‘ઈકતારા’ શબ્દ સાથે આ શીર્ષક સાથે સંગીતના કાર્યક્રમો કરતા પ્રતિભાવંત, અભ્યાસુ સૂરસાધક, ગાયક અને સ્વરકાર યુવાન હાર્દિક દવેએ હમણાં અમદાવાદમાં આમંત્રિત શ્રોતાઓ સમક્ષ એક કાર્યક્રમ રજૂ કર્યો. TEA POSTના સૌજન્યથી એમ્ફી થિયેટરના વાતાવરણમાં ઉઘાડ થયો સવારના પ્રભાતિયાના સૂરથી. નરસિંહ મહેતાના જાગને જાદવા પ્રભાતિયાથી આરંભાયેલ, સ્વરયાત્રા આગળ વધતી ગઈ. દ્વારિકા અને શ્રીકૃષ્ણ, ઝવેરચંદ મેઘાણીની રચના મોર બની થનગાટ કરે, બાબા ફરીદ, અમીર ખુશરો, નાઝીર દેખૈયા, કવિશ્રી દુલા ભાયા કાગની રચનાઓ રજૂ થઈ અને શ્રોતાઓ સ્વરયાત્રામાં એકાકાર થતા ગયા.
આપણી સંસ્કૃતિને સાચવીને બેઠેલા લોકજીવનના લોકગીતો અને પ્રાચીન ભજન વાણી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી ગઈ. મહત્ત્વનું એ હતું કે મોટા ભાગના શ્રોતાઓ યુવાન હતા અને આપણી સાંસ્કૃતિક ધરોહરરૂપી આ ગીતોને મન ભરીને માણી રહ્યા હતા.
વિશ્વપ્રસિદ્ધ ગાયક શ્રી પ્રફુલ્લ દવેના પુત્ર હાર્દિકને સંગીત વારસામાં મળ્યું જ છે એની સાથે સાથે લોકજીવન અને ભજન સાથેની સૂર-શબ્દની સોબત અને માધવપુરના દરિયાકાંઠે રહીને સાધના કરનાર, જ્ઞાનમાર્ગના સહજ આરાધક બ્રહ્મલીન પૂજ્ય શ્રી બ્રહ્મવેદાંતજીના આશીર્વાદ પણ મળ્યા છે.
શબ્દ પામીને, સૂર સાચવીને, મૂળ લય અને હલક સાથે, પ્રસ્તુતિ સમયે વિવેક અને સહજતા સાથે ગીતો ગાઈ રહેલા હાર્દિકને શ્રોતાઓએ ખુબ પ્રેમથી વધાવ્યો. લોકજીવન અને લોકસાથે જોડાયેલી વાતો - શૈલી અને પ્રાચીન ભજનવાણી મારા રસના વિષય એટલે મેં પણ એ કાર્યક્રમને માણ્યો અને પ્રસન્નતા અનુભવી. ‘ઈકતારા’ના સૂર આપણને એકસાથે જોડે ત્યારે અંતરમાં અનહદના દીવડા પ્રગટે છે ને આનંદના અજવાળાં રેલાય છે.