‘આજથી મંદિરની જગ્યામાં પૈસા કે બીજા કોઈ સ્વરૂપે દાન સ્વીકારાશે નહીં’ રાજકોટ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના જલારામ મંદિરે ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજ કરેલી જાહેરાતથી ઘણાને નવાઈ લાગી હતી. આજે આટલા વર્ષેય ત્યાં ડોનેશન સ્વીકારાતું નથી. અવિરત ચાલતા અન્નક્ષેત્રમાં ભક્તો પ્રસાદ લઈને ધન્ય બને છે. દિવ્ય ચરિત્ર, માનવતા અને સેવાના ભેખધારી જલારામ બાપા. એમના પ્રપૌત્ર જયસુખરામ બાપા કહેતા, ‘અમારે દાન નથી જોઈતું. આપની આસપાસના જરૂરિયાતમંદોને મદદ કરો.’
૧૪ નવેમ્બર ૧૭૯૯ - વિક્રમ સંવત ૧૮૫૬ - કારતક સુદ સાતમે લોહાણા સમાજમાં માતા રાજબાઈ ઠક્કર અને પિતા પ્રધાન ઠક્કરના પરિવારમાં એમનો જન્મ થયો. ગૃહસ્થ જીવન અને પિતાના વ્યવસાયમાં બહુ રસ ન હતો. યાત્રાળુઓ અને સાધુ-સંતોની સેવામાં આનંદ લેતા. ૧૮૧૬માં આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરના દીકરી વીરબાઈ સાથે લગ્ન થયા. એમણે પણ જલારામ બાપાને માનવસેવાના કાર્યમાં સાથ આપ્યો. ભોજા ભગતના અનુયાયી બન્યા અને એમની પાસેથી ગુરુ મંત્ર, માળા અને શ્રીરામ નામનો સ્વીકાર કરી, એમના જ આશીર્વાદથી સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકો માટે ૨૪ કલાક - ૩૬૫ દિવસ ચાલતું સદાવ્રત શરૂ કર્યું. એક દિવસ એક સાધુ આવ્યા. એમણે શ્રીરામની મૂર્તિ આપતા ભવિષ્યવાણી કરી કે ભવિષ્યમાં હનુમાનજી પણ આવશે. જલારામ બાપાએ પરિવારના દેવ તરીકે મૂર્તિની સ્થાપના કરી. થોડા સમય બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ મળી આવી. સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ સ્થાપાઇ. જલારામ બાપાના સેવાકાર્યમાં ગામલોકોએ પણ સહયોગ કર્યો. દરજીકામ કરતા હરજીભાઈ માટે જલારામે પ્રાર્થના કરી. તેમનું દર્દ મટ્યું અને હરજીભાઈએ ‘બાપા’ સંબોધન કર્યું ત્યારથી તેઓ જલારામ બાપા તરીકે ઓળખાયા. હિન્દુ-મુસ્લિમ બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા.
બહુ જાણીતી ઘટના છે કે એક વાર ભગવાન વૃદ્ધ સંતનું રૂપ લઈ તેમના આંગણે આવ્યા અને કહ્યું કે પોતાની સેવા માટે વીરબાઈમા દાનમાં આપો. જલારામ બાપાએ વીરબાઈમા સાથે વાત કરી. તેમની રજા મળતા સંત સાથે મોકલ્યા. થોડે દૂર જઈ સંત જતા રહ્યા. વીરબાઈમા એકલા પડ્યા. આકાશવાણી થઈ કે દંપતીની મહેમાનગતિ ચકાસવા આ પરીક્ષા હતી. તે સંત વીરબાઈમા પાસે એક દંડો અને ઝોળી મૂકતા ગયા હતા. વીરબાઈમા ઘરે આવ્યા. આજેય વીરપુરના મંદિરમાં દંડો અને ઝોળીના દર્શન કરી શકાય છે.
વીરપુરમાં જલારામ બાપા રહેતા હતા ત્યાં તેમની વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી મૂર્તિઓ મૂકાઇ છે. જલારામ બાપાનો જે ફોટો છે એ તેમનો દેહ રામશરણ થયો તેના વર્ષ પહેલાં બ્રિટિશ ફોટોગ્રાફરે લીધો હતો. સતત ચાલતા સદાવ્રતમાં ભક્તો દાનનો પ્રવાહ સતત વહાવતા હતા. ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજ મંદિર જગ્યા તરફથી જાહેર થયું કે કોઈ દાન સ્વીકારાશે નહીં. દાનપેટી જ હટાવી લેવાઇ! વીરપુર સિવાય બ્રિટન, આફ્રિકાના દેશો અને ભારતભરના જલારામ મંદિરોમાં આજેય ભક્તો ખીચડીનો પ્રસાદ ભાવથી જમે છે અને જલારામ બાપાનું સ્મરણ કરે છે.
•••
વિશ્વવંદનીય સંત જલારામ બાપાના પ્રપૌત્ર અને વર્તમાન ગાદીપતિ રઘુરામ બાપાના પિતા જયસુખરામ બાપા ૮૮ વર્ષની ઉંમરે ૨૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ રામશરણ થયા. રાજકોટમાં એમના પાર્થિવ દેહને રાજકોટથી વીરપુર લવાયો અને લાખ્ખો ભક્તોએ એમના દર્શન કર્યાં. પૂ. મોરારિ બાપુની ઉપસ્થિતિમાં અંતિમવિધિ સંપન્ન થઈ. સ્વાભાવિક જ જલારામ બાપાના સમગ્ર ચરિત્રનું, વીરપુર જગ્યાના મહત્ત્વનું અને કોઈ પણ સ્વરૂપે દાન નહીં સ્વીકારવાના નિર્ણયનું સ્મરણ થયું. આજે પણ અન્નક્ષેત્ર ચાલુ છે જ્યાં ભક્તો પ્રસાદી પામે છે. આજે ધર્મસ્થાનોમાં દાન આપનારાનો અને દાનનો મહિમા થતો જોવા મળે છે ત્યારે ભારતનું કદાચ આ એક માત્ર મંદિર છે જ્યાં દાન નથી સ્વીકારાતું. આવું બને છે ત્યારે માનવતાના દીવડા ઝગમગી ઊઠે છે અને આસપાસ અજવાળાં રેલાય છે.
લાઈટ હાઉસ
વીરપુરના જોગી જલિયાણ,
તમે કરો છો સૌનું કલ્યાણ