કાર્યમાં ચામ વહાલું નથી, કામ વહાલું છે તે જોતી આવી છું.’
આટલું કહીને બાએ ઉમેર્યું કે જુઓ તમે તમારા જીવનમાં પણ આવો અનુભવ કરી શકશો. પછી ઉમેર્યું કે ‘ચાહે દેશમાં હો કે વિદેશમાં, જ્યાં જેના ઘરે જઈએ - રહીએ, એને અનુકૂળ થાવ, એના ગમા-અણગમા મુજબ ગોઠવાઈ જાવ, જે સુવિધાઓ છે તે ઉત્તમ છે એવું એમને જણાવતા રહો તો યજમાન રાજી રહેશે ને તમારા સંબંધો પણ વધુ મજબૂત બનશે.’
બાની વાતોમાં રહેલો સચ્ચાઈનો રણકો અને અનુભવ સમૃદ્ધિ બિલ્કુલ સાચા હતા અને એ વાતની અનુભૂતિ સહુને હતી એટલે દિવાળી નિમિત્તે એક સરસ મજાના - કર્મના દીવડાનો પ્રકાશ જાણે રેલાયો એવું સહુએ અનુભવ્યું.
•••
વાત બહુ મજાની છે, આખરે બાહ્ય દેખાવ કે મોટી મોટી વાતો નહીં, માણસનું કામ તેમાં રહેલી ગુણવત્તા અને સાહજિકતા જ બોલે છે. જ્યાં પણ હોઈએ, ઘર-પાડોશ-સોસાયટી-ઓફિસ કે સમાજ, કામમાં પહેલા હોય, આગળ પડતા હોય તેને સહુ આદર આપે છે. આમ જ્યાં જ્યાં કર્મના દીવડા પ્રગટે છે ત્યાં ત્યાં આવકારના અજવાળાં રેલાય છે.