‘વિશ્વાસ સ્વરૂપમ મહાદેવને આત્મસાત્ કરવા વિવેક, ધૈર્ય અને આશ્રયની જરૂર છે...’ આ શબ્દો પૂ. મોરારિબાપુએ નાથદ્વારામાં વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા ‘વિશ્વાસ સ્વરૂપમ્’ના લોકાર્પણ નિમિત્તે યોજાયેલી શ્રી રામકથામાં કહ્યા હતા. શ્રીજીની નગરી, શ્રીનાથજી નાથદ્વારામાં સંત કૃપા સનાતન સંસ્થાન દ્વારા આ દિવ્ય અને ભવ્ય આયોજન કરાયું છે.
વ્યાસપીઠ પાસે બનેલી વિરાટ મૂર્તિની પ્રતિકૃતિને પૂજ્ય મોરારિબાપુ, પૂ. રામદેવજી મહારાજ, પૂ. સતુઆ બાબા સંતોષદાસજી (વારાણસી), રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ લોકાર્પિત કરી હતી. આ સમયે શ્રી મદન પાલીવાલે એમના હૃદયની વાત અને 36 વર્ષોની પૂજ્ય બાપુ સાથેની યાત્રાના સ્મરણ કહ્યા હતા.
નાથદ્વારા જતાં માર્ગ પરથી જ એક વિરાટ સ્વરૂપ હવે દેખાશે અને તે છે સ્ટેચ્યુ ઓફ બિલિફ. તેના પર થયેલી રોશનીથી રાત્રે પણ આ મૂર્તિના દર્શન થઈ શકશે. શ્રીનાથજીના દર્શને આવતા ભક્તો માટે અને અહીંથી પસાર થતા લોકો માટે દૂરથી જ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે શિવજીની આ વિરાટ પ્રતિમા વિશ્વાસ સ્વરૂપમ્.
વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા 369 ફૂટ ઊંચી છે જેને ‘વિશ્વાસ સ્વરૂપમ્’ નામ અપાયું છે. આ પ્રતિમાના સર્જનનો સંકલ્પ આજથી દસ વર્ષ પહેલાં થયો હતો અને હવે ભવ્ય પ્રતિમા તથા શાનદાર પરિસરનું નિર્માણ સાકાર બન્યું છે.
નાથદ્વારામાં ગણેશ ટેકરી પર 51 વીઘા પહાડી જમીન પર આ સંકુલનું નિર્માણ કરાયું છે. વિશ્વાસ સ્વરૂપમ્ મૂર્તિમાં ભગવાન શિવ ધ્યાન તથા અલ્લડ મુદ્રામાં વિરાજિત છે. નાથદ્વારા આવનારા લોકોને દિવસે અને રાત્રે દૂરથી પણ દેખાય એટલી ઊંચી આ પ્રતિમા છે. આ પ્રતિમામાં લિફ્ટ, સીડી, સભાગૃહ વગેરે પણ છે. પ્રતિમાના નિર્માણ દરમિયાન 3000 ટન સ્ટીલ અને લોખંડ, 2.5 લાખ ક્યુબિક ટન કોંક્રીટ અને રેતીનો વપરાશ કરાયો છે. કલાકે 250 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તો પણ સ્થિર રહી શકે એવી મજબૂત પ્રતિમા છે. ‘સ્ટેચ્યુ ઓફ બિલીફ’ નામે ઓળખાવાયેલી આ પ્રતિમાની કલ્પના દેશ-વિદેશમાં અનેક વ્યવસાયો સાથે જોડાયેલા સુપ્રસિદ્ધ મિરાજ ગ્રૂપ-ઉદયપુરના ચેરમેન શ્રી મદન પાલીવાલે કરી હતી. અને આ કલ્પનાને અનુરૂપ મૂર્તિ નિર્માણ સ્ટુડિયો માટુરામ આર્ટ દ્વારા કરાયું છે. આ પ્રતિમા બનાવી છે શ્રી નરેશભાઈએ.
આ પ્રતિમામાં જે સભાગૃહ છે તેમાં હજારો લોકો એકસાથે પ્રવેશ મેળવી શકે છે. આ એક એવું સંકુલ છે જ્યાં જનાર વ્યક્તિ સાવ સરળતાથી પાંચ-સાત કલાક ત્યાં ગાળી શકે છે. પ્રતિમામાં અલગ અલગ ઊંચાઈએ જ્યાં ચાર લીફ્ટ છે. પ્રતિમાના શિખર પરથી બહાર નજર કરનારને સમગ્ર નાથદ્વારા શહેરનો અદભૂત નજારો જોવા મળે છે.
અહીંની વિશેષતાઓ અનેક છે. જેમાં 4 લિફ્ટ, 700 સીડી, ગ્લાસ બ્રીજ, જળાભિષેક વગેરે છે. અહીં આવનાર વ્યક્તિ અધ્યાત્મ અને આર્કિટેક્ચરના સંગમ રૂપ આ અદભૂત સ્થાનને જોઈ આહલાદકતાનો અનુભવ કરશે. વિશ્વાસ સ્વરૂપમ્ પ્રતિમાના લોકાર્પણ અવસરે રામકથામાં પૂજ્ય મોરારિબાપુએ અહીં રોજ સવાર-સાંજ નિયમિત આરતી કરવા આહ્વાન કર્યું.
રામકથાના શ્રોતા તરીકે ચાર દાયકાથી વધુ સમયથી મારી યાત્રા રહી છે. જેમાં સમયે સમયે ક્યાંક, ક્યારેક, દેશ-વિદેશમાં મને કથા શ્રવણનો લ્હાવો મળ્યો છે અને એમાંથી જે પ્રાપ્ત થયું છે, જે સંબલ મળ્યું છે એ મારી અનુભૂતિ છે, જેમાં સર્વ સામાન્ય એક તે વિશ્વાસ છે. મહાદેવના ચરણોમાં જે વિશ્વાસ સંપાદન થાય, એ વિશ્વાસના અજવાળાં અહીં વિશ્વાસ સ્વરૂપમના દર્શને આવનારના ચહેરા પર ઝીલાતાં રહ્યા અને વિશ્વાસના અજવાળાં રેલાતાં રહેશે.