‘આ બધું સાંભળ્યા પછી સમજાય છે કે આપણે ઉપેક્ષિતોને બહુ અન્યાય કર્યો છે.’
‘આ લોકોના સંઘર્ષોની વાત સાંભળીને હચમચી જવાય છે, તો જેમણે ભોગવ્યું છે એમની દશા કેવી હશે?’
‘કહેવાતા વિકસિત સમાજે ઉપેક્ષિતોને અસુરક્ષિતતાને અવહેલના જ આપ્યા છે.’
આ અને આવા કેટલાય વાક્યો શ્રોતાઓ અરસ-પરસની વાતચીતમાં કહી રહ્યા હતા. સમાજે જેમની હંમેશા ઉપેક્ષા કરી, જેમને સન્માનપૂર્વક જોયા નહિ, જેમને આર્થિક – સામાજિક કે ‘સાંસ્કૃતિક’ વિકાસનો કોઈ મહત્ત્વપૂર્ણ લાભ આપ્યો નહિ એવા લોકોની જીવનશૈલી, રોજિંદુ જીવન, એમની સમસ્યાઓ અને પડકારો, એમના પ્રશ્નોના ઉકેલો અને એમના જીવનમાં સુધારા... સંદર્ભે ચર્ચા-સંવાદનો એક ઉત્તમ અવસર પ્રાપ્ત થયો હતો. મોરારિબાપુની ઉપસ્થિતિમાં મહુવા ખાતે યોજાયેલા ‘અસ્મિતા પર્વ’માં ઉપેક્ષિત સમાજના ત્રણ સમાજોમાં કામ કરનારા કર્મશીલોએ પોતાની વાત માંડી હતી.
‘અસ્મિતા પર્વ’ના ત્રીજા દિવસે એક વિશેષ બેઠકનું આયોજન થયું. જેમાં ગૌરાંગ જાનીના સંયોજન હેઠળ ઉપેક્ષિતોનો અવાજ વિષય પર ચર્ચા-સંવાદ થયા. કિન્નર સમાજ વિશે લક્ષ્મીનારાયણ ત્રિપાઠી, વિચરતા સમાજ વિશે મિત્તલ પટેલ અને આદિવાસી સમાજ વિશે સુજાતા શાહે વેદના-સંવેદના, પ્રશ્નો અને તેના ઉકેલો, સમાજનો અભિગમ અને સમાજોને જોવાની-માપવાની દૃષ્ટિ વગેરે વિશે રોજિંદા જીવનના તેમના અનુભવોના આધારે વાતો કરી. શહેરોમાં આધુનિક જીવનશૈલી અનુસરનારા લોકો માટે કેટલીયે વાતો કે હકીકતો સાવ નવી હતી.
ઉપેક્ષિતો એટલે કોણ? આ પ્રશ્ન સાથે શરૂ થયેલી સંવાદ યાત્રા પ્રશ્નોત્તરીના પ્રત્યેક પડાવે વધુ રોચક અને માહિતીપ્રદ બનતી ગઈ. શ્રોતાઓ સંવેદનાથી વધુને વધુ ભીંજાયા. સુજાતા શાહે કહ્યું કે આદિવાસીઓમાં સ્ત્રીઓનો દરજ્જો બહુ ઊંચો છે. ત્યાં ન્યાયી સમાજ વ્યવસ્થા છે, તેઓ ભોળા છે અને એમણે માનવ સંસાધનો અને કુદરતી સંસાધનોમાં સમતોલન સાધ્યું છે. આદિવાસી સમાજમાં બોલી જેને આપણે ભાષા કહીએ છીએ તેનું અપાર વૈવિધ્ય છે. ઓછા શબ્દોમાં તેઓ વધુ વાત કહે છે.
મિત્તલ પટેલે કહ્યું કે દુઃખની વાત એ છે કે વિચરતી અને વિમુક્ત જાતિના માણસો આજે પણ ઓળખાણ વગરના ગણાય છે. વિચરતી જાતિમાં બે પ્રકારના લોકો છે. એક જીવન જરૂરતની ચીજો પૂરી પાડનારા અને બીજા મનોરંજન કરનારા. એમણે ગામેગામ થોડો થોડા દિવસો રહેવું પડે અને વિચરતી જાતિ ભારત – પાકિસ્તાન – અફઘાનિસ્તાન બધે છે. પ્રદેશ જુદા છે પણ એમની ભાષા એક જ છે.
લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ કહ્યું કે કિન્નરોની અસ્મિતા મોગલકાળ પહેલાથી સચવાઈ છે. કિન્નરોમાં ગુરુ-ચેલાની સમાજ વ્યવસ્થા આજે પણ છે અને કિન્નરોએ હંમેશા પોતાના અસ્તિત્વને સાચવ્યું છે. એમની ભાષામાં પર્શિયન અને હિન્દીનું મિશ્રણ છે. કિન્નર સમાજને પહેલા સન્માન આપો અને પછી અમારી સંસ્કૃતિ વિશે જાણો એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. ત્રણ કલાક દરમિયાન ઉપેક્ષિત સમાજના આ ત્રણ પ્રતિનિધિઓએ જે વાતો કરી એના પરિણામે ઉપેક્ષિતોનો અવાજ – એમની સંવેદના વ્યાપકરૂપે જનસમાજ સુધી ‘અસ્મિતા પર્વ’ના માધ્યમથી પહોંચી અને સાંભળનારા સહુ એ આ દિશામાં હકારાત્મક કાર્ય કરવા વિચારતા થયા.
•••
મોરારિબાપુએ કથાવાંચનનો પ્રારંભ કર્યો ત્યારથી સમાજના વિવિધ વર્ગના વંચિતો - ઉપેક્ષિતો પ્રતિ એમની વ્યાસપીઠ પરથી કરુણા વરસતી રહી છે. શબરીધામ અને લીમખેડામાં આદિવાસી સમાજ માટે, એંડલામાં વિચરતી જાતિ માટે અને મુંબઈ થાણેમાં કિન્નર સમાજ માટેના વિષય પર કથાપ્રવાહ વહ્યો હતો અને એ રીતે આ લોકોને જોવાની દૃષ્ટિમાં કાંઈક બદલાવનો આરંભ થયો છે.
શહેરી, સભ્ય કે સુધરેલા સમાજની એ જવાબદારી છે કે ઉપેક્ષિતોની અવહેલના ન કરે, અવગણના ન કરે, પરંતુ રોજિંદા જીવનમાં એમનો સ્વીકાર કરે, એમને સન્માન આપે. એમના સમાજના યુવાનો હવે શિક્ષિત થતા જાય છે ત્યારે સમાજના મુખ્ય પ્રવાહમાં એમને સ્થાન મળે અને સરવાળે એમને માણસ તરીકેનું માન-સન્માન મળે એ દિશામાં આચાર-વિચાર અમલમાં મુકાય એ જરૂરી છે. આવું જ્યારે જ્યારે થતું જોવા મળે છે ત્યારે સામાજિક સુધારણાના દીવડા પ્રગટે છે ને અજવાળા રેલાય છે.