આ વ્યક્તિત્વ - આ કલાકાર આજે ૭૮ વર્ષની ઊંમરે પણ અનેક શારીરિક મર્યાદાઓ સાથે રોજ ૧૫ કલાક કામ કરે છે.
૫૧ વર્ષની એમની ફિલ્મ કારકિર્દીમાં છ જનરેશનની હીરોઈન સાથે ફિલ્મોમાં રોલ કર્યા છે.
અંગદાન માટેનો સંકલ્પ તેમણે હમણાં જ લીધો છે.
હિન્દી સિનેમા માટેની તેમની પહેલી સફળ ફિલ્મ ‘ઝંઝીર’ ટર્નિંગ પોઈન્ટ બની રહી છે.
હિન્દી સિનેમાને એંગ્રી યંગમેનની હીરોની ભેટ આપનાર એ કલાકાર એટલે અમિતાભ બચ્ચન, જેમનો ૧૧ ઓક્ટોબરે જન્મદિવસ છે. અમિતાભ બચ્ચન એક વ્યક્તિ માત્ર નહીં, બલ્કે એક સંસ્થા છે. ગુજરાતના સંદર્ભે વાત કરીએ તો ગુજરાત ટુરિઝમ માટે ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ પંક્તિ સાથે તેઓ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે.
જન્મ થયો ૧૧ ઓક્ટોબર ૧૯૪૨. અલ્લાહાબાદમાં પારિવારિક મિત્ર અમરનાથ ઝાએ ઈન્કિલાબ એવું નામ આપ્યું હતું, પછીથી એમના ઘરના પાડોશી અને કવિશ્રી સુમિત્રાનંદન પંતે આપેલું અમિતાભ નામ રખાયું. કોલકાતામાં એમણે શિપિંગ કંપનીમાં નોકરી પણ કરી છે, એ દરમ્યાન થિયેટર અને ફિલ્મના આકર્ષણને કારણે મુંબઈ આવ્યા. અમિતાભના ભાઈ અજીતાભનો એમાં સિંહફાળો કે એમણે જ મુંબઈ મોકલ્યા. ખ્વાજા અહેમદ અબ્બાસની ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’માં પ્રથમ વાર ૧૯૬૯માં એક્ટિંગ કરી. એટલે કે અભિનય ક્ષેત્રે ૫૧ વર્ષ પૂર્ણ કર્યાં.
મુંબઈમાં તીવ્ર સંઘર્ષ કર્યો. અભિનેતા મહેમૂદે એમને ખાસ્સો સપોર્ટ કર્યો અને ચાર વર્ષમાં ૧૦-૧૨ નિષ્ફળ ફિલ્મો આપ્યા બાદ ૧૯૭૩માં ફિલ્મ ‘ઝંઝીર’થી એમનો સિતારો ચમક્યો. દર્શકોને ભારતીય સિનેમાનો એક નવો હીરો મળ્યો. એંગ્રી યંગમેન... એંગ્રી યંગમેન તરીકે અનેક સફળ ફિલ્મો આપનાર અમિતાભ બચ્ચને ફિલ્મના મુખ્ય હીરો તરીકે કોમેડી સીન પણ એટલી જ પ્રખરતાથી ભજવ્યા અને કોમર્શિયલ ફિલ્મોથી હટકે એવી ક્લાસિક ફિલ્મોની વાત કરીએ તો ‘રેશ્મા ઔર શેરા’થી લઈને છેક ‘તીન’ અને ‘વઝીર’ સુધીની અનેક ફિલ્મો મળી, જેમાં પાત્રોનું અપરંપાર વૈવિધ્ય તેમણે નિભાવ્યું.
એક એવોર્ડ કાર્યક્રમમાં યશ ચોપરાએ અમિતાભને એવોર્ડ આપતાં કહ્યું કે હિન્દી સિનેમાનો આ એક એવો અભિનેતા છે, જે બિયોન્ડ સ્ક્રિપ્ટ અને બિયોન્ડ ડાયરેક્ટર જઈને કમિટમેન્ટ - ટોટલ ફોકસીંગ અને ડેડિકેશનથી કામ કરે છે. અક્ષય કુમારે એક આવા જ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં અમિતાભની કલાપ્રતિભા અને વ્યક્તિત્વની વાત કરીને કહ્યું હતું કે ‘યુ આર ધ ફાધર ઓફ અવર ઈન્ડસ્ટ્રી...’
કોઈએ સરસ કહ્યું છે કે અમિતાભ બચ્ચન છે એટલે હાસ્ય કલાકારોને પણ ઉત્તમ કોમેડી મળે છે. અમિતાભ બચ્ચન છે એટલે ‘આજ રપટ...’ કે ‘જુમ્મા ચુમ્મા...’ જેવા ગીતો પણ અશ્લિલતા વિના રજૂ થાય છે, અમિતાભ બચ્ચન છે એટલે ખબર પડે છે કે રાજનીતિ બધા માટે નથી હોતી અને અમિતાભ છે એટલે હોલિવૂડના એક્ટરો સામે હિન્દી સિનેમાના પાંચ દાયકાની કારકિર્દી ધરાવતા કલાકારનું નામ લઈ શકાય છે.
ભાષા પરનો એમનો કમાન્ડ પણ અદભૂત... આત્મીયતા-ઔદાર્ય, સૌહાર્દ અને શિસ્ત, ગૌરવ અને ગરિમા શ્રોતા-દર્શકને તુરંત સ્પર્શે... હિન્દી સિનેમાનો સર્વોચ્ચ એવો દાદાસાહેબ ફાળકે એવોર્ડ સ્વીકારતા એમણે કહ્યું હતું કે મારે હજી વધુ સારું કામ કરવું છે.
જાવેદ અખ્તરે એમના માટે કહ્યું છે, ‘અમિતાભ બચ્ચન રોજ રોજ નહીં પૈદા હોતે’. અનેક ઈન્ટરવ્યુમાં એવોર્ડ સમારોહમાં અમિતાભ કહી ચૂક્યા છે કે આ બધું જે કાંઈ છે તે માતા-પિતાના આશીર્વાદ - ઈશ્વરની કૃપા અને દર્શકોના પ્રેમને કારણે છે.
અમિતાભ બચ્ચન અભિનેતા તરીકે તો લોકહૃદયમાં સ્થાન પામ્યા જ, તેઓએ ફિલ્મોમાં ગીતો ગાઈને પણ ઉત્તમ પ્રદાન કર્યું છે.
કોઈ ચિંતકના જેવી ગહન-ગંભીર આંખો, સાગરના ઘૂઘવાટા જેવો અવાજ અને પોતાના કામ પ્રત્યેની નિષ્ઠાને કારણે ૧૯૬૯માં રજૂ થયેલી એમની પ્રથમ ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી આજ સુધી ઉત્તમ અદાકાર અને સદીના મહાનાયક, લિવિંગ લેજન્ડ તરીકે ઓળખાય છે. લોકહૃદયમાં સ્થાન પામ્યા છે. ૫૧ વર્ષની એમની કારકિર્દી હજુ વધુ આગળ વધતી રહે, એમને પરમાત્મા દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય આપે અને તેઓ અભિનયના અજવાળાં પાથરતા રહે એવી શુભકામનાઓ.