‘ઘણી વાર થાય કે આવું તો કેમ ચલાવાય અને પછી શાંતિથી વિચારું તો થાય કે દિવસમાં કેટલા લોકો સાથે ચર્ચામાં ઉતરવું, દલીલો કરવી, એટલે આખરે થાય કે આ તો આમ જ હોય હાંકે રાખો...’ એક ભાઈએ સહજપણે પોતાની લાગણી અભિવ્યક્ત કરી. મારો - તમારો - સહુનો એવો અનુભવ હોઈ શકે, જેમાં સામાન્ય માણસના પ્રશ્નોનો કોઈ ઉકેલ જ નથી. મોટા ભાગના પ્રશ્નો તો પાછા માણસો એટલે કે આપણી વચ્ચેના લોકો જ સર્જતા હોય છે. માણસ આટલો અસંવેદનશીલ કેવી રીતે થઈ શકે? આપણા પહેલા જે હતા એ ચિમ્પાન્ઝી કે વાંદરાને પણ સમજાય એવી વાત આજના માણસને કેમ નથી સમજાતી? એવો પ્રશ્ન પણ થાય. ક્યારેક આવો પ્રશ્ન જેને થાય એ પણ કોઈ બીજા પ્રસંગે વળી એવી જ રીતે વર્તતા હોય.
સાંપ્રત સમયના પ્રશ્નોની કે મુશ્કેલીઓની વાત કરીએ તો આજે પણ કેટલાય લોકો - સંસ્થાઓ રૂપિયા બે હજારની નોટ સ્વીકારતા નથી અથવા કેટલીક જગ્યાએ ફોર્મ ભરાવે છે. હવે જ્યારે ભારત સરકારની જ સૂચના છે કે આ નોટ સ્વીકારવી તો પણ તેઓ તો એમનું જ ધાર્યું કરે છે. ટ્રાફિકના સીધા સાદા નિયમોનું પાલન લોકોને કરવું નથી. ડાબી બાજુ ખુલ્લી રાખવાની જાહેર સૂચના હોવા છતાં લોકો કેટલીયે જગ્યાએ પુરી તાકાતથી ડાબી સાઈડ ચાર રસ્તા પર બ્લોક કરીને જ વાહનો ઊભા રાખે છે. ચાર રસ્તા પર થર્ડ લેનમાંથી ફર્સ્ટ લેનમાં જઈને ટ્રાફિકમાં અવરોધ કરનારાની સંખ્યા કાંઈ ઓછી છે? જ્યાં અને જ્યારે રસ્તો ઓળંગવાનો નથી ત્યાં અને ત્યારે ચાલીને રસ્તો ઓળંગતા લોકો બિન્દાસપણે હસતાં હસતાં પોતાનો અને વાહનચાલકોનો જીવ મુશ્કેલીમાં મુકે છે.
જ્યાં જ્યાં વધારે લોકો ભેગા થાય છે ત્યાં ત્યાં કતાર – ક્યુ કે લાઈનમાં ઊભા રહેવામાં માણસોને શું વાંધો હશે? સામે એક કાઉન્ટર હોય તો એક સાથે આ દિશામાં પાંચ–દસ લોકો ઊભા હોય.
બુફે ડીનરમાં બૌદ્ધિકો પણ સામેલ હોય, પાછળ આવી રહેલા લોકોનો ખ્યાલ કર્યા વિના, ધીમે ધીમે વાનગી લેવી, લઉં કે ના લઉં તે વિચારવું અને સૌથી મહત્ત્વનું કે મહામૂલું અન્ન, તેનો બગાડ કરવો... આવા દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે.
સંગીતના કાર્યક્રમો કે નાટક જોનારા કેટલાક લોકો સતત પોતાના મોબાઈલના સ્ક્રિન પર બિઝી હોય, પાછળ બેઠેલાને એમના સ્ક્રિનનો પ્રકાશ નડ્યા કરે, એમની ફોન પરની વાતો પરાણે સાંભળવી પડે, બોલો શું કરવું?
મહાનગર હોય કે નાનું શહેર, ગ્રાઉન્ડ ફ્લોર પર જેમની દુકાનો હોય તેઓ જાણે ફૂટપાથ અને એનાથી આગળનો રસ્તો પોતે ખરીદી લીધો હોય એમ ત્યાં બીજા લોકોને વાહન પાર્ક કરવા ના પાડે... ત્યાંનો સિક્યુરિટી પણ એમના દ્વારા પેઈડ હોય એમ લોકોને રોકે, ‘બીજે ગમેત્યાં પાર્ક કરો, અહીં નહીં’ એમ કહે...
મોંઘી ટ્રેનમાં કે પ્લેનમાં પણ લોકો એમની સાથેના પ્રવાસીઓ સાથે જોર–જોરથી વાતો કરે... ભલા માણસ બીજા લોકોનો તો વિચાર કરો.
સમૂહમાં અને સાથે રહેવાનું થાય ત્યારે પોતાના મન કે શરીરને અનુકૂળ ન હોય એવી સ્થિતિ આવે ત્યારે કેટલાય માણસો લાઉડલી વર્તે છે, જરા તો શાંતિ રાખો, થોડું તો સહન કરો, સાથે રહેવાનું છે તો પરસ્પર પ્રેમ દાખવી થોડું જતું પણ કરો.
સમાજજીવનમાં જે પોતાના વિચારોને સાથ ન આપે એમને ‘સાથે નહીં તો સામે જ’ માની લેવાની વૃત્તિ વધી રહી છે. ઘણી વાર થાય કે બે માણસના વિચારો તો જુદા હોવાના જ ને! ઘટનાઓ નાની નાની હોય છે, સવારમાં ચા પીએ તેમાં ખાંડ વધારે હતી અને આદુ નાંખવાનું ભુલાઈ ગયું હતું ત્યાંથી શરૂઆત થઈ શકે. સામાન્ય માણસ જાહેર જીવનમાં - અંગત જીવનમાં - ઓફસમાં - ધંધામાં ક્યાં અને કેટલો રજૂઆત કરે એના કરતા એને થાય કે જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરી લેવો. મનના ઉદ્વેગો - વિચારવાયુ - જાતનું પીડન તો ઓછું થાય. આવું થતું હશે ત્યારે કયા અજવાળાં રેલાતાં હશે?