વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા...

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 25th January 2021 07:39 EST
 
 

‘મને તો આમાં રાષ્ટ્રગૌરવ અને દેશદાઝ માટેની પ્રતિતિ દેખાય છે...’ ભારતીય યુવા ટીમે ઓસ્ટ્રેલિયાની સ્ટાર ટીમ સામે ઝળહળતો વિજય મેળવ્યો એ પછી કોઈકે કહ્યું.
‘દેશ માટે સમર્પિત આવા કર્મવીરોની યશગાથા ઘરઘરમાં પહોંચાવી જોઈએ...’ અમિતાભ બચ્ચનના કૌન બનેગા કરોડપતિ શોના અંતિમ એપિસોડમાં ‘કર્મવીર સ્પેશીયલ’ નિહાળીને સાંભળેલો સંવાદ.
‘સેનામાં ભલે ભરતી ન થયો, જે ક્ષેત્રમાં છું ત્યાં રાષ્ટ્રભક્તિ નિભાવું તો પણ મને આનંદ થાય...’ ઈન્ડિયન આઈડલ શોમાં પ્રજાસત્તાક પર્વમાં એક યુવાન બોલી ઊઠ્યો.
૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ છે અને ૩૦મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન. સહજપણે રાષ્ટ્રપ્રેમ - રાષ્ટ્ર ગૌરવ - સ્વતંત્રતાની લડત અને શહીદોના બલિદાન, આજે દેશ માટેની આપણી જવાબદારી જેવા વિચારો અને વાતો મનમાં - સંવાદમાં - માધ્યમોમાં છે, જેના કારણે હૈયું રાષ્ટ્રપ્રેમથી પુલકિત થાય છે. આ સંજોગોમાં અચાનક ઘરની લાઈબ્રેરીમાં ગોઠવાયેલા એક પુસ્તક પર ધ્યાન ગયું. માત્ર વાંચ્યું એમ નહિ, શબ્દ થકી જાણે રાષ્ટ્રગૌરવના રંગે રંગાયો.
લેફ્ટનન્ટ કમાન્ડર કર્મવીર સિંહ લિખિત ‘આપણો રાષ્ટ્રધ્વજ’ નામના પુસ્તકનું પ્રકાશન કર્યું છે પ્રકાશન વિભાગ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાતી અનુવાદક છે દીપક ધોળકીયા. કેટકેટલી ઐતિહાસિક માહિતી-ઘટનાક્રમ અને સંદર્ભોથી માહિતગાર થવાયું. ન્યાયી અને સંગઠિત ભારતનું દર્શન છે રાષ્ટ્રધ્વજમાં. રાષ્ટ્રધ્વજ કોઈ પણ દેશનું સૌથી વધુ પવિત્ર પ્રતિક છે.
આપણો રાષ્ટ્રધ્વજ શબ્દ ત્રણ વાતનું સૂચન કરે છેઃ ૧. પતાકા એટલે હવામાં ફરકતું કપડું ૨. કેતુ એટલે પતાકામાં બનાવેલી મુદ્રા અને ૩. યષ્ટિ એટલે પતાકાવહન માટેનો દંડ.
૩ જૂન ૧૯૪૭ના રોજ ભારતને સ્વતંત્રતા આપવાના બ્રિટિશ સરકારના નિર્ણયની ઘોષણા થઈ. ૨૩ જૂન ૧૯૪૭ રોજ સ્વાધીન ભારતનો ધ્વજ સુચવવા એક એડહોક સમિતિ બનાવવામાં આવી. વિશદ્ ચર્ચા - બેઠક બાદ ૧૪ જુલાઈ ૧૯૪૭ના રોજ કમિટીએ લીધેલા નિર્ણયોના આધારે ૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ ધ્વજના નમૂના બંધારણ સભામાં રજૂ કરાયા.
પંડિત જવાહલાલ નેહરુએ તે સમયે કહ્યું હતું કે, ‘આ ધ્વજ માત્ર આપણી નહિ, એને જોનારી બધી પ્રજાઓની સ્વતંત્રતાનો ધ્વજ છે.’
શ્રીમતી સરોજિની નાયડુએ કહ્યું હતું કે, ‘આ ધ્વજ તળે રાજા અને ખેડૂત વચ્ચે, ધનવાન અને ગરીબ વચ્ચે, પુરુષ અને સ્ત્રી વચ્ચે કોઈ ભેદ નથી.’
ડો. રાધાકૃષ્ણને કહ્યું હતું કે, ‘અશોક ચક્ર ધર્મચક્ર છે, વળી ચક્ર સૂચન કરે છે કે સ્થગિતતામાં મૃત્યુ છે, ગતિમાં જીવન છે.’
૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ સમારંભ થયો જેમાં ભારતીય ત્રિરંગો પહેલી વાર ગગનમાં ધ્વજદંડ પર લહેરાયો. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ લાલ કિલ્લાની રાંગ પર તિરંગો લહેરાયો. ભારતના રાષ્ટ્રધ્વજના પરિમાણો, એની ડિઝાઈન બનાવનાર વ્યક્તિઓ, ધ્વજસંહિતા, જેવી અનેક બાબતોથી આપણને અવગત કરે છે આ પુસ્તક.
ઐતિહાસિક ઉલ્લેખો પર નજર માંડીએ તો, રામાયણ-મહાભારત કાળમાં પણ ધ્વજની પરંપરા હતી. મહારાજા ઈન્દ્રનો ઈન્દ્ર ધ્વજ, અર્જુનનો કપિ ધ્વજ, રાવણનો કપાલ ધ્વજ અને વીણા ધ્વજ, કૃષ્ણનો ગરુડ ધ્વજ જાણીતા છે. રામના ભાઈ ભરતે ધ્વજમાં કોવિદાસ નામનું વૃક્ષ પ્રતીક તરીકે રાખ્યું હતું તો રામે રાખેલા ધ્વજમાં તેમના કુળદેવતા સુર્યની આકૃતિ હતી. યુધિષ્ઠિરના ધ્વજમાં મૃદંગની જોડી નંદ-ઉપનંદની આકૃતિ હતી. ભીષ્મના ધ્વજમાં તાલવૃક્ષ પ્રતીકરૂપે હતા.
ભારતના રાષ્ટ્રધ્વજનો વિચાર પહેલી વાર કરાયો ત્યારથી લઈને ક્રમિક વિકાસ સુધીની કથા-ઇતિહાસ પણ એટલા જ રસપ્રદ છે. આપણા સહુનો અનુભવ છે કે દેશ-વિદેશમાં જ્યાં અને જ્યારે પણ રાષ્ટ્રધ્વજનો ઉલ્લેખ થાય, દૃશ્ય-ચિત્ર નીરખીએ, દેશભક્તિના ગીતો ગાઈએ કે ધ્વજને સલામી આપીએ ત્યારે આપણું હૈયું ગૌરવથી નાચી ઊઠે છે, દિલ ગાઈ ઊઠે છે... વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા...

•••

દુનિયાના પ્રત્યેક સ્વાધીન રાષ્ટ્રની પોતાના રાષ્ટ્ર ધ્વજ ઉપયોગને લગતી વ્યાપક અને વિસ્તૃત પરંપરાઓ છે. ભારતમાં પણ રાષ્ટ્ર ધ્વજના ઉપયોગની સંહિતા છે, જરૂરી છે કે આપણે નાગરિક તરીકે એનાથી માહિતગાર રહીએ. બાળકોને પણ એનાથી અવગત કરીએ. આપણા રાષ્ટ્રના પવિત્ર પ્રતીકને છાજે એ રીતે એને સલામી આપીએ ત્યારે રાષ્ટ્રભાવનાના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter