‘માણસની અંદર રહેલો માંહ્યલો જાગે તો તેનું જીવન ધન્ય થઈ જાય છે.’ આ શબ્દો કહ્યા હતા પૂજ્ય મોરારિબાપુએ. અવસર હતો સાણંદ સ્થિત માનવ સેવા ટ્રસ્ટના મનુભાઈ બારોટ આયોજિત માતૃવંદના કાર્યક્રમનો.
સાણંદના નળ સરોવર રોડ પરની હાઇસ્કૂલમાં મોરારિબાપુના હસ્તે ૨૦ માતાઓનું રૂ. ૨૫ હજારના બોન્ડ તેમજ શાલ આપીને સન્માન કરાયું હતું. દીકરીને જન્મ આપીને દીકરાથી પણ સવાયુ શિક્ષણ અપાવનાર સાત મહિલાઓનું પણ સન્માન કરાયું હતું. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા તમામ મહિલાઓને વિમાન માર્ગે હરિદ્વારનો યાત્રા પ્રવાસ કરાવાયો ત્યારે આ તમામ મહિલાઓ હર્ષિત થઈ ઊઠી હતી.
ગ્રેજ્યુએટ થઈને પાનના ગલ્લાની શરૂઆત કરનાર મનુભાઈએ ‘પીડ પરાઈ જાણે રે...’ શબ્દો સાર્થક કર્યા છે. જરૂરિયાતમંદ લોકો સુધી તેઓ રાજ્ય સરકાર, સમાજના શ્રીમંતો અને આસપાસની કંપનીઓની આર્થિક મદદથી જરૂરી લાભો પૂરા પાડવામાં માધ્યમ બને છે!
માતા સમુબેન અને પિતા જીવાભાઈના સંતાન મનુભાઈનો ઉછેર સાણંદ ગામમાં. બાળપણ-યુવાની સંઘર્ષમાં વીતી. હાઈસ્કૂલ સુધી સાણંદમાં ને કોલેજ શિક્ષણ અમદાવાદમાં લીધું. દરમિયાન સાણંદ બસ સ્ટેન્ડમાં પાણી વેચવાનું કામ કરી ઘરને આર્થિક ટેકો આપ્યો. સતત લોકોને મળવાનું થાય એટલે સામાન્ય માણસોના પ્રશ્નો-વેદનાઓ માટે સંવેદના જાગી ને ૨૦૦૩માં માનવ સેવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના મિત્રોના સહકાર સાથે કરી.
હેલ્થ ચેકઅપ, બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ, શૌચાલય અભિયાન જેવા જાગૃતિના કાર્યો વધતા ગયા. લોકો જોડાતા ગયા આ પ્રવૃત્તિમાં ને વ્યાપ વધતો ગયો. એમના મનમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો, માનવમાત્ર જ નહિ પશુ-પંખીને પણ ઉપયોગી થવાનો વિચાર સતત આવે અને એટલે પોતે એવા કાર્યો વિચારો અમલમાં મુકે. સમાજના જુદા જુદા વર્ગના લોકોને પણ સાથે રાખીને સદ્કાર્યમાં જોડે.
વૃક્ષારોપણ હોય, નળકાંઠાના ગામોમાં સગર્ભા મહિલાઓના આરોગ્યની વાત હોય કે મુંગા પશુ-પક્ષીઓની સંભાળ અને પ્રકૃતિ રક્ષાની વાત હોય, મનુભાઈ બધા કામમાં આગળ હોય.
રાજ્યના પવિત્ર યાત્રાધામોમાં ગંદકી કરનારાઓ સામે મનુભાઈ અને તેમના સાથીઓ ગાંધીગીરી અપનાવે છે ‘કૃષ્ણ કંટાળ્યા કચરાથી’ બેનર સાથે તેમણે દ્વારિકામાં સ્વચ્છતાનો સંદેશ આપીને સફાઈ અભિયાન કર્યું હતું.
સાણંદથી નળ સરોવરનો પટ્ટો પાણીગ્રસ્ત વિસ્તાર છે. અહીં મચ્છરનો ઉપદ્રવ વધુ છે. આથી તે વિસ્તારની સગર્ભા બહેનોને તેમનું ટ્રસ્ટ મચ્છરદાની પહોંચાડે છે. દીકરીનો જન્મ થાય ત્યારે આશાવર્કર બહેનોની સહાયથી ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરે છે. ઉપરાંત નોટબુક વિતરણ, બેનામી લાશની અંતિમવિધિ જેવા સેવાકાર્યો પણ કરે છે. શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, બેટી બચાવો અભિયાન જેવી પ્રવૃત્તિઓમાં મનુભાઈ સતત વ્યસ્ત રહે છે.
ઓટોહબ ગણાતા સાણંદ વિસ્તારમાં ફોર અને ટુ વ્હીલર વાહનોના ડીલરો જ્યારે કોઈને વાહન સુપરત કરે ત્યારે તેમને વન વિભાગના સહકારથી વાહનો સાથે વૃક્ષો પણ અપાય છે. અહીંના કેટલાક લોકો પક્ષીઓનો ગેરકાયદે શિકાર કરતા હતા. વન વિભાગની સહાયથી કાર્યક્રમો યોજ્યા, પૂ. મોરારિબાપુ સુધી વાત પહોંચાડીને ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ ૩૫ વ્યક્તિએ બાપુ પાસે પોતાની જાળ સમર્પિત કરીને પક્ષીઓને ન મારવાનો સંકલ્પ લીધો.
આ વિસ્તારની ૨૦ દલિત બહેનો કે જેમના પરિવારમાં કોઈ નથી, તેમને દ્વારકા-સોમનાથ દર્શન કરાવ્યા ને પછી લઈ ગયા મોરારિબાપુ પાસે એમના ગામ તલગાજરડામાં. સાથીઓએ – બહેનોએ ભજનો ગાયા. બાપુએ શાલ ઓઢાડી સન્માન કર્યું. માનવ સેવા ટ્રસ્ટની પ્રવૃત્તિઓને સરકારના વિવિધ વિભાગો, સામાજિક સંસ્થાઓ અને અધિકારીઓ – પદાધિકારીઓ – કંપનીઓનું ખૂબ સારું પ્રોત્સાહન મળી રહે છે.
•••
સમાજમાં છેવાડાના માનવી સુધી પ્રાથમિક રૂપે જરૂરી જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડીને, તેમના જીવનધોરણમાં સુધારો કરીને રાજી થવાનો આનંદ જે લોકો લઈ રહ્યા છે તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આવા લોકોની પ્રવૃત્તિઓ સાથે કોઈને કોઈ રીતે જોડાઈને આપણે પણ જ્યારે સમય – લક્ષ્મી - માહિતી - સ્કીલ જેવા અનેક માધ્યમો થકી કશુંક આપીએ છીએ ત્યારે આપણો માંહ્યલો રાજી રહે છે અને આપણી આસપાસ આપ્યાનો આનંદ ઉજાસરૂપે રેલાય છે ને અજવાળા ફેલાય છે.
લાઈટ હાઉસ
દીધું હોય તો દેતો જાજે
આવ્યું હોય તો આપતો જાજે
- જાણીતું ભક્તિપદ