‘મારી નજર સામે એ ડોક્ટરે ત્રણ દર્દીઓના પૈસા લીધા નથી એટલે તમારી માન્યતાઓ તમે ઈચ્છો તો બદલી પણ શકો.’ અભિષેકે એમના એક મુરબ્બી મિત્રને આ વાત કહી એનું કારણ પામવા આખી ઘટના સુધી જઈએ.
અભિષેક ઉચ્ચ મધ્યમ વર્ગનો માણસ છે. સારી કંપનીમાં ઓફિસર તરીકે કાર્ય કરે છે. ઘરમાં ગાડી છે અને સ્કૂટર પણ છે. સમયે સમયે આવવા-જવા માટે ટેક્સીઓનો ઉપયોગ પણ એ પોતે અને એના પરિવારના સભ્યો કરતા રહે છે. શહેરમાં અત્યારે ટ્રાફિકની સ્થિતિ એટલી વણસેલી છે કે પીક અવર્સમાં ગાડી લઈને જવું અઘરું થઈ પડે. એમાં વળી જ્યાં જાઓ ત્યાં પાર્કિંગ મેળવવાના પ્રશ્નો સર્જાય એટલે અભિષેક ઘણી વાર ગાડીનો ઉપયોગ ટાળીને સ્કૂટર પર જવાનું પસંદ કરે.
એ દિવસે સવારે ૧૧ વાગ્યે એ પોતાના કામે સ્કૂટર પર જઈ રહ્યો હતો. સામાન્ય સ્પીડમાં સ્કૂટર ચલાવતો હતો. હેલ્મેટ પણ હંમેશની જેમ પહેરી હતી. થયું એવું કે કોઈએ ચાર રસ્તા પર એની સ્કૂટરની સ્પીડ કરતા વધુ ઝડપે એકદમ સ્કૂટર પસાર કર્યું. અચાનક બાજુમાંથી સ્પીડમાં સ્કૂટર પસાર થવાથી અભિષેક ગભરાઈ ગયો. ભૂલમાં સ્કૂટરની બંને બ્રેક લાગી ગઈ. પરિણામે સ્કૂટર સ્લીપ થયું. એને ખ્યાલ પણ ન આવ્યો કે શું થયું. એ ઊભો થઈ શક્યો. આસપાસમાંથી બે-ત્રણ યુવાનો આવ્યા. સ્કૂટર ઊભું કર્યું. અભિષેકને ક્યાંય વાગ્યું તો નથીને તે તપાસ્યું. ઈશ્વરની કૃપા કે તેને ઊઝરડો પણ પડ્યો ન હતો. સ્કૂટરને પણ નુકસાન ન હતું. અભિષેક સ્કૂટરને દોરીને રસ્તાની સાઈડે લઇ ગયો. પછી એને ખ્યાલ આવ્યો કે એના જમણા હાથના ખભાના ભાગમાં દુઃખાવો થાય છે એટલે સ્કૂટર સાઈડમાં પાર્ક કર્યું. પત્ની અને એક-બે મિત્રોને ફોન કર્યાં. કોઈ યોગ્ય ઓર્થોપેડિક ડોક્ટરને બતાવવાનું નક્કી કર્યું.
અભિષેકની બહેન છાયા પ્રતિષ્ઠિત ડોક્ટર છે. એને ફોન કરતાં છાયાએ અને એના ડોક્ટર પતિએ કહ્યું કે ‘આજે અત્યારે જ મારા એક મિત્ર ઓર્થોપેડિક ડોક્ટર છે એમને ત્યાં તું પહોંચી જા. હું ફોન કરી દઉં છું. જે હશે એ તને સાવ સાચી સલાહ આપશે.’ અભિષેક પરિવાર સાથે દવાખાને પહોંચ્યો. ચાલીસેક વર્ષનો અનુભવ ધરાવતા એ ડોક્ટર અને તેમના દીકરાએ બધી તપાસ કરી. એક્સ-રે લીધા ને અભિષેકને કહ્યું કે, ‘હાડકું ડિસલોકેટ નથી થયું એટલે ચિંતાનું કારણ નથી, ફ્રેક્ચર છે, પરંતુ સમય જતાં તે સંધાઈ જશે.’ યોગ્ય બેલ્ટ પહેરાવીને તથા દવાઓ આપીને સલાહ આપી કે શું કરવું અને શું ના કરવું.
દરમિયાન એક યુવાન પેશન્ટ રૂમમાં આવ્યો. ડોક્ટરને કહે કે હવે ફરી ક્યારે બતાવવા આવું? તો ડોક્ટરે કહ્યું કે, ‘ભાઈ, તારે હવે કોઈ સારવારની જરૂર નથી. હું ઈચ્છું કે ફરી તારે ક્યારેય કોઈ ડોક્ટર પાસે જવું ન પડે અને તને જે દિવસે એમ થાય કે મારે આ ઓર્થોપેડિક હોસ્પિટલમાં બતાવવા જવું છે એ દિવસે મારી ફી જેટલા પૈસા એક ગલ્લામાં નાંખી દેજે અને એ ગલ્લાની રકમ સારા કામમાં વાપરજે.’ અભિષેકને આનંદ થયો કે એક ડોક્ટર દર્દીને આવી સાચી સલાહ આપે છે. દવાખાના કાઉન્ટર પર પોતાને ચૂકવવાની રકમ આપતો હતો એ દરમિયાન તેણે નોંધ્યું કે સાવ સામાન્ય આર્થિક સ્થિતિના બે દર્દીની ફી ન લેવાની સૂચના ડોક્ટરે હિસાબનીશને આપી હતી.
ઘરે આવ્યા બાદ અભિષેકના એક મિત્રએ ફોનમાં અભિષેકની તબિયત વિશે પૂછ્યું અને પછી કીધું કે, ‘તમે જે ડોક્ટરને બતાવ્યું એ તો બહુ મોંઘા ડોક્ટર છે...’ તેના જવાબમાં લેખના આરંભે લખેલું વાક્ય અભિષેકે કહ્યું હતું.
માણસ પોતાના વ્યવસાયમાં એની કુશળતા અને અનુભવના યોગ્ય પૈસા લે તે એના માટે જરૂરી હોઈ શકે. બીજાને કદાચ અનુકૂળ ન આવે એટલે તેઓ પોતાના અભિપ્રાયો વ્યક્ત કરતા હોય છે, પરંતુ આવી જ વ્યક્તિઓ ગામઆખાને કહ્યા વિના જરૂરિયાતમંદોના પૈસા લેતા પણ નથી એ પણ સાચી વાત છે. આવું થાય છે ત્યારે વ્યાવસાયિક દુનિયામાં માનવધર્મના અજવાળાં પથરાય છે.