‘મારે દુનિયાને આ વ્હાઈટ રણ બતાવવું છે’
૧૯૭૦ના દાયકાના અંતિમ વર્ષોના કાલખંડમાં યુવાન વયે શ્રી નરેન્દ્ર મોદીએ તે સમયના ધોરડો ગામના સરપંચ ગુલબેગ મીયાં હુસૈનને કહ્યું હતું.
૨૦૧૬ના નવેમ્બરમાં ગેટ વે ટુ રન રિસોર્ટમાં શિયાળાનો તડકો ઝીલતા ઝીલતા વર્તમાન સરપંચ અને ગુલબેગ મીયાં હુસૈનના દીકરા મીયાં હુસૈન ગુલબેગ મુનવા સંસ્મરણો કહી રહ્યા હતા.
૧૯૭૯ના એ સમયે સ્થિતિ એવી હતી કે મોટા બેટારા-લાઈવારા જેવા કેટલાક ગામોમાં ખારું પાણી આવી ગયું. ગામ છોડવું પડે એવી દશા હતી. જાણીતા ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફ અહીં આવ્યા હતા. ગુલબેગ મીયાં હુસૈને કહ્યું કે, ‘હવે આપણે બીજા ગામમાં મળીશું.’ કારણ આપ્યું. કાંતિસેન શ્રોફે પોતાના ખર્ચે પ્રશ્ન ઊકેલ્યો. ગામ ન છોડવા કહ્યું. બધી મદદ કરી. આ દરમિયાન નરેન્દ્રભાઈ અહીં આવ્યાં અને સફેદ રણમાં ગયા ત્યારે એમણે આ વાક્ય કહ્યું.
લાગણીવશ થઈને ગુલબેગ મુતવા કહે છે, ‘નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એ પછીના થોડાક દિવસોમાં ગાંધીના ગામમાં આવ્યા હતા. મારા પિતા સાથેના સંસ્મરણો યાદ કરીને મને કહ્યું કે ‘રણ થકી રોજગારીનું કામ કરવું છે.’
વેકરિયાના રણમાં રણોત્સવની શરૂઆત થઈ. પછી ભીરંડીયારા પાસે અને પછીથી ધોરડોમાં રણોત્સવ યોજાતો થયો. રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે તે સમયે નરેન્દ્રભાઈએ અહીં ચિંતન શિબિર પણ કરી. આરંભે ૧૫ દિવસ માટે આ રણોત્સવ યોજાતો હતો. જેમ પ્રવાસીઓ વધુ આવતા થયા એમ સમય વધતો ગયો. આ સિઝનમાં સાડા ત્રણ મહિના માટે રણોત્સવનું આયોજન કરાયું છે.
સ્થાનિક લોકોને વિપુલ માત્રામાં આના કારણે રોજગારી મળતી થઈ છે. ડ્રાઈવરો, વાહનોના માલિકો, ઊંટવાળા, હોટેલવાળા, સ્થાનિક રોજીંદુ કામ કરનારા અને હસ્તકલાના કારીગરો તથા કલાકારો એમને મળતા કામથી રાજી રાજી છે. વિશેષ કરીને ઘરમાં રહીને કામ કરતી બહેનો વિશેષ પ્રમાણમાં સ્વરોજગારી મેળવતી થઈ છે હસ્તકલા દ્વારા.
ધોરડો ગામમાં શૈક્ષણિક સુવિધા વધી છે અને શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે. જેનું પ્રતિનિધિત્વ અંગ્રેજી વિષય સાથે એમ.એ.નો અભ્યાસ કરનાર હુરીબાઈ જેવી દીકરી છે.
વર્તમાન સરપંચ મીયાં હુસૈન ગુલબેગ મુતવા કહે છે એક સમયે મેં એટીએમ માટે બેંક અધિકારી પાસે માગણી કરી તો નવાઈ લાગી હતી. આજે ૨૦૧૦થી અહીં એટીએમ સુવિધા છે. વાઈફાઈ અને ઓપ્ટિકલ ફાઈબરની અહીં સુવિધા છે. ગુગલ પર DH લખો ત્યાં DHORDO આવી જાય એવી ઓળખ આ ગામની આજે વિશ્વમાં થયાનો આનંદ સહુને છે. બન્નીના ૪૫ જેટલા ગામો છે તેમાંના અનેક ગામોના લોકોને રણોત્સવ થકી રોજગારી મળી છે. આજે ગામમાં બેંક પણ છે. ગામડા ગામના લોકો લોકબોલીમાં કહે છે કે અમે સાવ છેવાડે જીવતા હતા, હવે આગળ આવી ગયા છીએ. અને તેનો સઘળો યશ ગુજરાતના પનોતા પુત્ર અને વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે.
ગેઈટ વે ટુ રન રિસોર્ટ્સ ગ્રાન્ટમાંથી બનાવ્યું છે સરકારે અને સંચાલન ધોરડો ગ્રામ પંચાયત સમિતિને સોંપ્યું છે. સમિતિ દ્વારા ધોરડો ગામમાં હોસ્પિટલ ચલાવાય છે, જેનો લાભ ગ્રામીણ લોકો લઈ રહ્યા છે.
વાતમાં જોડાતા ગુજરાત ટુરિઝમના અધિકારી નીરવ મુન્શી કહે છે કે ટુરિસ્ટોને અહીં ટેન્ટ સિટીમાં આધુનિક સુવિધાથી સજ્જ ટેન્ટ અને ક્રાફ્ટ બજાર જ્યારે રણોત્સવમાં પેરા મોટરિંગ, એટીવી, ગોલ્ફ કાર્ટ, આર્ચરી વગેરેનો આનંદ મળી રહ્યો છે.
સફેદ રણ - વ્હાઈટ રણ જાણે આ વિસ્તારની સિકલ જ બદલી નાંખી છે.]
•••
એક વ્યક્તિ માત્ર સપનું જુએ એમ નહીં સમય એમને સાથ આપે ત્યારે એ સપનાને સાકાર કરીને બહુજન હિતાય આવું કાયમી સ્વરૂપ આપે ત્યારે એ દૃશ્ય સહુના માટે રમણીય બની જાય છે.
કચ્છ અને ગુજરાતની ઓળખ બની ગયેલ રણોત્સવનો લ્હાવો લેવા દેશ-વિદેશથી લોકો આવે છે ને કચ્છના પ્રવાસન સ્થળો તથા હેન્ડિક્રાફ્ટથી પ્રભાવિત થાય છે.
પહાડ - રણ - દરિયો અને ધરતી બધું જ અહીં કુદરતે આપ્યું છે અને એમાં શિરમોર-છોગારૂપ બન્યું છે વ્હાઈટ રણ. વિશ્વનું પ્રવાસન તોરણ બન્યું છે વ્હાઈટ રણ. પ્રકૃતિ - પ્રવાસન અને પરિશ્રમની ત્રિવેણી સર્જાય ત્યારે સંકલ્પસિદ્ધિ થકી અજવાળા રેલાય છે.