‘કહું છું, આ દીકરી બહુ ભણે છે, પણ ખર્ચાને કેમ પહોંચી વળીશું?’
અમરીબહેને પતિ રામભાઈને કહ્યું. વાત સાચી જ હતી, પરંતુ આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે આવ્યો તેની વાત જાણવા તમને લઈ જવા છે સૌરાષ્ટ્રના દેવકા ગામમાં.
આ પરિવાર દેવકા ગામનો મૂળ વતની. રાજુલા તાલુકાનું નાનું એવું ગામ, એમાં આ સામાન્ય આર્થિક આવક ધરાવતો પરિવાર રહે. દીકરી સેજલ અને બે ભાઈઓ એમાં સંતાનોરૂપે આનંદ-કિલ્લોલ કરે.
દેવકા ગામની પ્રાથમિક શાળામાં ભણતી સેજલ અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર. ધોરણ આઠમાં ૯૧ ટકા માર્ક્સ સાથે પાસ થઈ ગઈ અને આંખોમાં સપનાં જોયાં કે મારે ડોક્ટર થવું છે.
‘એક સાંધો અને તેર તૂટે’ એ કહેવત બરાબર સાચી પડે એવી આર્થિક હાલત હોય ત્યાં ૮-૧૦ લાખના ખર્ચા કરવાનું સપનું યે આઘું રહે! મા-બાપ દીકરીની પ્રગતિ જોઈને રાજી પણ થાય અને મુંઝાય પણ ખરા અને એવા સમયે અમરીબહેને આ વાક્ય પતિને કહ્યું હતું. પરંતુ દીકરી સેજલને તો બસ ભણવું જ હતું. અને એક દિવસ અચાનક એના ભવિષ્ય આડે જે વાદળો હતાં એ દૂર થયા ને પ્રકાશ પથરાયો.
આ તેજપુંજ લઈને આવવામાં નિમિત્ત બન્યા પૂજ્ય ‘ભાઈશ્રી’ રમેશભાઈ ઓઝા. દેવકા ગામનું જ સંતાન. આજે વિશ્વભરમાં ભાગવત કથાના માધ્ય દ્વારા ભારતીય સંસ્કૃતિ-સભ્યતા અને સૌહાર્દનો સંદેશો ફેલાવનાર વ્યક્તિત્વ. એમના પ્રવચનો સાંભળીને દેશ-વિદેશના લાખ્ખો ભક્તો - એમાંય વિશેષરૂપે યુવાનો - પોતાના જીવનમાં શ્રદ્ધા-વિશ્વાસ અને આનંદની અનુભૂતિ કરી રહ્યા છે.
ગામની જૂની પ્રાથમિક શાળા ભૂકંપમાં તૂટી ગઈ હતી એને પૂજ્ય ‘ભાઈશ્રી’એ પોતાના ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત કરી અને એ પછી એમને વિચાર આવ્યો કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ભણવા માટે ગામમાં જ શ્રેષ્ઠ સુવિધાઓ આપવી જોઈએ. અમલ કર્યો આ વિચારનો, અને આજે દેવકા વિદ્યાપીઠમાં પ્રાથમિકથી લઈને કોલેજ કક્ષા સુધીનું શિક્ષણ ૬૫૦થી વધુ વિદ્યાર્થીઓ પામી રહ્યા છે, જેમાં ૨૫૦થી વધુ વિદ્યાર્થિનીઓ છે. એમાંથી જ એક એટલે સેજલે પણ નવમા ધોરણમાં પ્રવેશ લીધો દેવકા વિદ્યાપીઠમાં. પૂજ્ય ‘ભાઈશ્રી’ નિયમિતરૂપે સંસ્થામાં આવે અને પ્રગતિ વિશે જાણકારી મેળવે. એમાં એક દિવસ એમને માહિતી મળી કે સંસ્થામાં જ કામ કરતા રામભાઈની દીકરી સેજલ ભણવામાં ખૂબ જ હોંશિયાર છે. વિગતો મેળવી તો ખ્યાલ આવ્યો કે પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે એને વધુ ઉચ્ચ અભ્યાસ કરાવી શકે. એમણે સંસ્થાના ટ્રસ્ટીઓને આ દીકરીના શિક્ષણ માટેની તમામ જવાબદારી લેવા જણાવ્યું. દીકરીને પણ ચિંતા કર્યા વિના આગળ ભણવાના આશીર્વાદ આપ્યા. ધોરણ ૧૦ની પરીક્ષામાં એ ૯૫ પર્સેન્ટાઇલ રેન્ક (પીઆર) લઈ આવી અને હવે ધોરણ ૧૨ની પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારીઓ કરી રહી છે. ‘ભાઈશ્રી’એ આ દીકરી જ્યાં સુધી ભણે ત્યાં સુધી જ નહીં એના લગ્નનો અવસર આવે ત્યાં સુધીની એક દીકરી માટે ઊઠાવવાની તમામ જવાબદારી વાત્સલ્ય સાથે ઊઠાવવા ટ્રસ્ટીઓને કહ્યું છે. આજે હવે આ દીકરી પણ હોંશે-હોંશે આશીર્વાદ સાથે અભ્યાસ કરી રહી છે.
•••
ગુજરાતના ગામડાંઓની દીકરીઓ પણ હવે ઉચ્ચ અભ્યાસમાં ખૂબ આગળ વધી રહી છે અને એને ધાર્મિક-સામાજિક-આર્થિક જગતના મહાનુભાવો દ્વારા તથા રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન પણ મળી રહ્યું છે એ વાતની પ્રતીતિ કરાવે છે સેજલ જેવી અનેક દીકરીઓ.
શિક્ષણ એ વ્યક્તિના વિકાસનો પાયો છે અને તે સાચી દિશાનું - શ્રેષ્ઠ સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય એ જોવાની જવાબદારી સરકાર અને શ્રેષ્ઠીઓની છે. ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા વ્યક્તિવિશેષો અને એમના દ્વારા પ્રેરિત સંસ્થાઓ દ્વારા આ દિશામાં સુંદર કાર્ય થઈ રહ્યું છે.
બુદ્ધિકૌશલ્ય દ્વારા અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની આડે આવતી એમના પરિવારની આર્થિક અક્ષમતાને દૂર કરીને એમના પર આશીર્વાદ અને વાત્સલ્યનો પ્રવાહ વહે ત્યારે આવા વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ પામે છે અને એમના જીવનમાં શિક્ષણના દીવડાના અજવાળા રેલાય છે.
લાઈટ હાઉસ
ભીતરમાં ભગવાન વસે તો બધા દાખલા સહેલા,
નથી કોઈની મોનોપોલી જે પહોંચે તે પહેલા.
- મુનીચંદ્રવિજયજી ‘આનંદ’